હાજરી મુદ્દે શિક્ષિકાઓ વચ્ચે સાવરણી યુદ્ધા, ગામલોકો બાળકોને ઘરે લઈ ગયાં
, શુક્રવાર, 19 જુલાઈ 2019 (12:19 IST)
સમી તાલુકાના પાલીપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકાઓ ઓનલાઇન હાજરી ન પૂરાતાં બોલાચાલી બાદ હાથપાઇ અને સાવરણી લઈને હાથાપાઈ પર ઉતરી જતાં નાના બાળકો ગભરાઇ ગયાં હતા જ્યારે ગ્રામજનોને જાણ થતાં શાળાએ દોડી જઇ તેમના બાળકોને ઘેર લઇ ગયા હતા. ગામલોકોએ શિક્ષક સ્ટાફના ઝઘડાઓને લઇ તેઓની બદલી કરવા માંગ કરી શાળાને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
સમીના પાલીપુર ગામે શિક્ષકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અંદરોઅંદર વિખવાદ ચાલી રહ્યો છે જેમાં ગુરુવારે વાત વણસી ગઇ હતી. આચાર્ય રજા પર હોઇ તેઓનો ચાર્જ નીતાબેન નામના શિક્ષિકાને અપાયેલ છે. જેઓ ઓનલાઇન હાજરી ભરતાં હતાં જેમાં અન્ય શિક્ષિકા શર્મિષ્ઠાબેનની હાજરી રહી જતાં તેઓ ગિન્નાઇ ગયા હતા અને વાતવાતમાં એકબીજાને અપશબ્દો બોલતાં શિક્ષિકાઓએ સાવરણી ઉછાળી મારામારી કરી મૂકી હતી.
આ દ્રશ્ય જોઇને નાના બાળકો રડવા લાગ્યા હતા.આ વાતની જાણ ગ્રામજનોને થતા વાલીઓ સ્કૂલમાં દોડી જઇ પોતાના બાળકોને ઘેર લઈ બોલતા ગયા હતા. આ અંગે સમી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રામભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળામાં શૈક્ષણિક કામગીરી ચાલુ છે. શિક્ષકો વચ્ચેની સામાન્ય બોલાચાલી થઇ હતી અને તેનું સમાધાન થઇ ગયેલ છે. કાલથી શાળાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલશે. આ અંગે પાલીપુર ગામના અગ્રણી લાલાભાઇ ડોડ એ જણાવ્યું હતું કે આ શિક્ષકોની બદલી નહીં કરવામાં આવે તો અમે આગામી સમયમાં શાળાને તાળાબંધી કરીશું
આ અંગે ગામના સરપંચ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકોના અંદરોઅંદરના ઝઘડાને કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે .જેના કારણે અમે આ શિક્ષકોની બદલી કરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત પણ કરી છે.
આગળનો લેખ