Surya Kiran Aerobatics team
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ખાસ 9 વિમાન દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. ગઈકાલે 4 વિમાન દ્વારા ટીમે રિહર્સલ કર્યું હતું, પરંતુ આજે 9 વિમાન દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. 9 વિમાન દ્વારા અલગ-અલગ કરતબ બતાવવામાં આવ્યાં હતાં. લોકો વિમાનનો અવાજ આવતાં જ ધાબે ચઢીને મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યા હતા.
સ્ટેડિયમ અને એની આસપાસના વિસ્તારમાં એકસાથે 9 વિમાન જોઈને લોકોમાં ભારે કુતૂહલતા સર્જાઈ હતી. જોકે હજુ આવતીકાલે પણ એરફોર્સ દ્વારા બપોરના સમયે પ્રેક્ટિસ કરવામાં આવશે. મેચના દિવસે પણ મેચ શરૂ થયા અગાઉ પ્રેક્ષકોના મનોરંજન માટે એર શો યોજાશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ આગામી 19 તારીખને રવિવારના રોજ યોજાવાની છે અને આ મેચની શરૂઆત પહેલાં એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશી કરતબો બતાવવામાં આવશે, જેના ભાગરૂપે આજ રોજ એરફોર્સનાં ફાઈટર જેટ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ દૃશ્યો જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સ્ટેડિયમમાં બલ્લેબાજો ચોગ્ગા અને છગ્ગા લગાવશે તો આકાશમાં સૂર્યકિરણની ટીમ અદભુત પ્રદર્શન કરી લોકોનાં દિલ ધડકાવશે.