ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મંદિરો ઉપર એકાએક હથોડા ઝીંકાતાં ગઝની રાજ આવી ગયું કે શુ ? એવો હિન્દુ શ્રધ્ધાળુઓમાં આક્રોશ ફેલાઇ ગયો. વહીવટી તંત્રએ રસ્તાના વિકાસને લઇને મંદિરો ઉપર નિશાન તાકતાં ભારે રોષ ફેલાયો હતો.
રસ્તા પહોળા કરવા તથા વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત અડચણ રૂપ ધાર્મિક સ્થળો હટાવવાની શરૂ કરાયેવી ઝુંબેશમાં જોતજોતામાં એક પછી એક કરતાં બસોથી વધું મંદિરોને જમીન દોસ્ત કરી દેવાયા. જેને પગલે આ અભિયાનમાં મંદિરો જ કેમ એવા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. મંદિર બચાવો સંઘર્ષ સમિતિ અને મહા ગુજરાત જનતા પાર્ટી હિન્દુ શ્રધ્ધાળુઓની પડખે આવ્યા અને આ ઝુંબેશનો વિરોધ કરાયો.
આમ છતાં આ અભિયાન ના અટકતાં છેવટે ગાંધીનગર બંધનું એલાન અપાયું અને વિશ્વ હિન્દુ પરિષદના સુપ્રિમો અશોક સિંઘલ ગાંધીનગર દોડી આવ્યા અને આવું કામ તો ગઝનીઓ કરે એવી હૈયાવરાળ ઠાલવી. છેવટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિહિપ સુપ્રિમો અશોક સિંઘલ સાથે થયેલી બેઠક બાદ આ ઝુંબેશ અટકાવવામાં આવી.
સુરતમાં મહિલાઓના માથા ફુટ્યા
શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી દિપમાલા સોસાયટી નજીક આવેલ એક મંદિર તોડી પાડવાની ઝુંબેશનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કરતાં પોલીસ તેમની ઉપર તૂટી પડી હતી અને મહિલાઓના માથા ફોડ્યા હતા. આ લાઠીચાર્જમાં છ જેટલી મહિલાઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ પ્રસર્યો હતો.