Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરેલીમાં બાખડતા આખલાઓનો આતંક, ટૂ-વ્હીલર લઈ જતા ડોક્ટરને અડફેટે લીધા

amreli news
અમરેલી , મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (11:40 IST)
amreli news

 ગુજરાતમાં નાના ગામથી લઈ મેટ્રો શહેરના લોકો રખડતાં ઢોરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અમરેલીના ધારીમાં આખલાના આતંકનો એક વીડિયો વાયરલ થયો છે. ધારી શહેરમાં રસ્તા પર ટૂ-વ્હીલર લઈ પસાર થઈ રહેલા ડોકટરને ઝગડી રહેલા આખલાઓએ અડફેટે લેતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક મોટરસાઇકલ ચાલક માંડ માંડ બચ્યા હતા અને જીવ બચાવી ભાગ્યા હતા. રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં પણ આખલા યુદ્ધના કારણે નાસભાગ મચી હતી.
 
આખલાએ અડફેટે લેતાં ડોકટર ઈજાગ્રસ્ત
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધારીના મુખ્ય ગેટ નજીક આખલાઓ બાખડી રહ્યાં હતાં. આ દરમિયાન વાત્સલ્ય નામના દવાખાનામાં ફરજ બજાવતા ડો. તુષાર પટેલ પોતાનું ટૂ-વ્હીલર લઈ મુખ્ય ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ રસ્તા પર બાખડતા બાખડતા દોડીને આવેલા બે આખલાએ ડોકટરના ટૂ-વ્હીલરને ટક્કર મારી હતી અને તેઓ જમીન પર પટકાયા હતા. ત્યાર બાદ આખલાઓ તબીબને કચડીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ડોકટરને માથાના અને મોઢાના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
 
રખડતાં ઢોરની સમસ્યાને લઈ વેપારીઓમાં રોષ
અમરેલીના ધારીમાં રખડતાં ઢોરના ત્રાસના કારણે વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર આ મામલે રજૂઆત કર્યા બાદ પણ રખડતાં ઢોરની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. હવે તો રખડતાં ઢોરના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે તંત્ર આ મામલે નક્કર કાર્યવાહી કરે એવી લોકો માગ કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bangladesh Protest: શેખ મુજીબનું પૂતળું ગળામાં દોરડું બાંધીને તોડવામાં આવ્યું, બુલડોઝર ચલાવાયું,