Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતના મહાન યોધ્ધા ગાંઘીજી

ભારતના મહાન યોધ્ધા ગાંઘીજી
N.D
ગાંધીજી કે જેઓને દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યુ છે તેમનું નામ આટલા વર્ષો પછી પણ ખુબ જ હર્ષથી લેવામાં આવે છે. આઝાદીને આ વર્ષે 60 વર્ષ પુરા થશે કે જે આપણને આ મહાન યોધ્ધાને કારણે મળી હતી. અને આજે આપણે બધા જો આટલા બધા ખુશ અને સ્વતંત્ર રીતે રહી શકીએ છીએ તો તે ફક્ત અને ફક્ત મહાત્મા ગાંધીને કારણે જ. તો આવા મહાન યોધ્ધાને આપણે આજના દિવસે કેવી રીતે ભુલી શકીએ કે જેને એક પણ શસ્ત્ર ઉઠાવ્યા વિના લડાઇને જીતી લીધી અને અંગ્રેજોને તેમના દેશ ભણી કરી દીધા.

ગાંધીજીને આપણે ગમે તેટલાં વંદન કરીએ કે તેઓને લગતું કોઇ સારૂ કામ કરીએ છતાં પણ તે બધું તેમના કાર્યની આગળ તો કાંઇ જ નથી. ગાંધીજી એક એવી વ્યક્તિ હતાં જે હંમેશા અહિંસા અને સત્યમાં માનતાં હતાં. તેઓએ પોતાની આખી જીંદગી દરમિયાન કોઇ પણનું ખોટુ કામ નહોતું કર્યું કે કદી કોઇ પણ વિશે ખોટુ વિચાર્યું પણ નહોતું.તેઓ તો બીજાઓને પણ સલાહ આપતાં કે કદી કોઇ વિશે ખોટુ ન વિચારશો પણ નહી અને કાંઇ ખોટુ કરશો પણ નહી. તેઓએ હંમેશા બધા પ્રત્યે સમભાવ રાખ્યો હતો. તેઓની નજરમાં કોઇ પણ માણસ ક્યારેય પણ નીચો કે ઉંચો ન હતો. બધા જ સરખા હતાં. આટલી મહાન વ્યક્તિ અને તેઓનું જીવન કેટલું સરળ અને સાદુ હતું તે જોઇને બે ઘડી વિચાર આવે છે કે શું આવી મહાન વ્યક્તિ ભારતને બીજી વખત મળશે ખરી?

ગાંધીજી પોતે પણ સત્યના માર્ગ પર ચાલતાં હતાં અને બીજા લોકોને પણ સત્યના માર્ગ પર ચાલવાનું શીખવ્યું હતું. તેઓનો ઉદ્દેશ્ય હતો સત્ય, અહિંસા અને પ્રેમ. તેઓએ ક્યારેય પણ કોઇ વ્યક્તિમાં ભુલ નહોતી જોઇ. પરંતુ જો કોઇ વ્યક્તિ ભુલ કરે તો તે કહેતા કે ભુલ કરો પણ તેમાંથી પણ કાંઇક શીખો.

ગાંધીજીનો જન્મ ગુજરાતમાં પોરબંદરની અંદર 2 ઓક્ટોમ્બર, 1869માં થયો હતો. તેઓનું આખુ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેઓ એકદમ સિધ્ધાંતવાદી માણસ હતાં અને આખી જીંદગી ખુબ જ પ્રામાણીકપણે જીવ્યાં હતાં. તેમના પત્ની કસ્તુરબા પણ તેમને ખુબ જ અનુસરતાં હતાં. તેઓએ ગાંધીજીને જીંદગીના છેલ્લા શ્વાસ સુધી દરેક કામમાં સાથ આપ્યો હતો. તે પણ ખુબ જ ભાવુક, સરળ, પ્રામાણીક અને સિધ્ધાંતવાદી હતાં.

ગાંધીજી ભગવાનમાં ખુબ જ માનતાં હતાં અને તેમની સવાર ભગવાનની પ્રાર્થના સાથે થતી હતી. આની પાછળ તેમની માતા પુતળી બાઇનો ખુબ મહત્વનો હાથ હતો. તેઓ હંમેશા મંદિરે જતી વખતે ગાંધીજીને લઈને જતાં હતાં. તેમને નાનપણથી જ ગાંધીમાં સારા સંસ્કારોનું સિંચન કર્યું હતું. ગાંધીજી ક્યારેય પણ કોઇ જાતિ કે ભેદભાવમાં માનતા નહોતા. તેઓના મતે સર્વ ધર્મ સમાન હતાં. તેઓ કહેતા હતાં કે હિંદુ અને મુસલમાન તેમની બે આંખો સમાન છે. વળી તેઓ કોઇ ઉચ્ચ-નીચમાં પણ માનતાં નહોતા. તેઓએ નીચી જાતિના લોકોને હરિજનનું બિરુદ આપ્યુ હતું. હરિજન એટલે પ્રભુના માણસો.

અંગ્રેજોના કેટલા બધા અત્યાચાર સહન કર્યાં બાદ પણ તેઓએ ખુબ જ શાંતિથી પ્રદર્શન કર્યું હતું. તેઓ કહેતા કે હુ અંગ્રેજોનો વિરોધ નથી કરતો પણ હુ તો ફક્ત તેમના શાસનનો વિરોધ કરુ છુ. જો તેઓને પણ ભારતમાં રહેવું હોય તો રહે પણ કોઇ પણના શાસન વિના. કેમકે તેઓને મંજૂર નહોતુ કે આપણો દેશ કોઇની ગુલામી કરે. આટલા બધા મહાન હોવા છતાં પણ કેટલાં સરળ અને સાદા હતાં આપણા બાપુ તેથી તો તેમને મહાત્માનું બિરુદ આપ્યુ હતું.

જો આપણે ગાંધીજીના આખા જીવનમાં ડોકીયુ કરીને જોઇએ તો ઘણી એવી બાબતો છે જે આપણને સ્પર્શી જાય છે. તેઓ જે સિધ્ધાંતોને માનતાં હતાં અને તેનું પાલન કરતાં હતાં તેમાંથી જો આપણે થોડા ઘણા પણ સિધ્ધાંતોને માનીએ અને તેની પર ચાલવાનો પ્રયત્ન કરીએ તો આપણો દેશ કદાચ દુનિયાના બધા જ દેશોમાંથી આગળ નીકળી જાય અને ગાંધીજીનું મહાન ભારતનું સ્વપ્નુ પણ પુરૂ થઈ જાય. તો આવો આજના આ શુભ દિવસે આપણે નિર્ણય લઈએ કે શક્ય હશે તેટલો ગાંધીના માર્ગ પર આપણે ચાલવાનો પ્રયત્ન કરીશું.

Share this Story:

Follow Webdunia gujarati