વર્ષ 2008માં અમદાવાદમાં 20 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ 56 લોકોના મોતના ગુનેગાર ઇન્ડિયન મુજાહિદીનના આતંકી યાસિન ભટકલ અને તેના સાથી અસદુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડીને અમદાવાદ લવાયા હતા.ચાર વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ બંને આતંકીઓનો કબ્જો મેળવવામાં સફળ રહી હતી. વર્ષ 2013માં ભારત-નેપાળ બોર્ડર પરથી યાસિન ભટકલની દેશની ત્રણ એજન્સીઓની મદદથી ઓપરેશન દ્વારા ઝડપી લેવાયો હતો. આજે આ બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગ કરવામાં આવશે
ઇન્ડિયન મુજાહિદીનના સ્થાપક યાસિન ભટકલની વર્ષ 2013માં ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરાઈ હતી.આ બંને આતંકીઓની વિવિધ એજન્સીઓ દ્વારા કબ્જો મેળવાયા બાદ પૂછપરછ કરાઈ હતી.દિલ્લી કોર્ટે બંને આતંકીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર વોરંટથી સોંપવાનો હુકમ કરતાં આજે સવારે ખાસ વિમાન દ્વારા યાસિન ભટકલ અને અખ્તર હડ્ડીને અમદાવાદ લવાયા હતા. બપોરે ૧૨.૦૦ વાગ્યાની અાસપાસ બંનેને બુલેટપ્રૂફ વાહનોમાં અેરપોર્ટથી સઘન સુરક્ષા વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં અાવ્યા હતા. કુખ્યાત આતંકીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે રાખવાના હોવાથી ક્રાઈમ બ્રાન્ચમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.બુલેટપ્રૂફ જેકેટ અને એ.કે.47 હથિયાર સાથે પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.બહારની કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા
યાસિન અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટનો આરોપી છે. અસદુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડીની ધરપકડ થયા બાદ અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ મામલે મહત્ત્વનો ખુલાસો થયો હતો. બોમ્બ બ્લાસ્ટ સમયે તે અમદાવાદમાં જ રોકાયો હતો.વિસ્ફોટ પહેલાં તેના અસદુલ્લાએ રેકી કરી હતી. તે અમદાવાદના નારોલની મહંમદી સોસાયટીના મકાન નંબર 10મા દસથી પંદર દિવસ રોકાયો હતો. ભટકલ અમદાવાદ, સુરત ઉપરાંત જયપુર, વારાણસી, દિલ્હી જામા મસ્જિદ, પુણેની જર્મન બેકરી બ્લાસ્ટ, સહિતના બોમ્બ બ્લાસ્ટનો તે આરોપી છે. દિલ્હી બ્લાસ્ટમાં પહેલી વખત તેનું નામ સામે આવ્યું હતું.12 રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી. વર્ષ 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં કુલ 56 લોકોનાં મોત થયાં હતાં અને 200થી વધારે લોકો ઘાયલ થયા હતા આ આખી ઘટનામાં યાસિન ભટકલની મહત્વની ભૂમિકા રહી હતી. ઇન્ડિયન મુજાહિદ્દીનના રિયાઝ અને ઇકબાલ ભટકલના નજીકના ગણાતા ભટકલે અમદાવાદ અને સુરતમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેના માટે યાસિનએ અમદાવાદના દરિયાપુર, ગોમતીપુર, જુહાપુરા, દાણીલીમડા,નારોલ જેવા વિસ્તારમાં રહેતા સીમીના સક્રિય સભ્યોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પુણેમાં એક મકાન ભાડે રાખવામાં આવ્યું હતું. જ્યાં અમદાવાદ બ્લાસ્ટમાં સંડોવાયેલા આરોપી સાથે મિટિંગ કરવામાં આવી હતી.મિટિંગમાં ગુજરાતના અમદાવાદ અને સુરતમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
