Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

સુંદરકાંડ કેમ કરવામાં આવે છે ?

Ram n Hanuman
, શનિવાર, 30 માર્ચ 2024 (08:00 IST)
આ કાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્રો પણ છે. માટે સમગ્ર રામાયણમાં સુંદરકાંડને સહુથી શ્રેષ્ઠ માનવામાં આવે છે., આત્મવિશ્વાસની ઉણપ હોય કે અન્ય કોઇ સમસ્યા હોય ત્યારે જ્યોતિષીઓ અને સંતો સુંદરકાંડના પાઠ કરવાની સલાહ આપે છે. આખરે રામચરિતમાનસના અન્ય છ કાંડ છોડીને માત્ર સુંદરકાંડના પાઠ કરવાનું જ શા માટે કહેવામાં આવે છે ?
 
વાસ્તવમાં રામચરિતમાનસના સુંદરકાંડની કથા બધાથી અલગ છે. સંપૂર્ણ રામચરિતમાનસ ભગવાન રામના ગુણો અને તેમના પુરુષાર્થથી ભરેલું છે. એકમાત્ર સુંદરકાંડ એવો અધ્યાય છે જેમાં ભક્તનો વિજય થાય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો આ કાંડ આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિને વધારે તેવો કાંડ છે.
 
 
કિષ્કિંધાકાંડ- સાગર કિનારે પહોંચીને સર્વે વાનરો વાતો કરતા હતા કે સીતા માતાની ખબર મેળવવા હવે શું કરવું? જટાયુ કેવો ભાગ્યશાળી કે જેણે રામ માટે દેહ નો ત્યાગ કર્યો, ત્યાં ગુફામાં રહેતો સંપાતિ નામનો ગીધ ગરુડ પોતાના ભાઇ જટાયુ નું નામ સાંભળી ને બહાર આવ્યો અને વિગત જાણી કહેવા લાગ્યો કે હવે તો હું ઘરડો થયો પણ મને સામે પાર ત્રિકૂટ નમના પર્વત પર લંકા નગરી છે ત્યાં અશોક વાટિકામાં સીતા માતા બિરાજે છે તે દેખાય છે. બધા યોદ્ધાઓ પોત પોતાના બળા-બળ ની વાત કરવા લાગ્યા, ત્યારે જામવંત હનુમાનજી ને શ્રાપ વશ ભુલેલા તેમના બળ ને યાદ કરેછે, તમે બળવાન છો, અને તમારોતો અવતારજ રામનું કાર્ય કરવા માટે થયોછે. {કાર્તિકી વદ ચૌદશ ને શનીવારે જન્મ} આવું સાંભળી ને હનુમાનજીએ પહાડ જેવો વિશાળ દેહ ધારણ કર્યો અને સિંહ જેવી ગર્જના કરી.............
 
સુંદર કાંડ
 
જામવંત ના વચનો વિચારી, હનુમંત આનંદિત ભારી,
ચડી મેનાક વિરાટ રૂપ ધરીને, રામ સ્વરૂપ મન મંદિર ભરીને..
જેમ અમોઘ રઘુપતિ કર બાણો, એજ સમાન હનુમંત ગતિ જાણો,
દેખી દેવો પરીક્ષા કરવા, સુરસા આવી ઉદર હનુ ભરવા..
ખોલે જોજન મુખ સર્પિણી માતા, મહાવીર અતિ સૂક્ષ્મ બનીજાતા
કરી પ્રવેશ મુખ સન્મુખ આવે, માંગે વિદા કપિ શીશ નમાવે..
દેખી બલ બુદ્ધિ આનંદ વ્યાપે, હરખ સમેત શુભ આશિષ આપે
ધન્ય ધન્ય કપિ કાર્ય સિદ્ધ કરજો, જનક સુતા ના સંકટ હરજો..
મધ્ય સાગર એક રાક્ષસી રહેતી, નભચર છાંય પકડી મુખ ગ્રહતી
એજ પ્રકાર હનુમંત સંગ કરતાં, મારી મુષ્ટિકા વિલંબ ન ધરતાં..
સાગર પાર કરી કપિ દેખા, સુંદર કંચન કોટ બહુ પેખા
વન ઉપવન બહુ બાગ ફૂલ વાડી, વાવ કૂવા સરોવર સૌ અગાડી..
ઘર ચૌટા વળી મહેલો મજાના, ભવન મનોહર સુંદર ત્યાંના
નર નાગ સુર ગંધર્વ બાળા, મોહે મુનિ મન રૂપ રસાળા..
અસ્ત્ર શસ્ત્ર સંગ સૈન્ય સૌ સુરા, અશ્વ કુંજર બલવાન બહુ પૂરા
દે પહેરા બહુ અસુર અનેરાં, કનક કોટ રક્ષિત ઘણેરાં..
અતિ લઘુ રૂપ હનુમાન વિચારે, કરું પ્રવેશ અંધકાર હો જ્યારે
નામ લંકિની નિશાચર નારી, લંકા નગર પર નજર બહુ ભારી..
દેખી હનુમંત વાત ઉચ્ચારી, ચોર સમાજ વાની મુજ પ્યારી
મુષ્ટિકા એક હનુમંત દે મારી, મુખ રુધિર ભર મનમાં વિચારી..
વર બ્રહ્મા મને યાદ હવે આવે, કોઈ કપિ વ્યાકુળ જે દિ' કરાવે
હે કપિરાજ હવે મર્મ હું જાણું, આવ્યું નિશાચર અંત નું ટાણું..
રામ ભક્ત ના દર્શન પામી, હે હનુમાન નમામી નમામી
અતિ લઘુ રૂપ લઇ હનુમંતા, નગર ગયા ધરી મન ભગવંતા..
મંદિર મંદિર શોધે સીય માતા, જોયા ત્યાં યોદ્ધા મદમાતા
મહેલ દસાસન ભિન્ન દેખાતો, વૈભવ સઘળો વરણી ન જાતો..
ભવન એક અતિ અલગ દરસાતો, હરિ મંદિર સુંદર વરતાતો
રામ નામ અંકિત ત્યાં શોભે, દેખી હનુમંત મન અતિ લોભે..
લંકા નગર નિશાચર વાસો, કેમ કરી કરે સજ્જન ત્યાં વાસો
એજ સમય વિભિષણ જાગ્યા, રામ રામ સમરવા લાગ્યા..
પહોંચ્યા પવનસુત વિપ્ર વેશ ધારી, દેખી વિભિષણ અચરજ ભારી
શું તમે હરિના દાસ છો કોઈ, મુજ હ્રદય પ્રીતી અતિ હોઈ..
કે પછી આપ જ રામ અનુરાગી, આવ્યા મને કરવા બડભાગી
કહી કથા કપિ સૌ સાચે, બની પુલકિત વિભિષણ નાચે..
હે હનુમંત કહું વિપદા અમારી, રહે મુખમાં જેમ જીભ બિચારી
તામસ દેહ કરી શકું ન સેવા, સાથી મળે પદ પંકજ મેવા..
તવ દર્શન થી આસ અમારી, હરિ દર્શન હવે હોય ખરારી
કહી કથની પછી જાનકી માતા, ગયે વાટિકા કપિ હરિ ગુણ ગાતા..
દેખી દુર્બળ દીન જનક દુલારી, પવનસુત મન દુ:ખ અતિ ભારી
એજ સમય લંકેશ ત્યાં આવ્યા, સંગે નારી સજી ધજેલી લાવ્યા..
સામ દામ દંડ ભેદ બતાવ્યા, જનક સુતાને બહુ સમજાવ્યા
સાંભળ હે દશમુખ અભિમાની, ખબર નથી રઘુનાથ ભુજાની..
સૂર્ય સમાન રઘુ નંદન કાંતી, આગિયા તુચ્છ શું રાખે ભ્રાંતિ
હે સીતા સમજ મુજ વાણી, બોલ્યા રાવણ ખડગ કર તાણી..
મંદોદરી દશાનન સમજાવે, નીતિ રીતિ થી શાંત કરાવે
માસ દિવસ મહેતલ દઈ રાવણ, ગયા મહેલ કરી ક્રૂર રૂપ ધારણ..
ત્રિજટા એક નિશાચર દાસી, રામ ચરણ કમલ પ્રિય પ્યાસી
કહે સપને એક વાનર ભાળ્યો, મારી સૈન્ય લંકા ગઢ બાળ્યો..
નગ્ન શરીર મુંડન દસ શીશે, ખર સવાર ભુજા નવ દીસે
વિભીષણ ને લંકેશ મેં દીઠો, રામ પ્રતાપ ભાસે બહુ મીઠો..
સુણી સપનું ડરીને સૌ નિશિચરી, માંગે ક્ષમા સીતા પદ ફરી ફરી
વિધ વિધ વચન ત્રિજટા સમજાવે, તોય સીતા શાતા નહીં પાવે..
એજ સમય કપિ મુદ્રિકા ફેંકી, અચરજ અનહદ જાનકી દેખી
શું કોઈ માયા વશ આ દેખાણી, કે કરી કપટ છલ કોઈ આણી..
એજ સમય કપિ કથા શુભ ગાવે, રામચંદ્રના ગુણ સંભળાવે
કહે સીતા સુણી કથા રઘુરાયા, પ્રગટો ભ્રાતા તમે કેમ છુપાયા..
નત મસ્તક કપિ સન્મુખ આવે, કરુણાનિધિ કહી સંશય મિટાવે
જાણી રામ દૂત હરખ અતિ ભારે, બૂડત સિંધુ મધ્ય નાવ જેમ તારે..
