Yellow alert in all districts except north-central Gujarat, possibility of heavy rain
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ઉત્તર પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાને કારણે બે દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે જેને કારણે વરસાદની સંભાવનાઓ વધી જતી હોય છે. આજે આ ઘટનાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
Yellow alert in all districts except north-central Gujarat, possibility of heavy rain
રાજ્યમાં અત્યારસુધી સરેરાશ વરસાદ 6.85 ટકા છે
હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. રાજ્યમાં અત્યારસુધી સરેરાશ વરસાદ 6.85 ટકા છે. જૂનના અંત સુધીમાં સરેરાશ વરસાદ કરતાં 39 ટકા વરસાદની ઘટ છે. માત્ર બે જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા અને કચ્છને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં બીજી વખતનો સૌથી ઓછો વરસાદ છે. 2016માં જૂનમાં સરેરાશ માત્ર 4.61 ટકા વરસાદ જ થયો હતો. સૌથી વધારે 2023માં 23 ટકા પડી ગયો હતો.
45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે
હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળા ડિબાંગ વાદળો બંધાયા છે. અમદાવાદ શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે જ વાતાવરણમાં ગઈકાલના વરસાદને કારણે ઠંડક પ્રસરી છે. આજે પણ મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ સ્થળો પર 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.