ગુજરાતના વલસાડમાં પોલીસનો સાયબર સેલ કેટલો તેજ ચાલે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. એક વેબસાઈટ પર પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ બુધવારની રાત્રે વલસાડના ઉચ્ચ પોલીસ અધિકારી સુનિલ જોશીએ અમદાવાદના એક પત્રકારને ફોન કરીને એક અખબારમાં કામ કરતી મહિલા પત્રકારની જાણકારી માંગી હતી.
અધિકારી આ મહિલા પત્રકારનો સંપર્ક મેળવવા માંગતાં હતાં. અધિકારી ફોન પર ઉતાવળા અવાજે વાત કરી રહ્યાં હતાં એટલે સામે અમદાવાદના પત્રકારને એવું લાગ્યું કે જરૂર કંઈક દાળમાં કાળું છે. ત્યારે જોશી સાહેબે ફોન પર એટલો સંકેત આપ્યો કે અમે પોલીસ અધિકારીઓ સોશિયલ મીડિયા પર નજર રાખતાં હોઈએ છીએ. ત્યારે એક કલાકના સમય પહેલા અમદાવાદની એક પત્રકારે ફેસબુક પર પોતે આત્મહત્યા કરી રહી હોવાની વિગત ધ્યાનમાં આવી છે. ફેસબુક પોસ્ટમાં આ મહિલા પત્રકારે આત્મહત્યા કરવા જઈ રહી છે એવું લખ્યું છે. વાત સ્પષ્ટ થતાં અમદાવાદ સ્થિત પત્રકારે તે મહિલા પત્રકાર જે અખબારમાં કામ કરતી હતી, તે અખબારના તંત્રીને ફોન કરી જાણ કરી. તંત્રી વાતની ગંભીરતા સમજી ગયા, લાંબા સમયથી શારિરીક બીમારીનો ભોગ બનેલી આ મહિલા પત્રકાર માનસિક રીતે અસ્વસ્થ હતી. તેણે પોતાની ઓફિસમાં સાથીઓને અગાઉ પણ કહેલુ હતું કે તે જીવનથી કંટાળી ગઈ છે અને હવે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નથી. બીજી તરફ વલસાડ એસપી સુનીલ જોષીએ આ મામલે અમદાવાદ સાયબર સેલને પણ જાણ કરી આ મહિલા પત્રકારને બચાવી લેવા જણાવ્યુ હતું. મહિલા પત્રકારના તંત્રીએ પણ તરત પોતાની સાથી મહિલા પત્રકારને ફોન કરી તેની સાથે વાતનો દૌર શરૂ કર્યો. તેને વાતોમાં રોકી રાખી, તે દરમિયાન મહિલા પત્રકારોના સાથી તેના ઘરે પહોંચી ગયા, તંત્રી અને તેના સાથીઓએ તેને ખાતરી આપી કે તેઓ તેની તમામ સમસ્યામાં તેની સાથે છે, તે એકલી નથી. સમજાવટના અંતે મહિલા પત્રકાર માની ગઈ. આમ એક પોલીસ અધિકારીની પોતાના કાર્યક્ષેત્ર બહારની સક્રિયતાને કારણે એક જીંદગી બચાવી શકાઈ હતી, જેનું આ ઉત્તમ ઉદાહરણ છે. પોલીસની સજાગ કાર્યવાહીને પણ સલામ ભરવા જેવું છે.