કહો ભાઇ વાતો સૌ વિગતે, કેમ પ્રકાર રઘુવીર દિન વીતે
કેમ રહે લક્ષ્મણજી ભ્રાતા, તરસી રહી નીરખવા તાતા..
કહું માતા શ્રી રામ દુ:ખ ભારી, હરિ હ્રદય સદા મુરત તમારી
કહ્યો સંદેશ સાંભળો ધીર ધારી, વિપરીત વાત ન મનમાં વિચારી..
"હે સીતે કહું કથની આ મારી, રહે સદા મન પાંસ તમારી
તપે ચંદ્ર વાદળ અકળાવે, વર્ષા તાતા તેલ વરસાવે..
સાંતી દેનાર સૌ દુ:ખ વરતાવે, વાયુ વિરહ માં આગ લગાવે
કહી શકું વ્યથા જઈ હું કોને, સમજી શકે જે મુજ દર્દો ને"..
કહે કપિ ધીરજ ધરો તમે માતા, સમરણ કરો સેવક સુખ દાતા
રામ બાણ હવે વિલંબ ન કરશે, કીટક સમાન નિશાચર મરશે..
હે કપિ એક સંદેહ મન આવે, તમ સમ સૈન્ય શું લંકેશ હરાવે
સુણી હનુમાન વિશાળ રૂપ કીધું, દઈ સંતોષ સહજ કરી લીધું..
જો પ્રતાપ રઘુનાથ ની હો તો, સર્પ ગળી શકે ગરુડ સમેતો
જાણી પ્રતીતિ મન આનંદ સંગે, દે વરદાન શુભ માત ઉમંગે..
અજર અમર ગુણ સાગર બનશો, સદા હરિ ચરણ કૃપા સુખ ધરશો
વચન સુણી કપિ અતિ હરખાતા, કૃત કૃત્ય થયો આજ હું માતા..
વિનય સમેત અનુમતી કપિ માંગી, દેખી મધુર ફળ ભૂખ બહુ લાગી
અતિ બળવાન કરે રખવાળી, દંડશે તમને પ્રવેશતાં ભાળી..
જો હરિ કૃપા સેવક ને રહેતો, મહા બળવાન રિપુ થી ના ડરતો
ભાળી ભરોંસો સંમતિ આપી, ખાધાં મધુર ફળ ડાળીઓ કાપી..
મૂળ સહિત ઘણાં તરુવર તોડ્યાં, કરી ઘમસાણ વન રક્ષક રોળ્યાં
બની ભયભીત નિશાચર ભાગ્યા, જઈ લંકેશ કરગરવા લાગ્યા..
નાથ કપિ મહાકાય એક આવ્યો, કરી ઉત્પાત મહા ત્રાસ ફેલાવ્યો
એક એક કરી યોદ્ધા ઘણેરાં, થયા પરાસ્ત બાહુ બળિયા અનેરાં..
રાવણ સુત અક્ષય ને મારી, ભય ફેલાવ્યો સૈન્ય માં ભારી
તો લંકેશ મેઘનાદ બોલાવે, કહે કપિ બંદીવાન બનાવે..
ઇન્દ્રજીત કરે વિધ વિધ માયા, કેમે કરી હનુમંત ના ફસાયા
કોઈ કારી નહીં ફાવે જ્યારે, સુત લંકેશ બ્રહ્માસ્ત્ર ચલાવે..
પરખી પવનસુત બ્રહ્મ બાણ જ્યારે, રાખવું માન બ્રહ્માસ્ત્રનું મારે
કરી વંદન હનુમંત પટકાયા, નાગપાશ વશ બની બંધાયા..
નામ રામ ભવ બંધન કાપે, રામ દૂત ના કોઈ બાંધી આપે
સમાચાર વ્યાપ્યા લંકા માં, દોડ્યા જોવા સૌ કપિ બંધન માં..
ભાળી પ્રભુતા લંકેશ સભાની, હનુમંત અચરજ બહુ ગજા ની
હાથ જોડી દિક્પાલ ત્યાં દેખી, એ સ્વામિતા ન જાય ઉવેખી..
જોઇ નિડરતા હનુમંત કેરી, થઈ ચકિત દશ શીશ કચેરી
હે વાનર તું આવ્યો ક્યાંથી, દાસ તું કોનો છે કોનો સાથી..
કોના ભરોંસે બાગ ઉજાડ્યો, કે મુજ પ્રતાપ કોઇ ખબર ન પાડ્યો
ક્યા કારણ મારા નિશાચર મારે, કે પછી મોત નો ડર નહીં તારે..
હે રાવણ બ્રહ્માંડ રચનારા, પાલન પોષણ નષ્ટ કરનારા
ખર દૂષણ વાલી હણ નારા, શિવ ધનુષ્ય નો ભંગ કર નારા..
