Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાવાઝોડાની વચ્ચે ભારતમાં ચોમાસું બેસ્યું, ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

monsoon update
, શુક્રવાર, 9 જૂન 2023 (09:27 IST)
ભારતમાં આ વર્ષના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળ પર 8 જૂન, ગુરુવારના રોજ ચોમાસું પહોંચી ગયું છે.
 
ભારતના ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 જૂનના રોજ થતી હોય છે પરંતુ આ વખતે 7 દિવસ મોડું ચોમાસું શરૂ થયું છે. કેરળમાં જ્યારે ચોમાસું પહોંચે ત્યારે ભારતમાં ચોમાસાની શરૂઆત ગણવામાં આવે છે. કેરળ બાદ ચોમાસું ભારતના અન્ય વિસ્તારો પર આગળ વધે છે. ભારતમાં ચોમાસું બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બે ભાગોમાં આગળ વધે છે. અરબી સમુદ્ર તરફથી કર્ણાટક અને મહારાષ્ટ્ર બાદ તે ગુજરાતમાં પ્રવેશે છે.
 
મે મહિનામાં હવામાન વિભાગે તેના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું 4 જૂનના રોજ કેરળ પર આવશે. જેમાં 4 દિવસની મૉડલ ત્રુટી રાખવામાં આવી હતી. એટલે કે 4 જૂન બાદ મોડું પડીને 8 જૂન સુધી કેરળ પર આવી શકે. આ ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિઓ છે. આવનારા દિવસોમાં ચોમાસું તામિલનાડુ અને કેરળના બાકીના ભાગોમાં આગળ વધશે. ચોમાસાંના મોડા આગમનનો અર્થ એ નથી કે ઓછો વરસાદ પડશે. ચોમાસા માટે આ એક સારો સંકેત છે. તે 13-14 જૂન સુધીમાં ગુજરાત પહોંચશે. જેના કારણે મધ્યપ્રદેશમાં 13 થી 15 જૂન સુધી પ્રી-મોન્સુન એક્ટિવિટી રહેશે. જો ગુજરાતમાં આ સિસ્ટમ ચાલુ રહેશે તો 19 જૂન સુધીમાં ચોમાસું મધ્યપ્રદેશને આવરી લેશે.
 
 ચોમાસાની ખોટી જાહેરાતથી ખેડૂતોમાં મૂંઝવણ ઊભી થાય છે. અત્યારે પણ આપણા દેશમાં 70% થી 80% ખેડૂતો સિંચાઈ માટે વરસાદના પાણી પર આધાર રાખે છે. એટલે કે ખરીફ ખેતી ચોમાસાના વરસાદ પર જ આધાર રાખે છે. આવી સ્થિતિમાં ખોટી જાહેરાતથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો ખેડૂતો આગાહી મુજબ વાવણી કરે અને વરસાદ ન પડે તો પુનઃ વાવણી ખૂબ ખર્ચાળ બની જાય છે. જો કે, ચોમાસાની શરૂઆત માટેના માપદંડોને અવગણવા જોઈએ નહીં, કારણ કે તે ભારતમાં સંશોધન અને ખેતીની યોજનાઓને અસર કરી શકે છે.
 
ગુજરાત રાજ્યમાં વાવાઝોડાંનો ખતરો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શકયતા વ્યક્ત કરાઈ છે. જેને પગલે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. જામનગરમાં રાઉન્ડ-ધ- કલોક ડિઝાસ્ટર કંટ્રોલ રુમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખી રહ્યો છે. તેમજ તાલુકા કક્ષાએ પણ કંટ્રોલ રુમ કાર્યરત કરી દેવામાં આવ્યાં છે. જામનગર જિલ્લા કલેકટર બી.એ. શાહએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં 22 જેટલા ગામો દરિયા કિનારે આવેલા હોય. તેમને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે તથા એનડીઆરએફની ટીમ સાથે પણ કો.ઓર્ડિનેશન કરવામાં આવ્યું છે અને વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા કિનારે આવેલા 22 જેટલા ગામોના 70,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર સજ્જ છે.
 
જામનગર ગ્રામ્યના 22 ગામના 70,000 નાગરિકોને જરૂર પડીએ સ્થાળાતર તેમજ જરૂરી વ્યવસ્થાઓ અંગે કરાતું આયોજન કરવામા આવ્યું છે. તમામ અધિકારીઓ, કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહે આદેશ કર્યો છે.
 
ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?
કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યારબાદ તમામ સ્થિતિ સામાન્ય રહે તો ગુજરાતમાં ચોમાસું 12 કે 15 દિવસ બાદ પહોંચતું હોય છે.
ગુજરાતમાં ચોમાસાની પહોંચવાની અધિકારીક તારીખ 15 જૂન છે. એટલે કે 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાત પર પહોંચે છે. ગુજરાતમાં સૌથી પહેલાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોથી થાય છે. ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લેતાં ચોમાસાને લગભગ 15 દિવસ જેટલો સમય લાગે છે. આ વર્ષે ભારત પર જ ચોમાસું મોડું છે એટલે ગુજરાત પર પણ મોડું પહોંચે તેવી સંભાવના છે.
 
અમદાવાદ હવામાન વિભાગનાં વડાં મનોરમા મોહંતીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે ગુજરાતમાં ચોમાસું પહોંચતા હજી વાર લાગશે. મુંબઈમાં ચોમાસું પહોંચે એ બાદ જ ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતમાં તે કઈ તારીખે પહોંચશે.
 
મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધીને મુંબઈ સુધી પહોંચે તે બાદ સામાન્ય રીતે બે કે ત્રણ દિવસમાં ચોમાસું ગુજરાત સુધી આવી જતું હોય છે.
 
વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું થશે?
હાલ અરબી સમુદ્રમાં બિપરજોય નામનું વાવાઝોડું સર્જાયું છે અને તે આગળ વધી રહ્યું છે. લગભગ 14 તારીખ સુધી દરિયામાં તે આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. જેમ જેમ તે ઉત્તર તરફ આગળ વધશે એમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આ પહેલાં કહ્યું હતું કે કેરળમાં ચોમાસામાં જે વિલંબ થયો તેનું કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું છે.
એક તરફ વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને બીજી તરફ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. 
 
મનોરમા મોહંતીએ જણાવ્યું કે વાવાઝોડાની દિશા અલગ છે અને ચોમાસાની દિશા અલગ છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને બેસતું હોય છે જે 8 જૂને પહોંચ્યું છે. કેરળમાં ચોમાસું આવે તેના 15-20 દિવસ બાદ તે ગુજરાત સુધી પહોંચે છે. એટલે ચોમાસું મહારાષ્ટ્રમાં આગળ વધીને મુંબઈ સુધી પહોંચે પછી જ ખબર પડે કે તે ગુજરાતમાં ક્યારે આવશે. તેમના કહેવા અનુસાર હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું ગુજરાત પર આવતા ચોમાસાને અસર કરે તેવું જણાતું નથી.
 
સ્કાયમેટના એક રિપોર્ટ પ્રમાણે શરૂઆતમાં ચોમાસાની પ્રગતિ ધીમી રહે તેવી શક્યતા છે. 12 જૂનની આસપાસ ચોમાસાની પ્રગતિમાં ફરી ગતિ આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
 
ચોમાસું મોડું શરૂ થયું તો વરસાદનું શું થશે?
ભારતના હવામાન વિભાગે તેના પૂર્વાનુમાનમાં ચોમાસું સારું રહે તેવું અનુમાન કર્યું હતું. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસાના ચાર મહિના દરમિયાન 96 ટકા જેટલો વરસાદ થાય તેવી શક્યતા છે. જોકે, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ચોમાસું થોડું નબળું રહે તેવી સંભાવના છે. આ વર્ષે ભારતના ચોમાસા પર અલ નીનોની અસર થાય તેવી શક્યતા છે.
 
પ્રશાંત મહાસાગરમાં જ્યારે અલ નીનો બને છે ત્યારે સામાન્ય રીતે ભારતમાં ચોમાસામાં ઓછો વરસાદ પડે છે.
આ પહેલાં 2003 અને 2019માં ચોમાસું 8 જૂનના રોજ કેરળમાં પહોંચ્યું હતું. જોકે, 2019માં દેશમાં સરેરાશ સારો વરસાદ થયો હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર કેરળમાં ચોમાસું મોડા પહોંચવા અને ઓછા વરસાદને સીધો કોઈ સંબંધ નથી. એટલે કે ચોમાસું મોડું પહોંચે તો વરસાદ ઓછો પડે તેવું કહી શકાય નહીં. ચાર મહિના દરમિયાન સરેરાશ થતા વરસાદ પર તેની કોઈ અસર થતી નથી.
 
ભારતના ચોમાસા પર અલ નીનોની કેવી અસર થશે?
ખાનગી હવામાન એજન્સીએ સ્કાયમેટે તેના ચોમાસાના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે ચોમાસા પર આ વર્ષે અલ નીનોનો ખતરો તોળાઈ રહ્યો છે.
હવામાન વિભાગે પણ એ વાતને માની હતી કે ચોમાસા પર આ વર્ષે અલ નીનોની અસર થઈ શકે છે પરંતુ તેનું કહેવું હતું કે ઇન્ડિયન ઓશન ડાઇપોલ જો પોઝિટીવ હશે તો તે અલ નીનોના ખતરાને ટાળી શકે છે.
 
સ્કાયમેટના મૅનેજિંગ ડાયરેક્ટર જતીનસિંહે એક નિવેદનમાં કહ્યું, 'છેલ્લાં 4 વર્ષોથી લા નીનાને કારણે સતત સામાન્ય કે સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે. આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો બનવાની સંભાવના વધતી જઈ રહી છે. અલ નીનો સર્જાવાને કારણે આ વર્ષે ભારતમાં ચોમાસું નબળું રહેવાની સંભાવના છે' સ્કાયમેટનું કહેવું છે કે આ વર્ષે ચોમાસાના 4 મહિનામાં સરેરાશ 816.5 મિલીમિટર વરસાદ થવાની સંભાવના છે. જે સામાન્ય સરેરાશ 868.8 મિલીમિટર કરતાં ઓછો છે.
 
સ્કાયમેટનું કહેવું છે કે અલ નીનો સિવાય બીજાં પરિબળો પણ છે જે ભારતના ચોમાસા પર અસર કરી શકે છે. ઇન્ડિય ઓશન ડાઇપોલ (IOD) જો પૉઝિટિવ રહે તો તે ભારતના ચોમાસા પર અલ નીનોની પડનારી નકારાત્મક અસરને ઓછી કરી શકે છે. આઈઓડી હાલ ન્યૂટ્રલ છે અને ચોમાસાની શરૂઆતમાં જે મધ્યમ સકારાત્મક બનવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે જો આઇઓડી વધારે પૉઝિટિવ થાય તો ભારતમાં ચોમાસામાં સારો વરસાદ થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bihar News: : રોહતાસમાં પુલના પિલરમાં ફસાયેલ બાળક 30 કલાક પછી બહાર આવ્યું, રંજને હોસ્પિટલમાં 'જીવ ગુમાવ્યો'