ગુજરાતની ભૂમિ સંતો અને શૂરાની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર પાળિયા અને સંતોના અલખના ઓટલા આવે છે. પ્રભાસપાટણ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ આવેલું તો ગિરનારની તળેટીમાં ભવનાથ અને ભોળેનથ બિરાજે છે. આ ઉપરાંત ગુજરાતમાં અનેક મોટા અને ઇતિહાસની ઝાંખી રજૂ કરતા શિવમંદિરો આવેલા છે. આ શિવમંદિર 500 થી 5000 વર્ષ જૂના છે. આજે શિવરાત્રિ પવિત્ર દિવસે તમને આ મંદિરોનો ઇતિહાસ જણાવીએ.
સોમનાથ મંદિર
ભગવાન શિવને સમર્પિત, 12 પ્રખ્યાત જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક સોમનાથ મહાદેવ મંદિર છે અને તે ગુજરાતના સૌથી પ્રાચીન તીર્થ સ્થાનમાંનું એક છે. સોમનાથ શબ્દનો અર્થ ચંદ્ર ભગવાનના ભગવાન છે,જે ભગવાન શિવનો ઉલ્લેખ કરે છે કારણ કે તેઓ તેમના માથા પર ચંદ્ર પહેરવા માટે જાણીતા છે.
પુરાણો અનુસાર સોમનાથ મહાદેવ મંદિર સોનામાં સોમરાજ (ચંદ્ર દેવ) દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાવણે ચાંદીમાં, લાકડામાં કૃષ્ણ દ્વારા, અને પત્થરમાં સોલંકી રાજપૂતોએ 11 મી સદીમાં બનાવયુ હતું. મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે.
ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતની એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. ભૂતકાળમાં અનેક મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગીઝો દ્વારા વારંવાર નાશ કર્યા બાદ, અનેક વખત પુનઃસ્થાપિત થયેલી મંદિરનું પુનઃસ્થાપન હિન્દુ મંદિરની સ્થાપત્યની ચૌલુક્ય શૈલીમાં થયું હતું અને મે 1951 માં પૂર્ણ થયું હતું. વલ્લભભાઈ પટેલ દ્વારા પુનર્નિર્માણ પૂરું થયું હતું.
ભીમનાથ મહાદેવ મંદિર
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકમાં આવેલુ મહાભારતકાલીન ભીમનાથ મહાદેવ મંદિરની સ્થાપના 5500 વર્ષ પહેલા પાંડવોએ કરી હતી. ભૂતકાળમાં ઝરવલિયા તરીકે ઓળખાતુ આ ગામ આજે ભીમનાથના નામે વિશ્વભરમાં જાણીતુ બન્યુ છે. અહીંની લીલકા નદીના કાંઠે આવેલ આ શિવાલયમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે.
પૌરાણિક કથા મુજબ ભીમનાથ મહાદેવની સ્થાપના ખુદ ભીમે કરી હતી. ઘટના એવી હતી કે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખતા અર્જુને શિવની પૂજા કર્યા વિના ભોજન ન લેવાનું વ્રત હતું. પરંતુ અજ્ઞાતવાસ દરમિયાન એક દિવસ સ્થિતિ એવી સર્જાઈ કે અર્જુનને શિવલિંગ ન મળ્યું અને ભૂખ્યા રહેવું પડ્યું. પરિણામે તમામ પાંડવો ભૂખ્યા રહ્યા. આખરે ભીમથી ભૂક સહન ન થઈ. એટલે તેણે એક પત્થર ઉપાડ્યો, શિવલિંગની જેમ મૂક્યો અને તેના પર જંગલી ફૂલ ચડાવી દીધા. બાદમાં અર્જુન અને માતા કુંદીને આ જ શિવલિંગ હોવાનું કહ્યું. બાદમાં અર્જુને આ શિવલિંગની શ્રદ્ધાથી પૂજા કરી, નજીકની ગોંડલી નજીકમાંથી જળ લાવીને જળાભિષેક કર્યો.
એ જ વરખડીનું વૃક્ષ આજે પણ ચમત્કારીક મનાય છે. કારણ કે આ વૃક્ષમાં આજના સમયમાં પણ ચૈત્ર વૈશાખ માસમાં ખાંડ જેવા સફેદ પદાર્થ ઝરે છે. જેને સૌ ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. તો ભાદરવી અમાસે બહેન આ વૃક્ષને રાખડી બાંધે છે. શ્રાવણ માસ તેમજ શિવરાત્રીના દિવસે અહીં યાત્રાળુઓ તેમજ ખાસ કરીને બ્રાહ્મણો ફરાળ કરાવી અને યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
હાટકેશ્વર દાદાનું મંદિર
ગુજરાતના વડનગર ખાતે આવેલું હાટકેશ્વર દાદાનું મંદિર વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણે આ મંદિરનું શિવલિંગ સ્વંયભુ છે. વિસનગરના હાટકેશ દાદાના મંદિરનું સ્થાપત્ય, નિર્માણ, ધાર્મિક કથા માટે જાણિતું છે.
પૌરાણિક લોકવાયકા મુજબ હાટકેશ્વર મંદિરનો ઈતિહાસ બે હજાર વર્ષ જૂનો છે. વડનગરમાં સ્થાપિત શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી. 17મી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એવું કહેવાય છે કે ભવ્ય શિવાલયમાં સ્વયં ભૂ શિવલિંગ સ્થાપિત છે.
એવું માનવામાં આવે છે કે પાતાળ લોકમાં હાટકી નદી પાસે એક શિવ મંદિર હતું. તેમના નામ પરથી તેનું નામ હાટકેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું. હાટકેશ્વર એટલે સોનમાંથી નિર્મિત. એટલે કે હાટકેશ્વર મહાદેવ ધરતીની અંદર મોજૂદ અમૂલ્ય રત્નોના માલિક છે. ભવ્ય તીર્થસ્થળ હાટકેશ્વર મંદિર ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રીય શૈલીના આધારે બનાવવામાં આવ્યું છે. મહાભારત, સમુદ્ર મંથન જેવી પ્રાચીન કલાકૃતિઓ મંદિરની દિવાલો પર શિલ્પ દ્વારા કરવામાં આવી છે.
ગળતેશ્વર મહાદેવ
ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થળોમાંના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું ગળતેશ્વરનું પણ ખુબ મહત્વ છે. તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આ ધાર્મિક સ્થળ આવેલું છે. ગુજરાતરાજ્યનું ઐતિહાસિક ગળતેશ્વર મહાદેવ મહિસાગર અને ગળતી નદીના સંગમસ્થાને વસેલું છે. પાંચ હજાર વર્ષથી બનેલું આ પૌરાણિક મંદિર ભક્તો માટે વિશેષ આસ્થાનું સ્થાન છે. સુપ્રસિધ્ધ ડાકોરના ઠાકોરજીના ધામથી ૧૦ થી ૧૨ કિ.મી.ના અંતરે આવેલા આ ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે દહાડે ૨૫ લાખથી વધુ ભાવિક ભક્તો અને પર્યટકો આવતા હોય છે. અનેક વખત અધુરા રહેલા શિખરને પૂર્ણ કરવાના અથાક પ્રયત્નો થયા હોવા છતાં હાલ આ મંદિર શિખર વગરનું જોવા મળે છે.
ગળતેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે બે ખાસ મેળાનું આયોજન થાય છે. જન્માષ્ટમી અને શરદ પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે. આ ઉપરાંત મહાશિવરાત્રિએ પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે.