Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ લેબ વિશ્વની સૌથી વધુ આધુનિક પણ છે, દેશના દરેક જિલ્લામાં આવી મોબાઇલ લેબ ઉપલબ્ધ કરાવવામાં આવશે: અમિત શાહ

આ લેબ વિશ્વની સૌથી વધુ આધુનિક પણ છે, દેશના દરેક જિલ્લામાં આવી મોબાઇલ લેબ ઉપલબ્ધ કરાવવામાં આવશે: અમિત શાહ
, સોમવાર, 29 ઑગસ્ટ 2022 (13:04 IST)
આત્મનિર્ભર ભારતનાં વિઝનને સાકાર કરતા ફોરેન્સિક સાયન્સની બે મોબાઇલ લેબ શરૂ
 
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતનાં ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ)નાં પ્રથમ પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. સાથે જ તેમણે એનએફએસયુ પરિસરમાં વિવિધ સુવિધાઓનું ઉદઘાટન પણ કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદકુમાર, ગુજરાત સરકારના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, કેન્દ્રીય ગૃહ સચિવ અને એનએફએસયુના કુલપતિ ડો. જે.એમ. વ્યાસ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
 
અમિત શાહે પદવીદાન સમારંભમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના જીવનમાં આજનો દિવસ ખુબ જ મહત્વનો છે કેમ કે તેઓ વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈને સમાજમાં જઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આજે ૨૧ દેશોના ૯૧ વિદેશી વિદ્યાર્થીઓ સહિત ૧૧૩૨ વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સનાં વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત તરીકે સમાજમાં જઈ રહ્યા છે. ગૃહ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જે વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી છે, તેઓ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના જે ઉદ્દેશ માટે થઈ છે, તેને પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
 
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, આજે પદવીદાન સમારંભની સાથે સાથે નવા પરિસરનું ભૂમિપુજન અને ઉત્કૃષ્ટતાનાં ત્રણ કેન્દ્રોનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને હવે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે ઝડપે પ્રગતિ કરી રહી છે અને જે રીતે વિશ્વભરમાં તેની સ્વીકૃતિ વધી રહી છે, તે જોતાં આ યુનિવર્સિટી એક દાયકામાં વિશ્વમાં પોતાનું નંબર વનનું સ્થાન સુનિશ્ચિત કરશે. 
 
અમિત શાહે જણાવ્યું હતું કે, ઉત્કૃષ્ટતાનાં જે ત્રણ કેન્દ્રોનું નિર્માણ થયું છે, તે વિદ્યાર્થીઓને તેમજ દેશની ન્યાયિક વ્યવસ્થાને પણ બળ પ્રદાન કરશે. સેન્ટર ઑફ એક્સલન્સ ડીએનએ વિશ્વનું આધુનિકમાં આધુનિક ડીએનએ સેન્ટર તરીકે ઉભરી આવશે અને સેન્ટર ઑફ એક્સલન્સ ઇન સાયબર સિક્યોરિટી તથા સેન્ટર ઑફ એક્સલન્સ ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને બહુ મોટો ફાયદો થશે. આ ત્રણેય કેન્દ્રો અભ્યાસ, અધ્યાપન, તાલીમ અને પરામર્શની સાથે સાથે સંશોધન અને વિકાસનાં મોટાં કેન્દ્રો બનશે અને ફોરેન્સિક સાયન્સ સંશોધનનાં ક્ષેત્રમાં ભારત વિશ્વનું કેન્દ્ર બનશે. તેમણે જણાવ્યું હતું કે, આ ત્રણ કેન્દ્રો મારફતે અહીં અભ્યાસ કરનારા અને આજે ડિગ્રી લઈને જઈ રહેલા વિદ્યાર્થીઓને સંશોધનની મોટી તક મળવાની છે.
 
અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદીજી વર્ષ 2002-2003માં ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમનું વિઝન હતું કે દેશમાં દોષિત ઠેરવવા અને સજાનાં પ્રમાણમાં વધારો થવો જોઈએ, કારણ કે જ્યાં સુધી ફોરેન્સિક સાયન્સનાં પુરાવા મજબૂત રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં નહીં આવે, ત્યાં સુધી દોષિત ઠરવાનું પ્રમાણ વધી ન શકે. આથી તેમણે ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને પોલીસ વિભાગથી સ્વતંત્ર બનાવવાની સાથે સાથે તેને મજબૂત બનાવી દેશની શ્રેષ્ઠ ફોરેન્સિક સાયન્સ લેબ બનાવવાનો નિર્ણય કર્યો હતો. 
 
બાદમાં ટ્રેન્ડ મેન પાવર માટે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી અને તેમાંથીજ  નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી હતી. જ્યારે નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમણે ફરી એક વખત સમગ્ર દેશમાં અપરાધિક ન્યાય પ્રણાલીને મજબૂત કરવા અને ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રમાં જરૂરી સંખ્યામાં નિષ્ણાતો ઉપલબ્ધ કરાવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખોલવાનો નિર્ણય કર્યો હતો.
 
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મોદીજીનાં નેતૃત્વમાં ભારત સરકાર આઇપીસી, સીઆરપીસી અને પુરાવા એક્ટ ત્રણેય કાયદામાં આમૂલ પરિવર્તન કરવા જઇ રહી છે કારણ કે આઝાદી બાદ ભારતીય દ્રષ્ટિકોણથી આ કાયદાઓને કોઇએ જોયા નથી. તેમણે કહ્યું કે સ્વતંત્ર ભારતને ધ્યાનમાં રાખીને આ કાયદાઓને ફરીથી બનાવવાની જરૂર છે, તેથી સરકાર ઘણા લોકો સાથે ચર્ચા કર્યા પછી આ ત્રણ કાયદાઓમાં ફેરફાર કરવા જઈ રહી છે. છ વર્ષથી વધારે સજાપાત્ર તમામ ગુનાઓમાં ફોરેન્સિક મુલાકાત અને ફોરેન્સિક પુરાવાને ફરજિયાત અને કાનૂની બનાવવામાં આવશે. 
 
તેમણે કહ્યું કે આ માટે પ્રશિક્ષિત માનવબળ અને તાલીમની વ્યવસ્થા પણ કરવી પડશે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ દૂરદ્રષ્ટિ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં આ યુનિવર્સિટીએ ઘણાં રાજ્યોમાં પોતાનાં કેમ્પસ ખોલ્યાં છે. ગુજરાત ઉપરાંત ભોપાલ, ગોવા, ત્રિપુરા, મણિપુર અને ગુવાહાટીમાં તેનાં કેમ્પસ ખુલ્યાં છે જ્યારે પૂણે અને કર્ણાટકમાં ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ તમામ કેમ્પસ સાથે મળીને કામ કરશે ત્યારે સમગ્ર દેશને ટ્રેન્ડ મેનપાવર મળશે.
 
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, સરકાર દેશમાં ફોરેન્સિક સાયન્સનાં ક્ષેત્રને મજબૂત કરવા ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફોરેન્સિક એક્સપર્ટ મેનપાવર, ફોરેન્સિક ટેક્નોલોજી અને ફોરેન્સિક સાયન્સમાં સંશોધનના ચાર સ્તંભ પર ભાર મૂકી રહી છે, જેથી ભારત આ ક્ષેત્રમાં વિશ્વમાં નંબર વન બની શકે. તેમણે કહ્યું કે મોદીજીનાં નેતૃત્વમાં ભારત સરકાર ફોરેન્સિક સાયન્સનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ઘણા રાજ્યોને સમર્થન આપી રહી છે અને આશા છે કે 2025 સુધીમાં દેશના દરેક રાજ્યમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું કેમ્પસ બનાવવાનું કામ પૂર્ણ થઈ જશે. 
 