જે પ્રતાપ તમે જગ જીતી આવ્યા, અબળા નાર છલથી હરિ લાવ્યા
તેજ રામનો દૂત હું નાનો, આપું શિખામણ વાત મારી માનો..
ક્ષુધા વશ મધુર ફળ ખાધાં, માર્યા નિશાચર કરતાં જે બાધા
હે રાવણ મહા બલવંતા, ભજી લો રામ કૃપાલુ ભગવંતા..
તજી અભિમાન પરત કરો માતા, નિશ્ચિંત માફ કરી દે તાતા
રામ વિના ની કોઈ પ્રભુતાઈ, ચાલી જાય એતો પાઇ દર પાઇ..
જો ઝરણા નહીં હોય મુખ માંહી, જતાં વર્ષા ૠતુ સરીતા સુકાઇ
કોઈ જન હોય જો રામ વિમુખી, કરે સહાય ના કોઈ ઈશ દેખી..
કોઈ ઉપદેશ રાવણ નહીં લીધો, કપિ વધ કરવા હુકમ કરી દીધો
મંત્રી ગણ સહ વિભીષણ આવ્યા, નત મસ્તક લંકેશ સમજાવ્યા..
મારવો દૂત કોઈ નીતિ ન ગણાઇ, આપો સજા અવર કોઈ ભાઇ
કહે રાવણ તેને પૂંછ બહુ પ્યારી, લાય લગાડી દંડ દો ભારી..
પૂંછ વિણ વાનર ત્યાં જાશે, આપ વિતી સૌ કથની ગાશે
બાંધો વસ્ત્ર તેલ મહીં નાખી, આગ લગાવો બાળો પૂંછ આખી..
જાણું પ્રતાપ જો રામ અહિં આવે, કપિ જેને બહુ શ્રેષ્ઠ બતાવે
સુણી વચન કપિ મનમાં વિચારે, નક્કી સરસ્વતી સહાય કરે ભારે..
કૌતુક હનુમંત પૂંછ વધારી, તેલ બચ્યું નહીં નગર માં સારી
વાજતે ગાજતે નગર ફેરાવી, આગ લગાવી સભા ખંડ લાવી..
લઇ લઘુ રૂપ કપિ બંધન કાપી, થયા વિરાટ ગગન ભર વ્યાપી
હરિ કૃપા અતિ પવન ફુંકાયા, સહજ કૂદે કપિ અંજનિ જાયા..
પૂંછ બજરંગ ની આગ વરસાવે, નગર જનો માં ભય પસરાવે
કોઈ પૂંજી કોઈ બાળ બચાવે, કોઈ ભયભીત નિજ જાત છુપાવે..
મંદોદરી ભારી ભય પામી, કર જોડી ને મનાવે સ્વામી
વિભીષણ સમજાવે રાવણ ને, કોઈ વચન ના ધરતો કાને..
કુંભકર્ણ નારી ભય વ્યાપે, રામ શપથ દુહાઇ આપે
કૃપા કરી મુજ નાથ બચાવો, હે મહાવીર દયા દરશાવો..
સુણી તરખાટ હનુમાન મચાવે. લંકાપતી મેઘનાદ પઠાવે
અસ્ત્ર શસ્ત્ર સજી સન્મૂખ આવે, મારી પૂંછ હનુમાન ભગાવે..
લંકાપતિ ત્યારે મેઘ બોલાવે, કરી વર્ષા બહુ કપિ ને વહાવે
પ્રભુ કૃપા કોઇ કારી નહીં ફાવી, રામ રોષ અતિ આગ ફેલાવી..
તો લંકેશ ખુદ કાળ બોલાવે, લઇ પકડી કપિ મુખ પધરાવે
શિવ સમેત ઇન્દ્ર કર જોડી, કહે નાથ દો કાળને છોડી..
કરી મુક્ત કપિ કૂદવા લાગ્યા, દેખી નગરજન ભય વશ ભાગ્યા
છોડી વિભીષણ મહેલ મારુત સુત, લંકા પ્રજાળી સઘળી રામ દૂત..
કપિ કૂદ્યા સાગરની માંહી, ઠારી જ્વલન હવે શ્રમ જરા નાંહી
ધરી લઘુ રૂપ જનક સુતા સામે, પહોંચ્યા પવન પુત્ર શીશ નામે..
આપો માત કોઈ ઓળખ એવી, હતી આપી જેમ રઘુપતિ જેવી
આપી ચુડામણી સંદેશા સાથે, હરજો નાથ સંકટ જે માથે..
માસ દિવસ વિલંબ થઈ જાશે, તો પછી પ્રભુજી મિલન નહીં થાશે
આપ ને દેખી મુજ મન અંદર, હતી શીતલતા ધીરજ સદંતર..
