Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શહેરોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા ૫ વર્ષમાં ૪૨૫ TPને મંજૂરી, નવસારીમાં ૧૦ રૂટ ઉપર ઇકો ફ્રેન્ડલી CNG બસો દોડશે

શહેરોના સર્વાંગી  વિકાસ માટે છેલ્લા ૫ વર્ષમાં ૪૨૫ TPને મંજૂરી, નવસારીમાં  ૧૦ રૂટ ઉપર ઇકો ફ્રેન્ડલી CNG બસો દોડશે
, શનિવાર, 14 ઑગસ્ટ 2021 (10:27 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત વિવિધ ૧૦ રૂટ ઉપર શહેરી બસ સુવિધાનું આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 
 
મુખ્યમંત્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. નાણાના અભાવે શહેરોનો વિકાસ અટકવો જોઇએ નહી, નાણાની ચિંતા કર્યા વિના શહેરો પોતાની વિકાસની યોજના બનાવે, અમારી સરકાર તમને પૂરતા નાણા આપશે. શહેરોના વિકાસ માટે ગુજરાત સરકારે છેલ્લા ૫ વર્ષ ૪૨૫ TP સ્કીમ મંજૂરી કરી છે એટલું જ નહીં પણ હાલની સ્થિતિએ ગુજરાતમાં એકપણ TP પડતર નથી. 
 
તેમણે કહ્યું હતું કે, નવસારી શહેરના સર્વાંગી વિકાસ માટે તાજેતરમાં જ ગુજરાત સરકારે નવસારીની TPને મંજૂરી આપી છે. આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સેવામાં મુકાયેલી વિવિધ ૧૦ રૂટ ઉપરની CNG બસોથી પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણની સુરક્ષાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને યાતાયતની ઉત્તમ સુવિધા મળશે. 
 
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની ‘અ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓમાં શહેરી બસ સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં આજે નવસારી નગરપાલિકાનો સમાવેશ થયો છે. નવસારીમાં છેલ્લા ૫ વર્ષમાં રૂ. ૩૭ કરોડના વિકાસ કામો થયા છે. જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે વિવાદ નહીં સંવાદ અને લઘુત્તમ સાધનો વડે મહત્તમ વિકાસ સાથે અમે કામ કરી રહ્યા છીએ. 
 
તેમણે કહ્યું હતું કે, ૧૫ ઓગસ્ટે આપણે આઝદીના ૭૫ વર્ષ એટલે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રાથમિક સુવિધાથી આગળ વધીને દેશમાંથી ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર દૂર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નયા ભારત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કરીને કટિબદ્ધ બનીએ તેમ ઉમેરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવસારીના નગરજનોને શહેરી બસ સુવિધા માટે શુભેચ્છાઓ આપી હતી. 
 
આ ઇ-લોકાર્પણ પ્રસંગે નવસારી ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ, નવસારીના ધારાસભ્ય પિયૂષભાઇ દેસાઇ, નગરપાલિકાના પ્રમુખ જીગીશભાઇ શાહ, ઉપપ્રમુખ, જિલ્લા કલેક્ટર નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડાંગરિયા પાસે 3 યુવકોની લાશ મળી, પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ, પોલીસે શરૂ કરી તપાસ