આ વખતે મકરસંક્રાંતિ પર આકાશમાં કલાકારોની સાથે સાથે મોદી પણ પેચ લડાવતા જોવા મળશે. ક્યાંક બાળકોની મનગમતી ફિલ્મ 'તારે જમીન પર' ના આમીર અને દર્શિલ તો ક્યાક 'રિટર્ન ઓફ હનુમાન'ના હનુમાન પેચ લડાવતા જોવા મળશે. આ વર્ષે ક્રિકેટરો પણ આકાશમાં ઉડતા જોવા મળશે. ભારતીય ક્રિકેટ ટીમે ટ્વેંટી-20 વર્લ્ડ કપ જીતીને જે ઈતિહાસ રચ્યો છે તેનો ખુમાર આજે પણ લોકોની અંદર ભરેલો છે. આ વર્ષે મોદી પ્રત્યેનો પ્રેમ ગુજરાતીઓએ ચૂંટણી દ્વારા તો બતાવી દીધો જે હવે આકાશમાં ઉડતો પણ જોવા મળે તો નવાઈ નહી પામશો. અહીં વાત થઈ રહી છે ઉત્તરાયણમાં આકાશમાં ઉડનારી પતંગોની. આ વખતે પક્ષીઓની આકૃતિવાળી પતંગો પણ આકર્ષણુ કેન્દ્ર બનશે. અવનવી પતંગો જોઈને રસ્તે ચાલતા લોકોના પગ એકાએક બે ઘડી માટે થંભી જાય છે. ઉત્તરાયણની શરૂઆત તો હમણાંથી જ થઈ ગઈ છે. ગલી ગલીના નાકે ચરખામાં દોરી સૂતતા કારીગરોની ત્યાં ભીડ જોવા મળે છે. લોકો પતંગોના તહેવારને લઈને એટલા ઉત્સાહિત છે કે હમણાથી જ ઉત્તરાયણના દિવસે કંઈ અગાશી પર જઈને પેચ લડવા તેના પ્લાન બનાવી રહ્યા છે. ઉત્તરાયણના દિવસ માટે સુરતી દોરાની માંગ વધુ હોય છે. માંજા બનાવવા માટે કાઁચ, સાબુદાણા, ભીંડીના બીજ, ઈસબગોલની ભૂસૂ, મૂસળી વગેરે જેવી કેટલીય વસ્તુઓનો ઉપયોગ થાય છે.શ્વેત આકાશમાં ધરતીનાં પ્રેમ પત્ર સ્વરૂપ પતંગોને ઉડાડીને વિવિધ રંગી પતંગોથી આકાશને રંગવાનો અનોખો તહેવાર ઉત્તરાયણ એટલો લોકપ્રિય છે કે હવે ઉત્તરાયણ નિમિતે વૈશ્વિકસ્તરની પતંગ સ્પર્ધાઓ દ્રારા ગુજરાતીઓની સાથેસાથે વિદેશીઓ પણ ગુજરાતમાં વિશાળ સ્તરે તેની ઉજવણી કરે છે.
દર વર્ષની 14મી જાન્યુઆરીએ ઉજવનારો તહેવાર કહેવાય છે કે હવે 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. પણ તમને લાગે છે કે લોકો 14મીજાન્યુઆરીએ પતંગ હાથમાં નહી લે ? અરે જે ગુજરાતીઓ 1લી જાન્યુઆરીથી જ ઉત્તરાયણની શરૂઆત કરી નાખે છે તે આટલા વર્ષોથી ઉત્તરાયણ તરીકે ઉજવતા દિવસને કેવી રીતે ખાલી જવા દેશે ? આ વખતે ઉત્તરાયણ ચાર દિવસ સુધી ઉજવાશે. 13 તારીખે આવ્યો રવિવાર એટલે લોકો પતંગ ઉડાવવાનુ રિહર્સલ કરશે, 14મી એ પરંપરાગત રીતે ઉજવાતી આવી હોવાથી ઉજવશે અને 15મીએ આ વખતે સર્વને ઉત્તરાયણની રજા રહેશે તેથી ઉજવશે.અને બીજા દિવસે વાસે ઉતરાયણ તો આપણે કરવાની જ હોય.