ગુજરાતમાં વરસાદી માહોલ સારો જામ્યો છે અને અનેક જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બુધવારના દિવસ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મનમૂકીને હેત વરસાવ્યું. ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું. સવારથી સાંજ સુધી ધીમીધારે વરસાદ વરસ્યા બાદ સાંજ થતા મેઘરાજા મનમૂકીને વરસી પડ્યા. ગાજવીજ અને ભારે પવન સાથે ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા દુકાળની ઉભી થયેલી સ્થિતિમાંથી હાશકારો મળ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી પણ વધીને 118.41 મીટર થઈ ગઈ છે. મઘ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ પડી રહ્યો હોવાથી નર્મદા ડેમનુ સ્ટોરેજ વધ્યુ છે. એટલુ જ નહી ગુજરાતના 207 જળાશયોમાં 5 ટકા પાણી વધ્યુ છે.
સૌરાષ્ટ્ર સૌથી મોટો ડેમ છલકાયો
સૌરાષ્ટ્રનો પ્રથમ નંબરનો સૌથી મોટો શેત્રુજી ડેમ અને બીજા નંબરનો ભાદર ડેમ ઓવરફલો થતાં આનંદ છવાયો છે. રાજકોટને પાણી પુરૂ પાડતો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ આજે સવારે ઓવરફલો થતા ડેમના બે દરવાજા એક એક ફુટ ખોલવામાં આવ્યા છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જીલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફલો થતાં ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. પાંચ વર્ષ બાદ શેત્રુંજી ડેમ છલકાયો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરને પીવાનું પાણી અને ગામડાઓને ખેતી માટે શેત્રુંજી ડેમમાંથી પાણી અપાય છે.
ભાવનગરની જીવાદોરી સમાન પાલિતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. ત્યારે ડેમના ડ્રોન કેમેરાથી લેવાયેલા સુંદર રમણીય દ્રશ્યો સામે આવ્યા છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં વધી રહેલી પાણીની આવક (gujarat rain) ના પગલે 17 ગામો એલર્ટ પર મૂકાયા છે. ડેમમાં હાલ 15340 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ હોઈ ગામોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. પાલિતાણાના 5 ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર અને મેઢા ગામને ખાસ એલર્ટ કરાયા છે, જેમના માથા પર સૌથી વધુ ખતરો મંડરાઈ રહ્યો છે. તો તળાજાના 12 ગામો ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામને એલર્ટ કરાયા છે.
સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લાના નદી-નાળા અને ડેમોમાં નવા નીર આવ્યા છે. ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી કોડીનારના પેઢાવાડા નજીકથી પસાર થતી સોમેત નદીમાં પૂર આવ્યું છે. તો સૂત્રાપાડા શહેર તથા આસપાસના વિસ્તારમાં 9 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી- પાણી થઈ ગયું. સૂત્રાપાડાના પ્રશ્નાવાડા ગામમાં તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. આ સૂત્રાપાડાની સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું. જેના કારણે પ્રાચી તિર્થ સ્થિત માધવરાય મંદિરમાં પ્રતિમાઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
આ તરફ ભારે વરસાદના પગલે ઉનાનો રાવળ ડેમ 90 ટકા સુધી ભરાયો. ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાયું. જેના કારણે ઉનાના 11 અને ગીર ગઢડાના 7 મળી કુલ 18 ગામને એલર્ટ કરાયા. આ તરફ વેરાવળમાં છ ઈંચ વરસાદથી તાલુકાના ભેરાળા ગામના પ્રવેશદ્વાર પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. સાર્વત્રિક ધોધમાર વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા.