વિધાનસભામાં બટાટાનો મુદ્દો ગૂંજ્યો, પાટણના MLAએ ચર્ચા માટે સમય માગ્યો, અધ્યક્ષે ના ફાળવ્યો
આ વર્ષે બટાટાના બમ્પર વાવેતર સામે ભાવ ઓછા મળવાથી ખેડૂતો નિરાશ
ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાટાના બમ્પર વાવેતર સામે ભાવ ઓછા મળવાથી ખેડૂતો નિરાશ થયા છે. આ મુદ્દો મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયો હતો. આ બેઠકમાં એવું નક્કી થયું હતું કે, બટાટા પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને કોઈ નુક્સાન ન થાય તે અંગે રાજ્ય સરકાર વિચારણા કરશે. ત્યારે આ મુદ્દો હવે વિધાનસભામાં પણ ગાજ્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં બટાટાના ભાવને લઈને ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે નિયમ 116 અનુસાર ચર્ચા માટે સમય માંગ્યો હતો. પરંતુ વિધાનસભાના અધ્યક્ષે ચર્ચા માટે સમય ફાળવ્યો નહોતો.
માર્ચ માસમાં બાકી રહેતી 10% આવક બજારમાં આવે છે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઈ કાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બટાટા પકવતાં મુખ્ય જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને ખેડાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બટાટા પાકનું વાવેતર ઓક્ટોબરથી ડિસેમ્બર માસ દરમ્યાન થાય છે, જેમાં નવેમ્બર માસ મુખ્ય છે. બટાટાની બજારમાં આવક જાન્યુઆરીથી માર્ચ માસ સુધી ચાલુ રહેશે. જેમાંથી અંદાજીત જાન્યુઆરી માસમાં બટાટાની આવક બજારમાં આવવા લાગે છે. જ્યારે કુલ આવકના લગભગ 75% આવક ફેબ્રુઆરી માસમાં અને માર્ચ માસમાં બાકી રહેતી 10% આવક બજારમાં આવે છે.
27.23 લાખ મેટ્રિક ટન બટાટા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરાયા
તેમણે ઉમેર્યું હતુંકે, રાજ્યના કોલ્ડ સ્ટોરેજોની સંગ્રહ ક્ષમતા અંદાજે 28.56 લાખ મે.ટનની છે. જ્યારે બટાટાની હાલની પરિસ્થિતિ મુજબ બટાટા પાકનો છેલ્લા પાંચ વર્ષનો સરેરાશ વાવેતર વિસ્તાર 1,25,000 હેકટર છે. ચાલુ વર્ષે જોતા અંદાજિત 1,31,432 હેક્ટર બટાટા પાકનું બમ્પર વાવેતર થયું છે, જેમાંથી અંદાજિત 40.26 લાખ મે.ટન જેટલું ઉત્પાદન મળેલું છે. જે પૈકી 27.23 લાખ મેટ્રિક ટન બટાટા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરાયા છે. ચાલુ વર્ષે બટાટામાં વાવેતર વિસ્તાર વધતા અને હવામાન અનુકુળ રહેતાં ઉત્પાદનમાં વધારો થયો છે.
ભાવમાં વધઘટ થતી હોવાથી ભાવ નથી મળતા
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મે મહિનામાં સંગ્રહ થયેલી ડુંગળીનો ઓક્ટોબર- નવેમ્બર મહિનામાં વપરાશ થઈ જતાં તેમજ મહારાષ્ટ્ર- રાજસ્થાનથી ડુંગળીનો ખરીફ પાક બજારમાં આવતા ભાવમાં વધઘટ થાય છે, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. ત્યારે રાજ્યમાં ખેડૂતો દ્વારા ડુંગળીનું વેચાણ મુખ્યત્વે મહુવા, ભાવનગર, રાજકોટ અને ગોંડલ એ.પી.એમ.સી.માં થાય છે. હાલમાં સરેરાશ લાલ ડુંગળીના વેચાણ ભાવ ખેડૂતોને એકંદરે રૂ.5/- પ્રતિ કિલો મળે છે, જે ઉત્પાદન ખર્ચ કરતાં ઓછો હોવાથી સરકાર ખેડૂતોને નુક્સાન ન જાય તે માટે ટૂંક સમયમાં યોગ્ય ભાવ અંગે હકારાત્મક નિર્ણય કરશે.