Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ઉનામાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓ પાસે બામથી માલિશ કરાવી હોવાનો વીડિયો વાયરલ, વાલીઓની શાળામાં ફરિયાદ

શિક્ષિકાએ વિદ્યાર્થીઓ પાસે બામથી માલિશ કરાવી
, શનિવાર, 2 એપ્રિલ 2022 (10:43 IST)
ઉનાના વાંસોજ ગામે સરકારી પ્રાથમિક શાળાના એક શિક્ષિકાને ખભો દુખતાં તેમણે વિદ્યાર્થીઓ પાસે બામની માલિશ કરાવ્યાની ઘટનાને પગલે શાળા વિવાદના ઘેરામાં આવી ગઇ છે. શિક્ષિકાએ દુકાને બામ લેવા પાછો વિદ્યાર્થીને જ મોકલ્યો હતો. 3 દિવસ પહેલાં બનેલી ઘટનાનો ઓડિયો-વીડિયો વાઇરલ થયો છે, જેમાં વાલીઓ શાળાએ પહોંચી વાંધો ઉઠાવ્યાનું અને ઓડિયોમાં એક વિદ્યાર્થીને એ શિક્ષિકાએ ઝાપટો મારી હોવાનો આક્ષેપ પણ થયો છે.

વાંસોજ ગામની આ સરકારી પ્રાથમિક શાળાને અગાઉ શિક્ષકોના વિવાદને લીધે તાળાં મારવા પડ્યાં હોવાની ફરિયાદો પણ ઊઠી હતી. આ મામલો પણ હજુ શાંત થયો નથી. દેલવાડા પે સેન્ટર શાળા હેઠળ આવતી ઊના તાલુકાની વાંસોજ પ્રાથમિક શાળામાં 3 દિવસ પહેલાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીઓ પાસે પોતાના ખભે બામની માલીશ કરાવ્યાની અને એક છાત્રને ઝાપટો માર્યાની વાત બહાર આવી છે. સમગ્ર હકીકત એવી છેકે, અહીંના એક શિક્ષિકાને ખભામાં દુખાવો ઊપડતાં 3 વિદ્યાર્થી પાસે બામથી માલીશ કરાવડાવી હતી.વાલીઓ સુધી આ વાત પહોંચતાં તેઓ શાળાએ દોડી ગયા હતા. અને શાળાનાં આચાર્ય અરવિંદભાઇ સોલંકીને રજૂઆત કરતાં તેમણે દેલવાડા પે સેન્ટર શાળાના આચાર્યને તેની જાણ કરી હતી. આથી તેમણે શિક્ષિકા અને વાલી વચ્ચે બેઠક કરાવવા કહેતાં શિક્ષકા અને વાલીઓ વચ્ચે બેઠક થઇ હતી. જેની ચર્ચા કરતા વીડિયો વાયરલ થયા હતા.

આ વીડિયોમાં 3 વિદ્યાર્થીઓએ આચાર્ય સમક્ષ જણાવ્યું હતું કે, શિક્ષિકાએ પોતાની પાસે બામથી માલીશ કરાવી હતી. સામે શિક્ષિકાએ એવો જવાબ આપ્યો હતો કે, મારા ખભાની નસ રગતરક થઇ હોઇ મેં ખભો દબાવવા કહ્યું હતું. પણ મેં કોઇ પાસે માલીશ કરાવી નથી. આ બનાવમાં નિલેશ મનુભાઇ નામના એક વિદ્યાર્થીએ એવો આક્ષેપ કર્યો હતો કે, શિક્ષિકાએ પોતાને 8 થી 9 ઝાપટો મારી કહ્યું, તારી માએ કાઢી મૂકેલ છે. તું ભીખ માંગીશ. 3 દિવસ પહેલાંની આ ઘટના અંગે એ વખતે આચાર્યએ વાલી અને શિક્ષિકા વચ્ચે સમાધાન કરાવી દીધું. પણ વીડિયો વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.

વાંસોજમાં આ વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. અને આ મામલે ટીપીઓ તાકીદે તપાસ હાથ ધરશે કે કેમ? એવા સવાલ ઉઠી રહ્યા છે.આ અંગે વાંસોજ પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઇ સોલંકીએ કહ્યું હતું કે, 3 દિવસ પહેલાં આ મામલે વાલી અને શિક્ષિકા વચ્ચે બેઠકમાં શિક્ષિકાએ માફી માંગી લેતાં સમાધાન થઇ ગયું હતું. પણ ગામની ધીરૂભાઇ નામના આરટીઆઇ એક્ટિવિસ્ટને આ ઘટનાને આગળ વધારવામાં રસ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેજરીવાલ અને ભગવંત માનનો આજે અમદાવાદમાં રોડ શો. 10.00 વાગ્યે સાબરમતિ આશ્રમની મુલાકાત લેશે