Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટી અને ડેન્ગ્યૂના દર્દીઓ વધ્યા

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટી અને ડેન્ગ્યૂના દર્દીઓ વધ્યા
અમદાવાદ , , સોમવાર, 22 જુલાઈ 2024 (17:34 IST)
ગુજરાતમાં ચોમાસાની સિઝન બરાબરની જામી છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયાં છે. કેટલીક જગ્યાએ પાણી ઓસરતા કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. ત્યારે રોગચાળાની દહેશત વધી છે. અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુ સાથે ઝાડા-ઊલટી અને ટાઈફોઇડના કેસ વધ્યા છે. 
 
જુલાઈ મહિનામાં 21 દિવસમાં ડેન્ગ્યુના 79 કેસ નોંધાયા
AMCના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં 21 દિવસમાં ડેન્ગ્યુના 79, ઝાડા- ઊલટીના 940, કમળાના 228, ટાઈફોઈડના 423 અને કોલેરાના 32 કેસ નોંધાયા છે. સાદા મેલેરિયાના 14, ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે. 4501 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 155 પાણીના સેમ્પલ અનફીટ આવ્યા છે. અમદાવાદમાં ચાલુ વર્ષે કોલેરાના કેસો વધ્યાં છે. શહેરમાં પીવાનું અશુદ્ધ પાણી મળતું હોવાના કારણે ઝાડા ઊલટી, કમળો, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે. પ્રદૂષિત પાણી આવતું હોય ત્યાં એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને લાઈનો બદલવા માટે સૂચના આપવામાં આવી છે. ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
 
જુલાઈ મહિનામાં ઝાડા-ઊલટીના 7435 કેસ નોંધાયા
શહેરમાં છેલ્લા બે મહિનાથી દાણીલીમડા, બહેરામપુરા, અમરાઈવાડી, લાંભા, જશોદાનગર અને નારોલ જેવા વિસ્તારમાં કોલેરાના કેસ સતત મળી આવી રહ્યા છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈ જુલાઈ મહિના સુધીમાં 155 જેટલા કેસ કોલેરાના નોંધાયા છે. જે વર્ષ 2023માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં માત્ર 95 કેસો હતા. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઝાડા ઉલટીના કેસો પણ છેલ્લા સાત મહિનામાં વર્ષ 2023 કરતા વધારે જોવા મળ્યા છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ઝાડા-ઊલટીના 7435 કેસ નોંધાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૅનેડા સરકારના ચાર નિર્ણય, જે બહારના વિદ્યાર્થીઓનું વસવાટનું સપનું તોડી શકે છે