Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો દોઢ વર્ષમાં અમદાવાદ અને રાજકોટમાં વાહનચાલકોએ કેટલો દંડ ભર્યો

જાણો દોઢ વર્ષમાં અમદાવાદ અને રાજકોટમાં વાહનચાલકોએ કેટલો દંડ ભર્યો
, ગુરુવાર, 5 ડિસેમ્બર 2019 (13:07 IST)
ગુજરાત સરકારે હેલ્મેટ મરજીયાત કર્યું ત્યારે લોકોમાં એક નવી ચર્ચાએ જન્મ લીધો છે. અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર છેલ્લા દોઢ વર્ષમાં હેલ્મેટ પહેર્યા વગર ટૂ વ્હીલર લઇને નીકળેલા અંદાજે 16.50 લાખ વાહનચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે દંડ પેટે રૂ.18 કરોડ ખંખેરી લીધા હતા.  જેથી દોઢ વર્ષમાં રૂ.18 કરોડ દંડ ભરી ચૂકેલા વાહન ચાલકોમાં એવી ચર્ચા છે કે અમે જે દંડ ભર્યો તે પૈસા સરકાર પાછા આપશે ખરી? ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવાના મુદ્દે દોઢ વર્ષ પહેલા તત્કાલીન અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘનો ગુજરાત હાઈકોર્ટે ઉઘડો લીધો હતો. તે દિવસથી ટ્રાફિક પોલીસે અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવાનું શરૂ કરી દીધું હતું, જેમાં હેલ્મેટ પહેર્યા વગર ટૂ વ્હીલર લઇને નીકળતા લોકો પાસેથી રૂ.100 દંડ વસૂલ કરાતો હતો. 
જે અનુસાર ટ્રાફિક પોલીસના જવાનો પ્રતિદિન 2500 થી 3000 જેટલા ટૂ વ્હીલરચાલકોને હેલ્મેટ પહેર્યા વગર પકડતા હતા અને રૂ.100 લેખે તેમની પાસેથી રોજનો રૂ.3 લાખ દંડ વસૂલ કરવામાં આવતો હતો. જે અનુસાર દર મહિને હેલ્મેટ વિનાના 90 હજાર વાહનચાલકો પાસેથી રૂ.90 લાખનો દંડ વસૂલ કરવામાં આવતો હતો. જે અનુસાર 17 મહિનામાં અંદાજે 16 લાખ વાહનચાલકો પાસેથી રૂ. 16 કરોડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે નવેમ્બર 2019થી રાજ્ય સરકારે હેલ્મેટ પહેર્યા વગરની દંડની રકમ રૂ.100 થી વધારીને રૂ.500 કરી દીધી હતી. ત્યારબાદ ટ્રાફિક પોલીસે રોજના 1200 વાહનચાલકો પાસેથી રૂ.500 લેખે રોજનો રૂ.6 લાખ દંડ વસૂલ કર્યો હતો. જે અનુસાર નવેમ્બર મહિનામાં ટ્રાફિક પોલીસે 36000 ટૂ વ્હીલરના ચાલકો પાસેથી રૂ.1.80 કરોડ જેટલો દંડ વસૂલ કર્યો હતો.

રાજકોટ શહેર પોલીસે છેલ્લા 18 મહિનામાં 3 લાખથી વધુ ટુ વ્હિલર ચાલકોને હેલ્મેટ નહીં પહેરવા સબબ રૂ.6.50 કરોડથી વધુના ઇ–ચલણ ફટકારી દીધા હતા અને 50 ટકા જેટલા લોકોએ એ દંડ ભરી પણ દીધો હતો. હેલ્મેટના દંડના નામે થતાં અતિરેક સામે લોકરોષ ફાટી નીકળતા રાજ્ય સરકારે શહેરમાં હેલ્મેટ મરજિયાત કરી લોકોને હેલ્મેટથી મુક્તિ આપી હતી, બીજીબાજુ શહેર કોંગ્રેસે અત્યાર સુધી ઉઘરાવેલી રકમ વાહનચાલકોને પરત કરવાની માંગ કરી આ મામલે લડતના નિર્દેશ આપ્યા હતા. રાજકોટ શહેરમાં સીસીટીવી કેમેરા લાગ્યા ત્યારે શહેરીજનો ખુશ થયા હતા અને ગુનેગારો પર પોલીસની વોચ રહેશે તેવી વાતો વહેતી થઇ હતી, પરંતુ ત્યારબાદ આ જ સીસીટીવી કેમેરામાં વાહનચાલકો ક્લિક થવા લાગ્યા હતા અને દંડનો દંડો લાગવા લાગ્યો હતો. 

ગત તા.15 એપ્રિલ 2018થી શહેર પોલીસે ઇ–ચલણ જનરેટ કરવાનું શરૂ કર્યું હતું અને હેલ્મેટ પહેર્યા વગર નીકળનાર વાહનચાલક કેમેરામાં ક્લિક થાય તો તેના ઘરે દંડનું ઇ–ચલણ પહોંચી જતું હતું. બાદમાં કેન્દ્ર સરકારે ટ્રાફિકના નવા નિયમ મુજબ દંડની રકમમાં તોતિંગ વધારો કર્યો હતો અને ગત તા.1 નવેમ્બર 2019થી શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. શહેર પોલીસ પણ ટાર્ગેટ સાથે મેદાને પડી હતી અને હાજર દંડ તેમજ ઇ–ચલણનો મારો શરૂ થયો હતો. છેલ્લા 18 મહિનામાં રાજકોટ પોલીસે હેલ્મેટ નહીં પહેરનાર 3,04,278 વાહનચાલક સામે રૂ.6.50 કરોડથી વધુના ઇ–ચલણ જનરેટ કરી નિયમ ભંગ કરનારના ઘરે મોકલી દીધા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો કેવી રીતે ખેતરમાં એક પતિની ફોનમાં મશગૂલ થવાની ભૂલ પત્નીને ભોગવવી પડી