Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિશ્વ વૃદ્ધ દિન: વૃદ્ધો માટે યુવા પેઢીના મન અને ઘર બંને સાંકડાં થતાં જાય છે

વિશ્વ વૃદ્ધ દિન: વૃદ્ધો માટે યુવા પેઢીના મન અને ઘર બંને સાંકડાં થતાં જાય છે
, શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (10:11 IST)
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૧૪ ડિસેમ્બર,૧૯૯૦ થી દર વર્ષે તા.૧લી ઑક્ટોબરનો દિવસ ‘વિશ્વ વૃદ્ધ દિન’ તરીકે ઊજવાય છે. ઉજવણીની આ વર્ષ ૨૦૨૧ની થીમ “Digital Equity for All Ages” છે. જે વડીલો દ્વારા ડિજિટલ વિશ્વમાં પ્રવેશ અને અર્થપૂર્ણ ભાગીદારીને વાચા આપે છે. 
                 
વિશ્વમાં અને ભારતમાં પણ તબીબી સવલતોમાં થયેલા વધારાને કારણે લોકોની સરેરાશ આયુષ્યમર્યાદામાં વધારો થયો છે, પરિણામે સમાજમાં ઉત્તરોત્તર વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. સાથોસાથ વૃદ્ધોની સમસ્યાઓ પણ વધતી જાય છે. બિમારી, અશક્તિ, પરાવલંબન, એકલતા વગેરે તો તેમની સમસ્યાઓ છે જ, પણ જ્યારે તેમના ખુદના સંતાનો તેમની જવાબદારી ઉઠાવવાનો ઈન્કાર કરી દે છે, અને તેમને વૃદ્ધાવસ્થામાં તરછોડે ત્યારે વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે, આવા સંજોગોમાં તેમની હાલત દયનીય બની જાય છે. કેટલીક વાર કુટુંબીજનો પણ તેમને માન-સહાય આપવાને બદલે તેમની ઉપેક્ષા કરે છે, ત્યારે તેમનું દુઃખ વધી જાય છે. વૃદ્ધો માટે યુવા પેઢીના મન અને ઘર બંને સાંકડાં થતાં જાય છે તેનો પુરાવો છે સમાજમાં ઘરડાઘરોની વધતી જતી સંખ્યા.
 
રાજ્ય અને કેન્દ્ર સરકાર વૃદ્ધોને દુઃખભરી સ્થિતિમાંથી રાહત આપવા શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. નિરાધાર વદ્ધોને માટે સરકારની સમાજ સુરક્ષા ખાતાની પેન્શન યોજના જેવી અનેકવિધ યોજનાઓનો લાભ સિનીયર સિટીઝન લઈ રહ્યાં છે. તા.૧લી ઑક્ટો- ‘વિશ્વ વૃદ્ધ દિન’ નિમિત્તે સિનીયર સિટીઝન્સ માટે ઘડપણમાં સુખી થવાની કેટલીક ચાવીઓ વૃદ્ધોને મુશ્કેલીના સમયમાં સધિયારો આપશે, અને આત્મવિશ્વાસમાં વધારો કરશે:
 
‘જોડાક્ષર વિચાર’ અને ‘સંયુક્ત વ્યંજનો’ જેવાં ભાષાશાસ્ત્રને લગતાં મૂલ્યવાન પુસ્તકો આપનાર મુનિશ્રી હિતવિજયજીએ હમણાં ‘સમજીને સુધારી લઈએ’ શીર્ષકે ચરિત્રનિર્માણને લગતી ૪૦ જેટલી બાબતો પર પોતાના વિચારો પ્રગટ કરતું લખ્યું છે. તેમાં ‘ઘડપણમાં સ્વભાવ ચીડિયો બને છે કે બનાવાય છે ?’ જેવો એક નિબંધ પણ છે. વૃદ્ધોની સમસ્યા પાછળના બંને પાસા તપાસીને ‘ઘડપણમાં જીવન જીવવાની કળા' હેઠળ ૧૦ સૂત્રો સૂચવ્યાં છે. તે વડીલોએ જીવનમાં ઉતારવા જેવાં છે :
 
૧) બને તેટલું પોતાનું કામ જાતે જ કરવું. બીજાની સહાય ન છૂટકે જ લેવી. કોઈ પોતાનું થોડું કામ કરે એને પણ ‘તમે મારૂ ઘણું કામ કર્યું, મને ઘણી સહાય કરી’ એમ જ કહેવું, એથી એને આપણા ઉપર સદ્દભાવ થાય અને જરૂર પડ્યે તરત જ સહાય કરવા આવી જાય. ક્યારેક કોઈ મદદ ન કરે કે તરત કામ ન કરે તો પણ એના પ્રત્યે મનમાં દ્વેષ કે દુર્ભાવ રાખવો નહીં.
૨) ખાવા-પીવા અને પહેરવા-ઓઢવાની બાબતમાં શક્ય તેટલો સંયમ રાખવો અને ત્યાગવૃત્તિ રાખવી. 
૩) મારી સેવા-ચાકરી મારી જરૂરિયાત પ્રમાણે બરાબર થાય છે એમ જ માનવું.
૪) બોલવાનું જેમ બને તેમ ઓછું રાખવું. જરૂર પૂરતું પોતાનો પરિવાર જે પૂછે તેનો જ જવાબ આપવો. જે પણ બોલીએ એ સૌને પ્રિય લાગે એવું બોલીએ.
૫) પારકી પંચાત કરવી નહીં. કોઈનીય નિદા-કૂથલીમાં પડવું નહીં. કોઈને કડવાં વેણ કહેવાં નહીં. હંમેશાં મીઠી વાણી બોલવી.
૬) વેપાર-ધંધા અને સાંસારિક વ્યવહારમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થવું. ઘર દુકાનના કોઈ કાર્યમાં માથું મારવું નહીં. કોઈને વણમાગી સલાહ આપવી નહીં. સંતાનોને સ્વતંત્ર નિર્ણય લેવા દેવા. 
૭) પોતાના અને પારકા બધા પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો. ‘બધું ચાલશે, બધું ફાવશે, બધું ગમશે' આ શબ્દો જીભના ટેરવે રમતા રાખી વારંવાર વાણીમાં પ્રયોજવા.
૯) ઘરમાં અને બહાર સર્વત્ર આપણું માન-સન્માન જળવાઈ રહે અને આત્મકલ્યાણ થાય તે માટે મોટા ભાગનો સમય પ્રવૃત્તિમય તેમજ ધર્મની આરાધનામાં કરવો. 
૧૦) પોતાના અને અન્યો માટે શ્રેયસ્કર હોય એવી પ્રવૃત્તિઓમાં સેવાભાવે જોડાઈને સમાજને બહોળા સંસારિક અને વ્યવહારૂ અનુભવ જ્ઞાનનો લાભ આપવો.
                
ઘડપણમાં પ્રયત્નપૂર્વક થોડોઘણો સ્વભાવ સુધારવો જ પડે. બધાં વૃદ્ધજનોથી સંપૂર્ણપણે સ્વભાવ સુધારવાનું અને ઉપર જણાવેલી બાબતોને સંપૂર્ણપણે અમલમાં મૂકવાનું બની શકે નહીં. આમ છતાં યથાશક્તિ સ્વભાવ સુધારવાનો અને ઉપરની બાબતોને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે તો પાછલી જિંદગી નંદનવન બની જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી દાંડી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાવાગઢ સહિતના સ્થળો માટે એસટી વિભાગની નવી બસ સેવા શરૂ થઈ