રાજ્યમાં ધર્માંતરણ કરનારાઓની સંખ્યામાં થયેલા વધારાના પડધા વિધાનસભામાં પડ્યા હતા. ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ધર્માતરણ માટે 1766 લોકોની અરજીઓ આવી હતી. જે માટે જુદા જુદા જિલ્લાઓની જિલ્લા કચેરીમાંથી ફોર્મ વિતરણ થયું હતું. જેમાંથી 1652 લોકો હિન્દુ, 71 મુસ્લિમ, 42 ખ્રિસ્તીઓ અને એક શીખ છે.આ 1766 અરજીઓમાંથી 643 લોકોને ધર્મ પરિવર્તનની પરવાનગી આપવામાં આવી હતી. જેઓ એક ધર્મમાંથી બીજા ધર્મનો આંગીકાર કરવા માગતા હતા. આ સંખ્યા છેલ્લા પાંચ વર્ષની છે.
છેલ્લા પાંચ વર્ષમાં અરજીકર્તાઓમાં 93.5 ટકા લોકો હિન્દુઓ હતા. 4 ટકા મુસ્લિમો અને 2.5 ટકા લોકો ખ્રિસ્તા હતા. પૂર્વ વીએચપી નેતા પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ધર્મપરિવર્તન એક ગંભીર મુદ્દો બનતો જાય છે. ધર્માતરણ કરનારાઓની સંખ્યા વધતી જાય છે.કેટલાક લોકો સહકારી મદદ માટે પણ ધર્માતરણ કરી રહ્યા છે. ધર્મ પરિવર્તન કરનારાઓ માટે સરકારે તમામ પ્રકારના લાભ બંધ કરી દેવા જોઇએ. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, દલિતો અને આદિવાસી સમુદાય પર વધતા જતા અત્યાચારને કારણે હિન્દુમાંથી અન્ય ધર્મનો આંગીકાર કરનારાઓની સંખ્યા વધતી જાય છે. આ ઉપરાંત તેમના વિકાસની કોઇ તક નથી હોતી તથા સામાજિક ભેદભાવને કારણે લોકો હિન્દુધર્મનો ત્યાગ કરી રહ્યા છે. મોટા ભાગના દલિતો હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધધર્મનો આંગીકાર કરી રહ્યા છે. જ્યારે આદિવાસીઓ હિન્દુ સમાજ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે. આ પાછળનું એકમાત્ર કારણ એ છે કે ખ્રિસ્તી મિશનરી સારું શિક્ષણ પૂરું પાડે છે, સ્વાસ્થ્યલક્ષી સેવાઓ આપે છે અને આર્થિક રીતે પગભર થઇ શકાય એવી તક ઊભી કરે છે. સરકાર દલિતો અને આદિવાસીઓ વચ્ચેનો તફાવત સમાજમાંથી દૂર કરવામાં યોગ્ય રીતે સફળ થઇ નથી. આ ઉપરાંત મૂળભુત જરૂરિયાત પણ આપતી નથી. આ કારણોસર લોકો ધર્મપરિવર્તન કરી રહ્યા છે.