Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શીખ ધર્મના દશ ગુરૂ

શીખ ધર્મના દશ ગુરૂ
, રવિવાર, 3 જૂન 2007 (09:48 IST)
શીખ ધર્મને દુનિયાના શ્રેષ્ઠ ધર્મોમાંથી એક ગણવામાં આવે છે. શીખ ધર્મ માનવ માત્રના કલ્યાણ માટે એક નવો જીવન પ્રકાશ પ્રદાન કરે છે. આ ધર્મમાં પ્રાચીન ધર્મોની વિશેષતાઓ પણ ગ્રહણ કરવામાં આવી છે, તેની સાથે જૂના ધર્મોમા રહેલી સંકીર્ણતા, અંધવિશ્વાસ, પૂર્ણ કર્મકાંડ અને અવૈજ્ઞાનિકપણું ન આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

એકેશ્વરવાદના સિદ્ધાંત પર માનવીય એકતા, વિશ્વ બંધુત્વ અને શાંતિનો સંદેશો પ્રસરાવવો એ તેનો મુખ્ય હેતુ છે. શીખ ધર્મના સિદ્ધાંતો અને શીખ ઈતિહાસની પરંપરાઓ આ વાતની સાક્ષી છે. શીખ ધર્મમાં એક જાણીતું વાક્ય છે-

'નાનત નામ ચઢદી કલા-તેરે ભાણે શરબત કા ભલા'

આ વાત પરથી સમજાય છે કે પ્રભુ ભક્તિ દ્વારા માનવતાને ઉંચે ઉઠાવીને બધાનું ભલું કરવું એ જ આ ધર્મનો મુખ્ય હેતુ છે. તેના ધર્મગ્રંથ, ધર્મમંદિર, સત્સંગ, મર્યાદા, લંગર તથા અન્ય કાર્યોમાં માનવ પ્રેમની સુવાસ મહેકે છે.

આદિ ગુરૂ નાનક સાહેબ તો સમગ્ર વિશ્વને આમંત્રણ આપતા કહે છે કે ભાઈ આવો, આપણે મળીને આપણા ગુરૂના ગુણોને આત્મસાત્ કરીએ, તેનાથી મલીનતા દૂર થઈને પરસ્પર પ્રેમ વધે છે. આવો મારા મિત્રો, સાથે મળીને જ આ યાત્રા સુગમતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે. શીખ ધર્મમાં દશ ગુરૂ થઈ ગયા. જેમણે એક નવા જ જીવન માર્ગનું નિર્માણ કર્યુ. તેમના નામ આ પ્રમાણે છે.

ગુરૂ નાનક દેવ (પહેલા ગુરૂ)
(15 નવેમ્બર, 1469 કાર્તક પૂર્ણિમા-દિવ્ય જ્યોતિ 7 સપ્ટમેબ્ર, 1539)

તે સમયે દેશમાં અજ્ઞાનતાનો અંધકાર છવાયેલો હતો. ચારે તરફ સ્વાર્થ અને અન્યાય વ્યાપેલો તો. પાખંડી સાધુઓ અને મૌલવીઓથી પ્રભાવિત થઈને લોકો નાણાનો દુર્વ્યય કરી રહ્યા હતા. ન રાજાને પ્રજાની ચિંતા હતી, ન પ્રજામાં રાજા સુધી પહોંચવાનું સાહસ. કેટલાક લોકોને છોડીને મોટાભાગના ક્ષત્રિયો પોતાની સ્વર્ણિમ પરંપરા ત્યજીને સમયના વહેણમાં વહી રહ્યા હતા. આવા સંકટભર્યા સમયે ગુરૂ નાનકદેવનો જન્મ થયો. તેમણે પલાયન તરફ આગળ વધી રહેલા લોકોને નવી જાગૃત્તિ અને શાંતિનો સંદેશો આપ્યો. જેના લીધે લોકોમાં એક નવી આશાનો સંચાર થયો.