પુણેમાં થયેલી મિટિંગના એજન્ડાને અંજામ આપવા માટે યાસિન ભટકલે મુંબઇથી ચોરેલી કારમાં વિસ્ફોટકો સાથે ભરૂચના શીરપુરામાં આવ્યો હતો. જ્યાં તેણે બોમ્બ બનાવા માટેની સામગ્રી ખરીદીની ખરીદી કરી ભાડાના મકાનમાં બોમ્બ બનાવ્યા હતા. આમાંનો કેટલોક સામાન અમદાવાદમાં મોકલવામાં આવ્યો હતો.યાસિન ભટકલ અને તેની સાથે પકડાયેલ અખ્તર હડ્ડી દાણીલીમડા વિસ્તારમાં આવેલી અલ મહંમદી સોસાયટીના 10 નંબરના મકાનમાં રોકાયા હતા.અસદઉલ્લાએ અમદાવાદમાં રેકી કરી હતી તો યાસિને અમદાવાદમાં બોમ્બ બનાવી પ્લાન્ટ કર્યા હતા. જો કે ટાઇમરની ચિપની ખરાબીને કારણ સુરત બચી ગયું., યાસિન ઇન્ડિયન મુજાહિદીનનો સૌથી સક્રિય આતંકવાદી હતો. તે પોતે બોમ્બ બનાવતો હતો. બોમ્બની ગોઠવણી પણ કરતો હતો.સૂત્રોના જણવ્યા મુજબ દેશમાં ૪૦ બોમ્બ વિસ્ફોટ કરી ૬૦૦ લોકોની હત્યાનો ભટકલ પર આરોપ છે.હૈદરાબાદના દિલસુખનગર બોમ્બ બ્લાસ્ટ કેસમાં યાસિન ભટકલ અને ચાર અન્ય આરોપીઓને NIAની સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. 1973માં જન્મનાર યાસિન ભટકલ મૂળ કર્ણાટકના એક તટિય ગામ ભટકલનો રહેવાસી છે. તેનું પ્રાથમિક શિક્ષણ અંજુમન હમી એ મુસલમીન નામની મદરેસામાં થયું હતું. 1980ના દાયકાની શરૂઆતમાં તે પુણે આવ્યો હતો. ત્યારબાદ યાસિન શાહબંદરી ભાઇઓના નામથી કુખ્યાત રિયાજ અને ઇકબાલ ભટકલના સંપર્કમાં આવ્યો. તેમને જ ઇન્ડિયન મુજાહિદ્દીનની ઇંટ મૂકી હતી. જો કે આ બંને ભાઇઓમાંથી યાસિન ભટકલનો પરિવાર સાથે કોઇ સંબંધ નથી. યાસિન ભટકલ ઇન્ડિયન મુઝાહિદ્દીનનો એવો માસ્ટરમાઇન્ડ આતંકવાદી જે ક્યારેય ઇ-મેલ નથી કરતો, જે મોબાઇલ ફોનનો થોડી સેકન્ડ ઉપયોગ કરીને સિમકાર્ડ નષ્ટ કરી દેતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ તેની ગતિવિધિઓ પર નજર રાખવી ઘણું મુશ્કેલ કામ છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર યાસિન ભટકલને અત્યાધુનિક માહિતી ટેક્નોલોજીનો પ્રયોગ કરવો પસંદ નથી. તેના બદલામાં પરંપરાગત પદ્ધતિ જેમ કે વેશ બદલીને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવો અને નાસી છૂટવામાં માહેર છે.જો કે એકવાર યાસિન ભટકલ પોલીસની ધરપકડમાં પહેલાં પણ આવી ચૂક્યો છે. 2008માં કોલકાતા પોલીસે યાસિનની બનાવટી નોટોના મામલે ધરપકડ કરી હતી અને એક મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેને જામીન મળી ગયા હતા ત્યારે પોલીસ સંપૂર્ણપણે અજાણ હતી. આ માણસ ઇન્ડિયન મુજાહિદ્દીનનો માસ્ટરમાઇન્ડ છે. યાસિન ભટકલે તે સમયે પોતે બિહારના દરભંગાનો રહેવાસી મોહંમદ અશરફ છે. તેવી જાણકારી પોલીસને આપી હતી.