સ્વદેશમાં શાંતિની રોજીરોટી છોડીને વિદેશમાં ડોલર કમાવવાના ઘણા લોકો સપના જુએ છે. પરંતુ ક્યારેક વિદેશી ધરતી પર એવું કામ કરી બેસે છે કે ખરાબ રીતે ફ્સાઇ જાય છે. અમેરિકાના ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ભારતીય મૂળના ગુજરાતી ભદ્રેશ કુમાર ચેતન પટેલની જાણકારી આપનારને 1,00,000 ડોલરના ઇનામની જાહેરાત કરી છે. જે રકમ 73,96,245 રૂપિયા છે.
અમેરિકાની તપાસ એજન્સીના અનુસાર ભદ્રેશ કુમાર પટેલનો જન્મ ગુજરાતના વિરમગામ તાલુકાના કાંથરોડી ગામમાં થયો છે. આ વ્યક્તિ તપાસ એજન્સીએ જાહેર કરેલા મોસ્ટ વોટેડની યાદીમાંથી એક છે. આ યાદી એજન્સીએ વર્ષ 2017માં બનાવી હતી. શુક્રવારે તપાસ એજન્સીએ તેનું નામ અને ઇનામ વિશે ટ્વિટ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. આ વર્ષ 2015ની વાત છે, જ્યારે ભદ્રેશકુમારે પોતાની પત્ની પલકની હનોવર, મેરીલેંડ રાજ્યમાં ડંકિન ડોનેટ્સ કોફી શોપમાં ચાકૂ મારી હત્યા કરી દીધી હતી.
હત્યા કર્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. વર્ષ 2017માં તેને મોસ્ટ વોન્ટેડ યાદીમાં રાખવામાં આવ્યો. પરંતુ તે તપાસ એજન્સીની પકડમાં આવ્યો નહી. હાલ તેના પર એક લાખ ડોલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તપાસ એજન્સીનું કહેવું છે કે આ વ્યક્તિ વિશે જો કોઇને ખબર પડે, તે ક્યાં રહે છે અને તેની જાણકારી હોય તો તે વ્યક્તિ એજન્સી અથવા નજીકના અમેરિકી દૂતાવાસનો સંપર્ક કરે.
ભદ્રેશ જ્યારે આ કેસમાં ફ્સાયો હતો ત્યારે તેની ઉંમર 24 વર્ષની હતી અને તેની પત્ની ઉંમર 21 વર્ષ. તેને કોફી શોપના ચાકૂ વડે પત્નીની હત્યા કરી હતી, ત્યારે ગ્રાહકો પણ હાજર હતા. તેણે અંતિમ વખતે ન્યૂજર્સીના એક હોટલમાંથી નેવાર્કમાં એક ટ્રેન માટે ટેક્સી કરી હતી. પોલીસ ટીમ અલ્ટોમારેએ કહ્યું હતું કે આ કેસમાં હિંસા ભડકી હતી.
કેસની ક્રૂરતા માટે તપાસ એજન્સીએ તેને વોન્ટેડ યાદીમાં રાખ્યો હતો. ઘટનાના એક મહિના પહેલાં બંનેના વીઝા પુરા થઇ ગયા હતા. તપાસ એજન્સી અધિકારીનું માનવું છે કે પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી, પરંતુ તેના પતિએ વિરોધ કર્યો. બંને મેરિલેન્ડના એક શોપમાં કામ કરતા હતા. પરંતુ ઘટના બાદ ભદ્રેશકુમાર ફરાર થઇ જતાં તપાસ એજન્સીએ તેને ભાગેડૂ જાહેર કર્યો છે. દંપતિ નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા. તપાસ એજન્સીનું કહેવું છે કે તેના સંબંધીઓ અમેરિકા અથવા કેનેડામાં રહે છે. અથવા તો તે કેનેડાથી ભારત ભાગ્યો હોવાની આશંકા છે.