તેમનો જન્મ 15 નવેમ્બર 1469ના રોજ કાર્તક પૂનમની તિથીએ પાકિસ્તાનના શેખુપુરા જીલ્લામાં તલવંડી નામના ગામે થયો હતો. પિતા મહિતા કલ્યાણદાસ અને માતા તિરિપતાના આ લાડલો દિકરો નાનપણથી જ હોંશિયાર હતો. તેમને શિક્ષણ માટે મોકલવામાં આવ્યા તો તેમણે શિક્ષકને એવા એવા પ્રશ્નો પૂછ્યા કે તેઓ આશ્વર્યચકિત થઈ ગયા. જનેઉ વિધિ વખતે પંડિતને અનેક પ્રશ્નો પૂછીને જનેઉ પહેરવાની ના પાડી દિધી. 16 વર્ષની ઉંમર તેમના લગ્ન શ્રી મૂલચંદજીની પુત્રી સુલખનીજી સાથે થયા. તેમને બે પુત્રો જન્મા. તેમાંથી એકનું નામ હતું બાબા શ્રીચંદ જ્યારે બીજાનું બાબા લખમીચંદ.

1504માં તેઓ સુલતાનપુર આવ્યા અને બનેવી દોલતખાન લોદીને ત્યાં નોકરી કરી. 1507માં તેમણે બેહી નદીમાં સમાધી લગાવી અને તેમાંથી બહાર નીકળ્યા પછી કહ્યું કે અહીં ન કોઈ હિન્દુ છે ન કોઈ મુસલમાન. તેમણે લોકોને કર્મકાંડ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરાવવા ચાર યાત્રાઓ કરી. તેઓ હિંન્દુઓના તીર્થસ્થળે પણ ગયા અને મક્કા મદિના પણ ગયા.
1532માં ભાઈ લહિનાજી તેમના દર્શનાર્થે કરતારપુર આવ્યા હતા. તેઓ ગુરૂ નાનકના પરમ શિષ્ય બની ગયા અને તેમણે ગુરૂજીની ઘણી સેવા કરી. 1539માં બાબા લહિનાજીને પોતાની ગાદિ સોંપીને તેઓ દિવ્ય જ્યોતિમાં લીન થઈ ગયા. એટલે કે નિરંકારમાં સમાઈ ગયા.

ગુરૂ અંગદ સાહિબ (બીજા ગુરૂ)

ગુરૂ અંગદ સાહિબના રૂપમાં પ્રકટેલા ગુરૂ જ્યોતિએ કહ્યું કે પરમેશ્વર માતાની જેમ છે જે બાળકોનો કાલોઘેલો અવાજ અને સંકેતો સમજે છે. તેને સમજવા કોઈ વિશેષ બોલીની જરૂરીયાત પડતી નથી. ઈશ્વર પ્રાપ્તિ માટે કોઈ ચોક્કસ ભાષાની જરૂરીયાત નથી.

અમરદાસજી (ત્રીજા ગુરૂ)

શીખ ધર્મના ત્રીજા ગુરૂ અમરદાસજીએ માનવમાત્રમાં એકતા લાવવા ધર્મ-જાતિ જેવા ભેદભાવોનો વિરોધ કર્યો. તેમણે આ ભેદભાવ દૂર કરવા ભોજનશાળા (લંગર) શરૂ કરવાનો આદેશ આપ્યો. તેમણે કહ્યું કે ભોજનશાળામાં ભોજન લીધા વિના કોઈ મને મળી નહીં શકે. લંગરના માધ્યમથી તેમણે ભેદભાવ દૂર કરવાના પ્રયત્નો કર્યા.

રામદાસજી (ચોથા ગુરૂ)

શીખ ધર્મના ચોથા ગુરૂએ કહ્યું મનુષ્ય માત્રની અંદર પ્રભુ સમાયેલા છે. તેથી મંદિરોના દરવાજા પૂર્વ કે પશ્વિમમાં બનાવવાની કોઈ જ જરૂરત નથી. ભગવાન સહુના છે અને ભગવાનના મંદિર પણ સહુના છે. કોઈ ચોક્કસ દિશામાં મંદિર બનાવવું કે કોઈ ચોક્કસ દિશામાં મંદિરના દરવાજા રાખવા અથવા તો કોઈ ચોક્કસ જાતિના લોકોને જ મંદિરમાં જવાની અનુમતિ આપવી આ બધી ભ્રમભરી વાતો છે. રામદાસજી આ ભ્રમને દૂર કરવા અમૃતસરમાં હરિ મંદિર બનાવડાવ્યું. તે મંદિરમાં ચારે તરફ ચાર ચાર દરવાજા રાખ્યા. તેમણે આ મંદિરમાં બ્રાહ્મણ, ક્ષત્રિયો, વૈશ્યો, શુદ્રો એમ બધા જ વર્ણોના લોકોને દર્શનાર્થે આવવાની મંજૂરી આપી.

