રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો છે, ત્યારે રાત્રિ દરમિયાન બેરિકેડ આગળ પાંચ યુવકો ગાડી ઊભી રાખી માસ્ક વગર ડાન્સ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. અમદાવાદના GJ27 પાસિંગની ગાડીમાં બે યુવકો ઊભા રહી અને બીજા ત્રણ યુવકો ગાડીની બહાર બેરિકેડ આગળ ઊભા રહી બિનધાસ્ત ડાન્સ કરે છે. વાઇરલ વીડિયો અમદાવાદ શહેરનો હોવાની શક્યતા જણાઈ રહી છે.
રાત્રિ કર્ફ્યૂ દરમિયાન નબીરાઓ બિનધાસ્ત બની પંજાબી ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ રીતે રાતે બિનધાસ્ત ડાન્સ કરતો વીડિયો બનાવવામાં આવે છે, ત્યારે શહેર પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.બીજીતરફ પોલીસ સૂત્રો મુજબ વાઇરલ થયેલો વીડિયો દોઢ વર્ષ જૂનો છે અને ખેડા જિલ્લાના એક રિસોર્ટનો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં 5 યુવક મોડી રાતે ડાન્સ કરી રહ્યા છે. GJ 27 પાસિંગની બ્લેક કલરની ગાડીમાં એક યુવક ડ્રાઇવર સાઈડ સીટ પર દરવાજો ખોલી ઊભો રહી ડાન્સ કરે છે. બીજા ત્રણ શખસ બેરિકેડ આગળ ઊભા રહી ડાન્સ કરે છે, જ્યારે અન્ય એક શખસ કારના ઉપરના ભાગે ઊભો રહી ડાન્સ કરે છે. આ રીતે નાઈટ દરમિયાન બિનધાસ્ત બની માસ્ક વગર વીડિયો બનાવાતાં પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. નાઈટ કર્ફ્યૂનો કડકપણે શહેરમાં અમલ થવો જરૂરી છે, પરંતુ પોલીસ નાઈટ કર્ફ્યૂ દરમિયાન ચેકિંગ કરતી હોય તો આ રીતે નબીરાઓ બિનધાસ્ત બની ફરતા ન હોત.