Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાવાઝોડાની અસર / વલસાડમાં સ્કૂલોમાં ત્રણ દિવસની રજા જાહેર, દક્ષિણ ગુજરાતમાં ત્રણના મોત

વાવાઝોડાની અસર / વલસાડમાં સ્કૂલોમાં ત્રણ દિવસની રજા જાહેર, દક્ષિણ ગુજરાતમાં ત્રણના મોત
, બુધવાર, 12 જૂન 2019 (13:18 IST)
દક્ષિણ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતના સુરત-તાપી જિલ્લામાં એકનું ઝાડ પડતા નીચે દબાઈ જતા, બે મહિલાનું વીજળી પડતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાની અસરના કારણે ગત રોજ સાંજથી જ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે સુરતના પણ કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જ્યારે કાંટા વિસ્તારના ગામોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. તંત્રએ સાવચેતીના પગલે વલસાડમાં તિથલ બીચ, સુરત જિલ્લામાં ડુમસ અને સુંવાલી દરિયા કાંઠે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને તમામ જગ્યા પર પોલીસ બંબોદબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 
 
દરમિયાન વલસાડમાં તિથલનો દરિયો તોફાની બનતા 10 ટીમો દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. અને દરિયા નજીક ન જવાના બેનરો પણ લગાવવામાં આવ્યા છે.તિથલ બીચ પર સમુદ્ર કિનારે રમણીય વાતાવરણ વચ્ચે આવેલા ભ‌‌‌‌વ્ય સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થીઓનો ધસારો રહે છે.આ સ્થળે વોકપાથ,પ્રોટેક્શન વોલ અને પ્લાન્ટેશનના પ્લેટફોર્મ પર ફરવા આવતા દર્શનાર્થીઓ અને સહેલાણીઓને સમુદ્ર કિનારાથી દૂર રહેવા માટે કલેકટરે પોલિસ અને તંત્રને સતર્ક કર્યા હતા. વાયુ વાવાઝોડનાના કારણે દરિયો તોફાની બનવાની સંભાવના જોતા કલેકટરે ડીવાયએસપી મનોજ ચાવડા સાથે મીટિંગ કરી તિથલ બીચ પર પોલિસની ટીમ ગોઠવી છે. દરિયા કિનારા અને ભરતીના મોજાં નજીક નહીં જવા અને તેમ કરતા રોકવા માટે દોરડા બાંધી દેવાની પણ સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડું સમગ્ર દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોને વધુ અસર કરશે. જેના પગલે તમામ જિલ્લાના કલેક્ટરોએ આ પ્રમાણેના સુરક્ષાત્મક પગલાં ભરી લોકોને જાગૃત કરી દીધા છે. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વાવાઝોડાની આગાહીને લઈને વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓમાં તા 13 થી 15 જૂન સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્રણ તાલુકાની 39 જેટલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાઓ 13 થી 15 જૂન સુધી રજા જાહેર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 13 અને 14 જૂનના રોજ વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારની શાળાઓમાં રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. અને 15 જુનની રજા અંગે તબક્કાવાર જાહેર કરવામાં આવશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીવની આસપાસ ભારે પવન અને કડાકા સાથે વરસાદ શરુ થયો, દરિયો ગાંડોતૂર બન્યો