અર્જનદેવજી (પાંચમા ગુરૂ)

શીખ ધર્મના પાંચમા ગુરૂ અર્જનદેવજીએ આધ્યાત્મિક જ્ઞાન પર કોઈ ચોક્કસ જાતિ કે ધર્મનું જ વર્ચસ્વ હોઈ શકે તે વાત ખોટી હોવાનું પૂરવાર કર્યુ. તેમણે જ્ઞાન એ પ્રકાશનું જ બીજું નામ છે એમ સમજાવ્યું.

હરગોવિંન્દજી (છઠ્ઠા ગુરૂ)

શીખ ધર્મના છઠ્ઠા ગૂરા હરગોવિન્દજીએ વ્યક્તિમાત્રને બળવાન બનવાનો સંદેશો આપ્યો. તેમણે કહ્યું કે પુરાતન રૂઢિઓના વધુ પડતા ઉત્સાહમાં કોઈ વ્યક્તિ ગાંડપણની હદ સુધી જાય અને જીવનની સાચી શિક્ષા આપતા લોકોને મારવાનો પ્રયત્ન કરે ત્યારે તેને શસ્ત્ર દ્વારા સાચા માર્ગે વાળવો જોઈએ. આવું કરવું એ પ્રાણી પર દયા કરવા જેવું છે. તેમણે શીખોને તલવાર રાખવાની પ્રેરણા આપી.

હરીરાય સાહેબ (સાતમા ગુરૂ)

હરીરાય સાહેબે પુરાતનવાદના નશામાં અટવાયેલા લોકોને સુધારવા શસ્ત્રો ધારણ કરવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે મનુષ્યે સંયમપૂર્વક વર્તન કરવું જોઈએ. તેમણે કહ્યું કે દયાભાવની જગ્યાએ આપણે ક્રોધિત થઈ જઈએ અને તલવાર મ્યાનની બહાર ન આવી જાય અને પરોપકારની જગ્યાએ બદલાની ભાવના ન જન્મે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે હંમેશા તલવાર રાખવા કહ્યું પરંતુ જરૂર પડ્યે જ તેનો ઉપયોગ કરવાનો ઉપદેશ આપ્યો.

હરીકૃષ્ણજી સાહેબ (આઠમા ગુરૂ)

શસ્ત્રો વિના પણ બુરાઈઓ વિરૂદ્ધ સત્યાગ્રહના માધ્યમથી આંદોલન કરી શકાય છે એવો સંદેશો આપનાર શીખ ધર્મના આઠમા ગુરૂ હરીકૃષ્ણજીએ બહુ નાની ઉંમરે તેમની આત્મિય શક્તિઓ દ્વારા બુરાઈઓ વિરૂદ્ધ ઝીંક ઝીલીને માનવતામાં નવી શક્તિનો સંચાર કર્યો.

તેગબહાદુરજી (નવમા ગુરૂ)

ગુરૂ તેગબહાદુરજીએ બીજા લોકોની ભલાઈ માટે બલિદાન આપવાનો અભ્યાસ કર્યો. તેમના બલિદાનથી એ સ્પષ્ટ થઈ ગયું કે સંસારની મોટામાં મોટી શક્તિ પણ એક સત્ય પુરૂષના દ્રઢ વિચારોને વિચલીત કરી શકતી નથી.

ગોવિંદસિંહ (દશમા ગુરૂ)

ગુરૂ ગોવિંદસિંહે જીવન પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓની તલવારથી પરીક્ષા લીધી. તેના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓ તે પરીક્ષામાં સફળ થયા અને જીવનમાં આગળ વધ્યા. માત્ર અઢીસો વર્ષના ગાળામાં ગુરૂ નાનક સાહેબે દશ અલગ અલગ સ્વરૂપે જીવન પદ્ધતિ શીખવી. અને તેને અનુસરનાર લોકો શીખ તરીકે ઓળખાયા.

Share this Story:

Follow Webdunia gujarati