ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના ઠંડા પવનનો ગુજરાત તરફ આવતાં ગરમીમાં થોડી રાહત મળી છે. માર્ચ મહિનાની ગરમી મે મહિના જેવો અનુભવ કરાવી રહી છે.. જો કે આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીથી રાહત મળવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઇને આગાહી કરતા કહ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતિમ દિવસોથી લઇ એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે
બીજી બાજુ ધોમધખતા તડકા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10 એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની પડવાની સંભાવના વ્યક્ત કરી છે. કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. તેજ પવનની ગતિના કારણે ઉભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે.