119 હસ્તિઓને પદ્મ પુરસ્કારોનું સન્માન
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત સહિત 71ને પદ્મશ્રી પુરસ્કાર
ભારતના સૌથી મોટા 'ટેકઓવર ટાયકૂન' રતન તાતા, સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, આશા ભોંસલે, એન. આર. નારાયણમૂર્તિ, કેન્દ્રીય પ્રધાન પ્રણવ મુખર્જી અને વિશ્વનાથન્ આનંદે તેમના ક્ષેત્રોમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાં બીજા ક્રમે આવતા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.પ્રજાસત્તાક દિનની પૂર્વસંઘ્યાએ સરકારે ભારત રત્ન પછી સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકર, આશા ભોંસલે, ઇન્ફોસીસના વડા નારાયણ મૂર્તિ, તાતા જૂથના વડા રતન તાતા સહિત 13 મહાનુભાવોની પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી તો ગુજરાતની સુનિતા વિલિયમ્સ, આઈ. સી. આઈ. સી. આઈ.ના વડા કે વી કામથ સહિત 35ની પદ્મ ભૂષણ માટે પસંદગી કરવામાં આવી હતી તો ગુજરાતી સાહિત્ય જગતના લેખક ભોળાભાઈ પટેલ, બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત સહિત 71ને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. વર્તમાન વર્ષમાં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન માટે કોઈ મહાનુભાવની પસંદગી કરવામાં આવી નહોતી. યાદીમાં પ્રણવ મુખરજી તે એક માત્ર રાજકારણી છે કે જેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. ખેલ જગત, ઉધોગ જગત, ફિલ્મ જગત, વૈજ્ઞાનિક સંશોધન સહિતના તમામ ક્ષેત્રના મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.
પદ્મ એવોર્ડ મેળવનારા અન્ય મહાનુભાવોમાં જસ્ટિસ ડો. એ. એસ. આનંદ, પ્રણવ મુખરજી, ઈ. શ્રીધરન, ડો. આર. કે. પચૌરી, સ્વ. એડમન્ડ હિલેરી, વિશ્વનાથન આનંદ,લક્ષ્મી મિત્તલ, પી. આર. એસ. ઓબેરોયને પદ્મવિભૂષણ એવોર્ડ મળશે. પદ્મ ભૂષણ મેળવનારાઓમાં કોમેન્ટ્રેટર જસદેવસિંહ, લોર્ડ મેઘનાથ દેસાઈ, બાબા કલ્યાણી, શિવ નાદર, સીટી બેંકના વિક્રમ પંડિતનો સમાવેશ થાય છે.
પદ્મશ્રી મેળવનારાઓમાં હંસરાજ હંસ, ટોમ અલ્ટર, બરખા દત્ત, રાજદિપ સરદેસાઈ, વિનોદ દુઆ, યુસુફ અલી, બાયચંદ ભુટિયા, બુલા ચૌધરી અને ડો. અમિત મિત્રાનો સમાવેશ થાય છે.
ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સિટીગ્રૂપના ભારતીય મૂળના સીઇઓ વિક્રમ પંડિતની પદ્મ ભૂષણ માટે પસંદગી કરવામાં આવી છે. ત્રીજા ક્રમનું સર્વોચ્ચ સન્માન પદ્મ ભૂષણ મેળવનારા અન્ય મહાનુભાવોમાં આઇસી આઇસી આઇ બેન્કના સીઇઓ કે. વી. કામથ, એચસીએલ ટેક્નોલોજીસના વડા શિવ નાદાર અને ઉદ્યોગપતિઓ - બાબા કલ્યાણી તથા સુરેશકુમાર નિયોતિયાનો સમાવેશ થાય છે.
માધુરી દીક્ષિત, અર્થશાસ્ત્રી અને 'ફિક્કી'ના મહાસચિવ અમિત મિત્રા, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કોલેટ માથુર, સાહિત્યકાર ભોળાભાઇ પટેલ સહિતના કેટલાંક મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
આ વર્ષે કુલ 13 પદ્મ વિભૂષણ, 35 પદ્મ ભૂષણ અને 71 પદ્મશ્રી વિજેતાઓ જાહેર કરાયા છે. સળંગ સાતમું વર્ષ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન વગરનું રહ્યું છે.