શીખ ધર્મ એક જ ઈશ્વરમાં માને છે, જો કે ઈશ્વર સુધી દશ ગુરૂઓની મદદથી પહોંચી શકાય એવું પણ તેઓ માને છે. ગુરૂ ગ્રંથ સાહિબ તેમનો ધર્મ ગ્રંથ છે. શીખોના દશ ધર્મ ગુરૂ છે. ગુરૂ નાનક પ્રથમ ધર્મ ગુરૂ હતા જ્યારે ગુરૂ ગોવિન્દ સિંહ અંતિમ ધર્મ ગુરૂ. શીખો ઈશ્વરને અવિનાશી અને સર્વવ્યાપી છે એવી આસ્થા રાખે છે.
પંદરમી સદીમાં ગુરૂ નાનક સાહૈબે એકેશ્વરવાદ અને પરસ્પર બંધુત્વ કેળવવાની ભાવના સાથે શીખ ધર્મની સ્થાપના કરી હતી. 15 એપ્રિલ 1469ના રોજ હાલ નાનકાના સાહિબ તરીકે ઓળખાતા તલવંડી રાયભોય નામના સ્થળે તેમનો જન્મ થયો હતો. તલવંડી પાકિસ્તાનમાં લાહોરથી 30 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્વિમમાં આવેલું છે. ગુરૂ નાનકે જ શીખ ધર્મને દશ સિદ્ધાંતો આપ્યા હતા. જે આ પ્રમાણે છે.
(1) ઈશ્વર એક છે.
(2) હંમેશા એક જ ઈશ્વરની ઉપાસના કરો.
(3) ઈશ્વર સર્વત્ર અને રજમાત્રમાં અસ્તિત્વ ધરાવે છે.
(4) ઈશ્વરની ભક્તિ કરનારાને ક્યારેય કોઈનો ડર નથી લાગતો.
(5) પ્રામાણિકતા પૂર્વક મહેનત કરીને પેટ ભરવું જોઈએ.
(6) ખોટા કાર્યો કરવા વિષે ન વિચારવું, ન કોઈને હેરાન કરવું.
(7) હંમેશા ખુશ રહેવું જોઈએ. ઈશ્વરને સમર્પિત રહેવું જોઈએ.
(8) આપણી મહેનતની કમાણીમાંથી થોડું જેમને જરૂરીયાત હોય તેવા લોકોને આપવું જોઈએ.
(9) બધા જ સ્ત્રી પુરૂષો એક સમાન છે.
(10) ભોજન શરીરને ચેતનવંતુ રાખવા માટે અનિવાર્ય છે. પણ લોભ-લાલચની વૃત્તિ ખોટી છે.
શીખ ધર્મમાં પ્રાચીન ધર્મોની ખાસિયતો સ્વીકારવામાં આવી છે. સાથે સાથે અર્વાચીન ધર્મો જેવા અંધવિશ્વાસ, પૂર્ણ કર્મકાંડ, સંકીર્ણતા અને અવૈજ્ઞાનિકપણા જેવા અવગુણો ન આવે તે વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. એકેશ્વરવાદના પાયા પર માનવીય એકતાના સુદ્રઢ કરવી એ આ ધર્મનો મુખ્ય હેતુ છે.
શીખ ધર્મનો ઈતિહાસ અને તેના સિદ્ધાંતો આ વાતની સાક્ષી પૂરે છે. તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે પ્રભુ ભક્તિ દ્વારા માનવતાથી ઉપર ઉઠીને બધાનું ભલું કરવું એ જ આ ધર્મનો મુખ્ય હેતુ છે.
તેના ધર્મગ્રંથ, ધર્મમંદિર, સત્સંગ, મર્યાદા, લંગર વગેરે માનવ પ્રેમની સુવાસ ફેલાવે છે. ગુરૂ નાનક સાહેબ કહેતા કે, આવો. આપણે સહુ મળીને પ્રભુનું ગુણગાન કરીએ. જેથી આપણી વચ્ચે ભેદભાવ દૂર થાય અને પ્રેમ વધે.
શીખ ધર્મમાં કુલ દશ ગુરૂઓ થઈ ગયા. તેઓ જીવનભર શીખ ધર્મના સિદ્ધાંતો પર ચાલ્યા.