ગુજરાતમાં સિંહોના કુદરતી અને અકુદરતી મોત અંગે કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ કરેલા સવાલના જવાબમાં સરકારે જવાબ રજૂ કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા 674 છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા સિહોના કુદરતી અને અકુદરતી રીતે મોત થયા તેની માહિતી પણ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રીએ આપેલા જવાબ મુજબ વર્ષ 2020 - 21માં કુલ 123 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2020 - 21માં કુલ 14 સિંહોના અકુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 - 22માં કુલ 113 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2021 - 22માં કુલ 16 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે.
વર્ષ 2022 - 23માં કુલ 89 સિંહોના કુદરતી મૃત્યુ થયા, વર્ષ 2022 - 23માં કુલ 11 સિંહોના અકુદરતી મૃત્યુ થયા છે. રાજ્યમાં ગીરના સિંહની સંખ્યા બાબતે 2020ની વસ્તી ગણતરી પુનઃ અવલોકના આધારે 674 થઇ છે. જેમાં માદા સિંહની સંખ્યા સૌથી વધારે નોધાઇ છે. જેમાં સિંહ માદાની સંખ્યા 309 છે, નર સિંહની સંખ્યા 206, બચ્ચા 29 અને જે સિંહોની ઓળખ થઇ શકી નથી તેવાની 130 સંખ્યા નોધાઇ છે. વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી તેની સરખામણીએ વર્ષ 2020ની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યામાં 151નો વધારો થયો છે.
છેલ્લા બે વર્ષમાં કુદરતી રીતે 325 સિંહના મોત થયા છે. જેમાં બે વર્ષમાં 180 સિંહ બચ્ચના મોત થયા છે. જ્યારે નર સિંહની વાત કરીએ તો 73 મોત થયા છે. આ ઉપરાંત 71 માદા સિંહની કુદરતી રીતે મોત થયા છે. આ ઉપરાંત વણ ઓળખાયેલા 01 સિંહનું કુદરતી રીતે મોત થયુ છે.રાજ્ય સરકારે કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં અકુદરતી રીતે 41 સિંહના મોત થયા છે. જેમાં નર સિંહ 10, માદા સિંહ 18, બચ્ચા 13 અકુદરતી રીતે મોત થયુ છે. અકુદરતી રીતે મોત થવાના અનેક કારણો છે. જેમાં કુવામાં પડવાથી, અકસ્માત થવાથી, કરંટ લાગવાથી, હત્યા વગેરે જેવા કારણો જવાબદાર હોય છે.