ગૃહ મંત્રીએ કહ્યું કે, ફોરેન્સિક સાયન્સ લેબ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માટે પણ ઘણું કામ કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારતનાં વિઝનને સાકાર કરતા ફોરેન્સિક સાયન્સની બે મોબાઈલ લેબ શરૂ કરવામાં આવી છે, બંને લેબ ભારતની કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે અને આ 100 ટકા સ્વદેશી છે. આ લેબ્સ વિશ્વની સૌથી આધુનિક પણ છે. તેમણે કહ્યું કે દેશના દરેક જિલ્લામાં આવી મોબાઇલ લેબ ઉપલબ્ધ કરાવવામાં આવશે.  અમિત શાહે જણાવ્યું હતું કે, દરેક રાજ્યમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્થાપના થવાથી જ આઇપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં ફેરફારોને નિર્ણાયક અંત સુધી લઈ જઈ શકાશે. ગૃહ મંત્રીએ કહ્યું કે હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી, પરંતુ વૈજ્ઞાનિક પુરાવાના આધારે ગુનેગારને સજા કરવાથી જ દોષિત ઠેરવવાનું પ્રમાણ વધી શક્શે.
 
અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીજીએ જાહેર કરેલી નવી શિક્ષણ નીતિનો એક મુખ્ય મુદ્દો એ છે કે, દેશની અંદર ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા પ્રકારનાં અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓનું નિર્માણ કરીને યુવાનોને દેશના વિકાસ સાથે જોડવામાં આવે અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આ મુદ્દાને તો સંબોધે જ છે, સાથે તેને પરિપૂર્ણ પણ કરે છે. 
 
તેમણે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં ભવિષ્યની જરૂરિયાતોને આધારે યુવાનોને જ્ઞાન અને કૌશલ્ય બંને પ્રદાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેથી દેશભરમાં તેનો સ્વીકાર થાય અને તમામ રાજ્યોના વિદ્યાર્થીઓને સમાન શૈક્ષણિક તકો મળે. તેમણે કહ્યું હતું કે, 70થી વધારે દેશો અને અનેક સંસ્થાઓએ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીઓ સાથે 158થી વધારે એમઓયુ કર્યા છે, જે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે.
 
ગૃહ મંત્રીએ કહ્યું કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સનાં ક્ષેત્રમાં તો એક્સપર્ટ બનાવી જ રહી છે, સાથે સાથે પોલીસ અધિકારી, સરકારી વકીલ અને ન્યાયતંત્રમાં કામ કરનારા વ્યક્તિઓ સહિત ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના તમામ અંગોની તાલીમની વ્યવસ્થા કરી રહી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી અહીં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સાથે જોડાયેલા 28000થી વધુ અધિકારીઓને ટ્રેનિંગ આપવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. 
 
અમિત શાહે જણાવ્યું હતું કે, આજે આપણે 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનાં લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યાં છીએ અને મોદીજીનાં નેતૃત્વમાં ભારત સમગ્ર દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નાર્કોટિક્સ, ફેક કરન્સી અને સાયબર એટેક જેવા અનેક પ્રકારના અવરોધો બહાર આવી રહ્યા છે. આને પહોંચી વળવા ફોરેન્સિક સાયન્સને વધુ મજબૂત બનાવવું પડશે અને ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીઓનું આમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. તેમણે કહ્યું હતું કે, સરકારનું લક્ષ્ય અપરાધિક ન્યાય પ્રણાલીને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સંકલિત કરવાનું છે, જેથી દેશમાં દોષિત ઠેરવવાનો દર વિકસિત દેશોથી પણ ઉપર લઈ જઈ શકાય.
 