હવે કહો છો વાત જવા ની, દિવસ રાત મારે એક થવાની
કપિ પ્રનામ દઈ સાતા શીશ નામી, લીધી વિદાય જવા જ્યાં સ્વામી..
જાતાં બજરંગ ઘોર ગર્જના કીધી, નિશાચર નારી ભયભીત કરી દીધી
પલક વાર માં લાંધી સાગર, કપિ પહોંચ્યા જ્યાં હતાં સૌ વાનર..
દેખી પવનસુત અતિ આનંદમાં, હરખે કપિ ગણ અનહદ મનમાં
ભાળી પ્રસન્ન મુખ હનુમંત જી નું, લાગે કાર્ય કર્યું રઘુવીર નું..
કરી મિલાપ સેના હરખાણી, ઝંખતી માછલી ને મળ્યું જાણે પાણી
કેમ પ્રકાર કપિ સાહસ કીધાં, કેમ કરી ને માતા ખોળી લીધાં..
કહે હનુમાન લંકા પુર વાતો, એજ પ્રકાર હરિ પંથ કપાતો
હરખ સમેત પહોંચ્યા મધુવન માં, ખાધા મધુર ફળ અતિ ઉમંગમાં..
કરી રાવ સુગ્રીવ રખવાળે, અંગદ સૈન્ય સૌ બાગ ઉજાડે
સુણી સુગ્રીવ અતિ હરખાતા, થયું હરિ કામ તોજ ફળ ખાતા..
પહોંચ્યા ત્યાંજ સૌ સેના સમાજા, આપ પ્રતાપ કહે સૌ સાજા
નાથ કાર્ય કર્યું હનુમાને, હોય હરિ કૃપા તો ડર શાને..
પ્રેમ સહિત હનુમંત સંગ કપિવર, પહોંચ્યાં જ્યાં ભ્રાતા સંગ હરિવર
સ્નેહ સમેત ભેટ્યાં પ્રભુ સૌને, કુશલ મંગલ પૂછે હર કોઈ ને..
જામવંત વદે શુભ વાણી, જે પર આપની દયા દરશાણી
હોય સદા શુભ કુશલ સદંતર, જે પર હોય તવ કૃપા નિરંતર...
નાથ કાજ હનુમાન ની કરણી, સહસ્ત્ર મુખ જાયે નહીં વર્ણી
જે પ્રકાર હનુમંત કર્મ કીધાં, આપ પ્રતાપ ધન્ય કરી દીધાં..
હરખ ભેર પ્રભુ મળે હનુમંતા, કહો તાત ત્યાં કેમ ખોળી સીતા
રહે કેમ ત્યાં જનક દુલારી, હસે ભોગવવી પડતી લાચારી..
નાથ કવચ એક નામ આપનું, સદા સ્મરણ બસ પ્રભુ પાદનું
ચૂડામણિ દઈ કહે સંદેશો, જઈ કરુણા નિધિ રામ ને કહેશો..
શું અપરાધ નાથ મને ત્યાગી, હું મન કર્મ વચન અનુરાગી
એક કસૂર અચૂક રઘુરાયા, રામ વિયોગ તજી નહીં કાયા..
કહે હનુમાન વિપત્તિ પ્રભુ ત્યારે, રામ નામ ભજન નહીં જ્યારે
હે રઘુપતિ હવે વિલંબ ન કરજો, મારી ખલ દલ મુજ માત દુ:ખ હરજો..
નયન નીર પ્રભુ વાત વિચારી, અનહદ પીડ જનક દુલારી
મન કર્મ વચન જેના મારા ચરણે, કેમ વિચારૂં દુ:ખ હું શમણે..
હે કપિ આપ સમાન ઉપકારી, નહીં કોઈ નજરે આવે મારી
કેમ કરી ૠણ ઉતારૂં તમારું, ધરે નહીં ધરપત વ્યગ્ર મન મારું..
સાંભળી શબ્દ પ્રેમાળ પ્રભુ નાં, હરખ ન માય મન હનુમંત નાં
કરી દંડવત પ્રભુ ચરણ ગ્રહી લીધાં, અનાયાસ હરિ કર શીશ દીધાં..
કહો હનુમંત ઝાળી કેમ લંકા, કેમ પ્રકાર છળ્યા નર બંકા
નાથ પ્રતાપ બસ આપ જ કારણ, બન્યું સંભવિત સૌ ટળ્યું મુજ ભારણ..
રઘુવીર ત્યાં સુગ્રીવ બોલાવે, સૈન્ય સકળ ને સજ્જ કરાવે
કરીએ પ્રયાણ વિલંબ ન કરતાં, કરે કટક જયકાર હરખતાં..
એજ પ્રકાર કીધી તૈયારી, શુકન થયાં શુભ સૌને ભારી
શુભ શુકન સીતા ને થાતાં, અપશુકન દશાનન ને દેખાતાં..
રાઘવ સૈન્ય અનંત બળ ભારી, અનેક પ્રકાર આયુધ કર ધારી
નાનાપ્રકાર ગમન કરે સેના, કોઈ ધરતી આકાશ મન તેના..
કંપે ધરા સમુદ્ર તળ થથરે, ધ્રૂજે પહાડ દિગ્ગજ સૌ બહુ ડરે
હરખે નાગ ગંધર્વ મુનિ કિન્નર, સુર સમેત મટે દુ:ખ નિરંતર..
શેષ નાગ શીશ ભાર બહુ ભારી, બને મૂર્છિત તે વારં વારી
કચ્છપ પીઠ પટકે બહુ માથા, લખે જેમ રઘુવીર શૂર ગાથા..
જે દિન થી બાળી કપિ લંકા, નગર જનો ને મન અતિ શંકા
એક દૂત પ્રજાળે અર્ધ નગરી, સૈન્ય સમીપ કેમ રહેશું ઊગરી..
મંદોદરી દશ શીશ મનાવે, નગર જનો નો ઉચાટ બતાવે
આદર સહિત સોંપો પર નારી, હૃદય ધરો વિનંતી આ મારી..
હે સ્વામી જે રામ સંગ લડશે, તેને સહાય શિવ બ્રહ્મા ન કરશે
રઘુપતિ બાણ સાપ દલ ભાસે, સૈન્ય રજનીચર કેમ ટકી જાશે..
સુણી શબ્દ બોલ્યો અભિમાની, મંદોદરી કહું વાત મજાની
સહજ સ્વભાવ નારી ડર મન માં, રહે રક્ષિત ભલેને મહેલ માં..
નામ માત્રથી મહારથી ડરતાં, સુર અસુર સૌ આદર કરતાં
એ લંકેશ ઘર પટરાણી, ઊપજે હાસ્ય વાત તુજ જાણી..
જો કપિ સૈન્ય લંકા ગઢ આવે, નિશાચર ગણ ભોજન બહુ ભાવે
મંદોદરી અતિ મનમાં વિચારે, વિપરીત આજ વિધાતા મારે..
થઈ લંકેશ સિંહાસન આરૂઢ, દરબારી સંગ કરે ચર્ચા ગૂઢ
એજ સમય ખબરી એક આવ્યો, અતિ ગંભીર ખબર એક લાવ્યો..
સાગર પાર કરી સૈન્ય છે આવ્યું, સંગે અસ્ત્ર શસ્ત્ર બહુ લાવ્યું
કરે મસલત મંત્રી ગણ સાથે, સંકટ પડે ન લંકા ગઢ માથે..
કરે પ્રશંસા મન ડર ભારી, કરે ખુશામત બહુ દરબારી
જીત્યા દેવ નિશાચર આપે, નર વાનર હવે કષ્ટ શું આપે..
સચિવ ગુરુદેવ ભય વશ બોલે, રાજ ધરમ તન નાશ પથ ખોલે
એજ પ્રકાર લંકેશ ભટકતો, સત્ય શીખ વિણ નહિં અટકતો..
એ અવસર વિભીષણ આવી, બેઠાં આસન શીશ નમાવી
હે ભ્રાતા કહું વાત વિચારી, શાખ ટકાવો તજી પર નારી..
કામ ક્રોધ મદ લોભ તજી ને, રહો સદા રઘુનાથ ભજી ને
તાત રામ નહીં કેવળ રાજા, સ્વામી સકળ જગત સમાજા..
પરમ બ્રહ્મ પૂરણ છે નીરોગી, સદા સર્વદા અનંત એ યોગી
દીન દયાળુ કૃપાળુ કરુણાકર, મનુજ દેહ ધરી તારે ભવ સાગર..
મુનિ પુલસ્તિ આપ્યો સંદેશો, વિભીષણ જઈ લંકેશ ને કહેશો
યોગ્ય સમય જાણી કહું ભ્રાતા, રાગ દ્વેષ તજી નમો જગ તાતા..
માલ્યવંત એક સચિવ સુજાના, સુણી વચન બહુ અતિ હરખાણા
તાત વિભીષણ વદ્યા શુભ વાણી, માનો વાત મને સત્ય સમજાણી..
અતિ રાવણ ક્રોધ કરી બોલ્યા, મુજ રિપુ ને તમે ઉચ્ચ કરી તોલ્યા
કરો દૂર સભાખંડ માંથી, માલ્યવંત નિજ ગૃહ ગયા ત્યાંથી..
કર જોડી કહે વિભીષણ વાણી સુમતિ કુમતિ સૌ ઉર સમાણી
જ્યાં સુમતિ ત્યાં સંપતી સઘળે, જ્યાં કુમતિ સૌ વિપત્તિ માં સબડે..
આપ હૃદય કુમતિ છે સમાણી, સમજી શકે નહીં એ શુભ વાણી
કાલ રાત્રિ છે નિશાચર માથે, તેથી પ્રીતિ છે સીતા ની સાથે..
તાત ચરણ પડી ને છે કહેવું, અહિત ન હોય આપ રજ જેવું
વેદ પુરાણ કહી સમજાવે, રાવન મન કંઇ સમજ ન આવે..
કહે રાવણ અતિ અકળાઇ, કરે કેવી વાત કેવો તું ભાઇ
કોણ ન જીત્યા મેં આ જગમાં, અતિશય બળ છે મુજ આ ભુજા માં..
મુજ પ્રતાપ જીવન તું વિતાવે, તોય રિપુ ને શ્રેષ્ઠ બતાવે
રાવણ મદ માં રહી અતિ ભારી, જઈ વિભીષણ લાત દે મારી..
પડી લાત પણ સંત ન રૂઠે, સદા સત્ય વચન વદે ને ત્રૂઠે
કહે વિભીષણ સમજ મુજ તાતા, રામ ભજન ભલાઇ છે ભ્રાતા..
એમ કહી મંત્રી ગણ સાથે, નભ પથ ગયા કોઈ આળ ન માથે
જતાં વિભીષણ લંકા પડી ઝાંખી, ગયું તેજ બળ હીન પ્રજા આખી..
વિભીષણ મન ઉમંગ અનેરો, ગ્રહું હરિ ચરણ આનંદ ઘણેરો
જે પદ કમલ અહલ્યા ઉદ્ધારી, દંડક વન થયું પાવન કારી..
જે ચરણો સીતા મન ધરતાં, કપટી મારીચ પાછળ દડતાં
જે સર સરોજ શિવ ઉર જેવાં, કરી દર્શન મહા સુખ લેવા..
ચરણ પાદુકા ભરત શિર ધારે, એજ ચરણ ને વંદવા મારે
એમ વિચારી પાર સિંધુ આવે, નિરખી કપિ ગણ શંકા લાવે..
સુગ્રીવ જઈ કહે રઘુરાયી, આવ્યા મળવા દશાનન ભાઇ
નિશાચર લોક કપટ અતિ જાણે, ધરી છળ રૂપ સંકટ કોઈ આણે..
ભેદ સમજવા નિશાચર આવે, કરીએ બંદી મુજ મન એ ભાવે
સખા નીતિ તમે સત્ય વિચારી, પણ સુગ્રીવ મારી ગતિ ન્યારી..
શરણે આવ્યા ને જે ન સ્વીકારે, તે નર નીચ બહુ મન મારે
શરણાગત સ્વાગત પ્રણ મારું, ભય ભીતિ દુ:ખ દર્દ નિવારું..
નિર્મલ મન મુજ અંતર આવે, છલ કપટ મુજને નહીં ભાવે
સુણી પ્રભુ વચન હનુમંત હરખાયા, દયાવંત દયાનિધિ દરશાયા..
હોય નિશાચર જે સંસારે, ક્ષણ અંદર લક્ષ્મણ દે મારે
પણ જો કોઈ શરણાગત આવે, આપું શરણ જતન મુજ પાવે..
પ્રભુ વચન લઇ શિર ધરીને, ગયા હનુમાન જય કાર કરી ને
અંગદ સમેત સ્વાગત કીધાં, સાદર પ્રભુ સમીપ કરી દીધાં..
લક્ષ્મણ સંગે દીઠાં હરિવર ને, કરે વંદન વિભીષણ નીરખી ને
કમલ નયન પ્રભુ શ્યામ શરીરે, હ્રદય વિશાળ આજાનભુજ ધારે..
મુખ મંડલ અલૌકિક સોહે, કામદેવ મંત્ર મુગ્ધ બની મોહે
સિંહ સમાન કંધ પ્રભુ દેખી, નયન નીર વિભીષણ પેખી..
હે પ્રભુ રામ હું રાવણ ભ્રાતા, નિશાચર વંશ અવગુન બહુ તાતા
યશ અપાર સુણી તવ ચરણે, કાપો કષ્ટ આવ્યો પ્રભુ શરણે..
વાત સુણી વિભીષણ કેરી, હરખે લીધો ભુજા માં ઘેરી
કહી લંકેશ બેસાડ્યા સંગે, પૂછે કુશળ પરિવાર સૌ અંગે..
તમે રહો ખલ મંડલ સાથે, કેમ બચાવો ધર્મ જે માથે
હું જાણું નીતિ ધર્મ તમારો, લેતા નથી અન્યાય સહારો..
નાથ આજ હું બન્યો બડભાગી, રામ ચરણ દરશ રટ લાગી
જ્યાં લગી જીવ હરિ ચરણ ન જાતો, સપને પણ એ સુખી ના થાતો..
જ્યાં લગી હરિ નાં ભજન ન ભાવે, લોભ મોહ અભિમાન મદ આવે
જ્યાં લગી પ્રભુ પ્રકાશ નહીં મનમાં, ત્યાં લગી ઘોર અંધાર જીવન માં..
જે પ્રભુ રૂપ મુનિ સ્વપ્ને ન આવે, અહો ભાગ્ય મને હ્રદયે લગાવે
પદ પંકજ બ્રહ્મા શિવ સેવ્યા, ધન્ય ધન્ય એ યુગલ પદ પેખ્યા..
કહે રઘુનાથ સાંભળ સખા કહું તે, છળ કપટ મદ મોહ તજી જે તે
મમ સ્વભાવ જાણે શિવ શિવા, હોય ભલે દ્રોહી સ્વીકારૂં જન એવા..
માત પિતા બંધુ સુત દારા, તન ધન મિત્ર સમગ્ર પરિવારા
સૌનો મોહ એક તાંતણે બાંધી, મુજ ચરણે સંધાર દે સાંધી..
હર્ષ શોક ઇચ્છા નહીં દિલ માં, સમભાવી જેને ભય નહીં મનમાં
લોભી ધન સમ વસે મુજ મનમાં, તે કારણ ધરૂં દેહ અવનિ માં..
જે સગુણ પર હિત કારી, નીતિ નિયમ વિપ્ર પદ પ્યારી
હે લંકેશ આ ગુણ સૌ તમારા, તેથી છો મને અતિશય પ્યારા..
સ્પર્શી પ્રભુ પદ વારંવારી, કહે વિભીષણ હરિ કૃપા તમારી
હે સચરાચર અંતર્યામી, શિવ મન ભાવન ભક્તિ દો સ્વામી...
અસ્તુ કહી સિંધુ જલ ને મંગાવે, રાજ તિલક વિભીષણ ને કરાવે
મમ દર્શન જો કોઈ કરતા, વણ માંગ્યે અચૂક ફળ મળતાં..
સંપતી મળી જેને શિવ ને ભજી ને, દસ મસ્તક બલિદાન કરી ને
તે સંપતી આપી વિભીષણ ને, જાણી પ્રિય ભક્ત પોતાનો ગણી ને..
સમજી સ્વભાવ કૃપાલુ પ્રભુ કેરો, વ્યાપ્યો કપિ ગણ આનંદ અનેરો
એ સમય પુષ્પ વૃષ્ટિ થઈ ભારે, પ્રભુ પૂછે વિભીષણ ને ત્યારે..
હે લંકેશ ઉપાય કહો એવો, કેમ પ્રકાર સમુદ્ર પાર કરવો
અનેક પ્રકાર જલચર વસે તેમાં, નીર અગાધ રહ્યું બહુ જેમાં..
હે રઘુનાથ તવ અમોઘ બાણે, શોષે કોટિ સમુદ્ર એજ ટાણે
પણ પ્રભુ નીતિ શાસ્ત્ર પ્રમાણે, પ્રથમ સિંધુ વીનવો અટાણે..
સખા બતાવ્યો તમે યોગ્ય ઉપાયી, કરે દેવ જો હવે સહાયી
કહે લક્ષ્મણ એક બાણ હણી ને, કરો વાર પ્રભુ ક્રોધ કરી ને..
વિભીષણ જ્યારે લંકા ત્યાગી, રાવણ દૂત તે પીઠ પઠાવી
ધરી છલ રૂપ કપિ સૈન્ય પ્રવેશ્યા, હરિ ગુણ અલૌકિક પેખ્યા..
જાણી રિપુ દૂત બંદી બનાવ્યા, લઇ સુગ્રીવ ની સન્મુખ લાવ્યા
કહે કપિરાજ અસ્થિ ભંગ કરીને, પરત પઠાવ જઈ રાવણ ને..
કહે લક્ષ્મણ દયા દિલ લાવી, મૂર્ખ રાવણ ને સંદેશ પઠાવી
જો સીતા પરત નહીં આપે, નિશ્ચય કાળ ઉભોછે સમિપે..
કરી વંદન રઘુપતિ ગુણ ગાતા, જઈ રાવણ કરે હરિ ગાથા
કહે રાવણ કરો બધી વાતો, કેમ વિભીષણ કેવો ગભરાતો..
કેવું રિપુ સૈન્ય કેવું બળ તેનું, લડવા ચાહે જે અમસંગ એનું
કેમ તપસ્વિ કહો વાત પૂરી, કે મુજ ડર રાખી કરે દૂરી..
કહે દૂત આપો અભય અમને, સત્ય વાત બતાવીએ તમને
અનુજ આપના આદર પામ્યા, રાજ તિલક કરી રામે નવાજ્યા..
છદ્મ રૂપ નહીં છૂપ્યું અમારું, કેદ કરી દુ:ખ દીધ
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હનુમાનજીને પ્રસન્ન કરવા શનિવારે કરો હનુમાનજીના આ ઉપાય