અમદાવાદ જેવી સ્માર્ટ સિટીમાં દહેજનું દૂષણ વધી રહ્યું છે. દહેજના નામે પરીણિતાને ત્રાસ આપવાની ફરિયાદો પણ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે શહેરમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓએ એક લાખ રૂપિયા અને બાઈક માટે પરીણિતાના ચારિત્ર્ય પર શંકા રાખી હતી.
પરીણિતાએ પુત્રીને જન્મ આપતાં જ સાસુએ કહ્યું હતું કે આ સંતાન મારા દીકરાનું નથી. સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પરીણિતાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના વટવા વિસ્તારમાં રહેતી પરીણિતાના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. લગ્ન બાદ સાસરીમાં તેને સારી રીતે રાખવામાં આવતી હતી. પરંતુ લગ્ન બાદ થોડા સમયમાં જ સાસરિયાઓએ પોતાની અસલિયત બતાવવાનું શરૂ કરી દીધું હતું. પરીણિતાએ લગ્ન બાદ પુત્રીને જન્મ આપતાં જ સાસુએ કહ્યું હતું કે આ મારા દીકરાનું સંતાન નથી. આવા આક્ષેપો કરીને પરીણિતાને હેરા કરવા લાગ્યા હતાં. તેનો પતિ પણ તેની પર શંકા રાખીને ફટકારતો હતો. સાસરિયાઓના ત્રાસથી તંગ આવેલી પરીણિતા દીકરી સાથે પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. સાસરિયાઓ મહિલાને કહેતા હતાં કે તારા પિયરમાંથી દહેજમાં કંઈ લાવી નથી. તું તારા પિયરમાંથી એક લાખ રૂપિયા રોકડા લઈ આવ તેમ કહીને અવાર નવાર મારઝૂડ કરતા હતાં.
બીજી તરફ નણંદ પણ પતિને ખોટી ચડામણી કરતી અને મહિલાના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી મારઝૂડ કરાવતી હતી. પતિ પણ બાઈકના પૈસા લાવવા માટે દબાણ કરતો હતો. જો કે પોતાનો ઘરસંસાર ના બગડે તે માટે પરીણિતા મુંગા મોઢે બધું સહન કરતી હતી. બાદમાં તેના પિતાએ પતિ અને સાસરિયાઓ સાથે સમાધાન થતાં સાસરીમાં જવા માટે કહ્યું હતું. પરંતુ સાસરીમાં ગયા બાદ પણ ત્રાસ ઓછો નહીં થતાં મહિલાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.