અમિત શાહે જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાં ફોરેન્સિક મોબાઇલ ટેસ્ટિંગની સુવિધા પ્રદાન કરવા તથા તપાસની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા જાળવવા માટે એક કાનૂની માળખું ઊભું કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે ફોરેન્સિક વિજ્ઞાનનાં ક્ષેત્રમાં ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ સર્વિસ અને  નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીથી લઈને નેશનલ ફોરેન્સિક સાયન્સની શરૂઆત સહિતની અનેક પહેલ કરી છે.
 
સાથે જ સીએફએસએલને મજબૂત કરવા, દેશભરમાં ડીએનએ ટેસ્ટ માટે નેટવર્ક બિછાવવા અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરની સ્થાપના પણ કરવામાં આવી છે. નફીસ હેઠળ દેશભરના ગુનેગારોની ફિંગરપ્રિન્ટ ડેટા બેંક લગભગ 2 કરોડ ફિંગરપ્રિન્ટ્સ સાથે ઓનલાઇન કરવામાં આવી છે, નિર્ભયા ફંડથી મહિલાઓ સાથે યૌન શોષણ અને અત્યાચારના કેસોમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉભી કરવાની કામગીરી કરવામાં આવી છે.
 
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે તેઓ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં ડિગ્રી મેળવી રહ્યા છે. 75ની આપણી આ યાત્રા જેટલી સુંદર, રસપ્રદ અને પરિણામલક્ષી રહી છે એનાથી પણ વધારે કષ્ટદાયક આપણો આઝાદીનો સંઘર્ષ છે. તેમણે તમામ યુવાનોને કહ્યું હતું કે, તેમણે એક ક્ષણ માટે પણ એ ન ભૂલવું જોઈએ કે આજે જે સ્વતંત્ર અને સાર્વભૌમિક ભારતમાં શ્વાસ લઈ રહ્યા છે, તેના માટે આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. 
 
જો વિદ્યાર્થીઓ આ વાતને પોતાના દિલમાં યાદ રાખશે તો તેઓ પોતાની સાથે દેશના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપી શકશે. અમિત શાહે જણાવ્યું હતું કે, આજે જે ડિગ્રી મળી છે તેનો લાભ વિદ્યાર્થીઓને તો  મળશે , સાથે જો સમાજ અને સમાજ સુધારણાની વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે તો તેનો લાભ સમગ્ર દેશને મળશે. મહાત્મા ગાંધીનાં એક કથનને ટાંકતા અમિત શાહે જણાવ્યું હતું કે, શિક્ષણમું મહત્વ ત્યારે જ છે જ્યારે તેની સુગંધ ચારે બાજુ ફેલાય અને તે સમગ્ર સમાજને સુગંધિત કરે.
 
અમિત શાહે પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, તેમણે સમાજ અને વ્યવસ્થાના અપગ્રેડેશન માટે સતત કાર્યરત રહેવું જોઈએ. ડિગ્રી લઇ જતા વિદ્યાર્થીઓની ટોચની અગ્રતા પોતાના માટે તેમજ અન્ય લોકો અને દેશ માટે કામ કરવાની હોવી જોઈએ કારણ કે તેનાથી જ સંતોષ અને આનંદ મળે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમની ભાષા ક્યારેય ન ભૂલવાની અપીલ કરતા ગૃહ મંત્રીએ કહ્યું કે અભ્યાસ કોઈપણ ભાષામાં હોય પરંતુ વ્યક્તિએ ઘરની અંદર પોતાની માતૃભાષા જાળવવી જોઈએ, આ પ્રયાસ દેશને ખૂબ આગળ લઈ જશે. તેમણે કહ્યું કે સરકાર હવે મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતના તકનીકી અભ્યાસક્રમોમાં માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમની ભાષાઓનું જતન કરવું જોઈએ તથા ઘરે બેઠાં જ પોતાની ભાષામાં બોલવું, લખવું અને વાંચવું જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Uttarakahd News: દેહરાદૂનમાં એક માણસે માતા, પત્ની અને ત્રણ દીકરીઓની ગળા કાપી