આજે શ્રાવણનો પ્રથમ સોમવાર. આજે નાગપંચમી પણ છે. નાગપંચમી અને શ્રાવણનો સોમવાર આવવો એક શુભ સંકેત છે આજે કેટલાક ઉપાય દ્વારા તમે શિવજીને પ્રસન્ન કરી શકો છો.
શ્રાવણના સોમવારનું વ્રત: શ્રાવણ મહિનામાં સોમવારે જે ઉપવાસ કરવામાં આવે અને શિવજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે તેને શ્રાવણના સોમવારનું વ્રત કહેવામાં આવે છે. સોમવારનો દિવસ ભગવાન શિવજીને સમર્પિત છે.
સોળ સોમવારનું વ્રત: શ્રાવણ મહિનાને હિન્દુ શાસ્ત્રમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આથી આ મહિનામાં સોળ સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને તેનું અનેકગણું પુણ્ય મળે છે. સોળ સોમવારનું વ્રત શરૂ કરવા માટે આ સમય ખૂબ ઉત્તમ માનવામાં આવે છે.
શ્રાવણ મહિનાથી સોળ સોમવારનું વ્રત
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શરૂ કરીને 16 સોમવાર સુધી આ વ્રત કરવામાં આવે છે. ભગવાન ભોળાનાથને આ વ્રત અત્યંત પ્રિય છે. આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણના સ્નાનની વિશેષ પરંપરા છે. શ્રાવણ મહિનામાં બિલ્વપત્રથી ભગવાન શિવની પૂજા કરવાથી અને તેમનો જળાભિષેક કરવાથી ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.
શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરનારા ભક્તોની મનોકામનાઓ ભગવાન શિવ અચૂક પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં જ્યોતિર્લિંગના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ જાય છે.
શ્રાવણ મહિનાનું વ્રત અને પૂજા વિધિ
- સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું.
- ઘરના મંદિરમાં પૂજા-અર્ચના કરવી.
- શિવલિંગ પર દુધનો અભિષેક કરવા માટે શિવ મંદિરે જવું.
- શિવજી સમક્ષ આસન પાથરીને બેસવું અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના વ્રતનો સંકલ્પ કરવો.
- આખો દિવસ ઉપવાસ કરવો તેમજ સવારે અને સાંજે શિવજીની પૂજા-અર્ચના કરવી.
- પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવવો અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા.
- ભગવાન શિવજીને સોપારી, પંચામૃત, નાળીયેર અને બિલ્વપત્ર અર્પણ કરવા.
- વ્રત દરમિયાન સોળ સોમવારના વ્રતની વાર્તા અચુક વાંચવી.
- પૂજા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવો.
- સાંજે પૂજા પૂર્ણ થયા પછી વ્રતના પારણા કરવા માટે સાત્વિક ભોજન લેવું.