સેંસેક્સ ગબડતા રોકાણકારોએ ગુમાવ્યા 45000 કરોડ રૂપિયા !!
, બુધવાર, 23 મે 2012 (10:56 IST)
શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસોથી ચાલી રહેલી તેજી પર મંગળવારે બ્રેક લાગી હતી. ડોલર સામે રૂપિયો તૂટીને નવા તળિયે આવતા રોકારણકારોએ તાબડતોબ વેચવાલી હાથ ધરી હતી જેના કારણે સેનસેક્સ 157 પોઈન્ટ તૂટ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં 45000 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.છેલ્લા ત્રણ સેશનમાં 153 પોઈન્ટ મજબૂત રહેનારો સેનસેક્સ આજે 156.85 પોઈન્ટ તૂટીને 16026.41 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 45.55 પોઈન્ટ તૂટીને 4860.50 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.કારોબાર દરમિયાન સેનસેક્સ એક સમયે 16366.72 પોઈન્ટના દિવસના સૌથી ઉંચા સ્તર પર પહોંચી ગયો હતો. પરંતુ રૂપિયો તૂટીને 55ના સ્તરથી પણ નીચે આવી જતા રોકાણકારોમાં ઉહાપોહ મચ્યો હતો. રોકાણકારોએ બેંકિંગ, ધાતુ અને વીજળીની કંપનીઓના શેરોમાં વેચવાલી કરી હતી.સેનસેક્સની 30માંથી 26 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. આજના ઘટાડાથી રોકાણકારોએ 45000 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.બ્રોકરોએ કહ્યું હતું કે રૂપિયાના મુલ્યમાં ઘટાડો રોકવા માટે રિઝર્વ બેંક દ્વારા ઉપાયોની જાહેરાત કર્યા બાદ પણ વિદેશી ફંડોએ વેચવાલી ચાલુ રાખી હતી. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે બેંકો પર વાયદા અને વિકલ્પના સોદામાં ઓપન પોઝિશન લિમિટ પર 10 કરોડ ડોલરની સીમા લાગુ કરી દીધી છે. ઓપન પોઝિશનમાં વેપારી માંગથી ઉંચી ખરીદીના સોદા માટે થાય છે.આજે વેચવાલીનો માર સૌથી વધારે બેંકિંગ શેરોને લાગ્યો હતો જેનાથી એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.