Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિક્ષક દિન વિશેષ : ખુલ્લી છતનો તપસ્વી શિક્ષક, ૨૦ વર્ષથી બાળકોને અલગ-અલગ ભાષાનું આપે છે શિક્ષણ

શિક્ષક દિન વિશેષ : ખુલ્લી છતનો તપસ્વી શિક્ષક, ૨૦ વર્ષથી બાળકોને અલગ-અલગ ભાષાનું આપે છે શિક્ષણ
, સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (11:09 IST)
નીતિનકુમાર પ્રજાપતિ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી બાળકોને અલગ-અલગ ભાષાનું પણ અપાય છે શિક્ષણ
 
"'શિક્ષક કભી સાધારણ નહીં હોતા'' ઉક્તિને સાર્થક કરતા આણંદ તાલુકાના ચિખોદરા ગામના શિક્ષક  નીતિનકુમાર પ્રજાપતિએ ગરીબ-ઝુંપડપટ્ટીના બાળકોને અક્ષરજ્ઞાન પીરસવાની સાથે દિવ્યાંગ બાળકોને પણ શિક્ષિત કરવા સાથે દેવોની લીપી ગણાતી સંસ્કૃત ભાષા અંગે બાળકોને ભાથુ પીરસવાનું બીડું ઝડપ્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી નિઃશુલ્ક પણે કોઈપણ સ્વાર્થ વિના કોઈ દાન કે ભેટ સ્વીકાર કરતા નથી. જો કોઈ દાતા મળે તો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ પણ સીધી બાળકોના હાથમાં અપાવી દે છે. શિક્ષણના પવિત્ર વ્યવસાયને છાજે એ રીતે ગરીબ બાળકોને શિક્ષિત કરતા આ શિક્ષણ યોગી નીતિનકુમારને  શિક્ષક દિને યાદ કરવા ખપે. 
 
મૂળ ગાંધીનગરના વાગોસણાના વતની અને હાલ આણંદ નજીક ચિખોદરા ખાતે રહેતા નિતીનકુમાર આત્મારામ પ્રજાપતિ ખરેખર શિક્ષણના વ્યવસાયને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.અંગ્રેજી વિષય સાથે બી.એ. થયેલ નીતિનકુમાર પ્રજાપતિએ અભ્યાસ કર્યા બાદ ડીપ્લોમાં ટીઈએફએલનો કોર્ષ કર્યો છે અને હાલ આણંદ ખાતે ગ્લોબલ લેંગ્વેજ સેન્ટર અંગ્રેજીનું ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. જો કે છેલ્લા ૨૦ વર્ષથી તેઓ પોતાની અનુકુળતા મુજબ ગરીબ તથા ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ બાળકોને અંગ્રેજી વિષયનું નિઃશુલ્ક જ્ઞાન પીરસી રહ્યા છે.
 
પિતા આત્મારામ પ્રજાપતિ નિવૃત્ત શિક્ષક હતા અને નિવૃત્તિના સમયે પિતાએ આપેલ શીખ મુજબ નીતિનકુમારે ગરીબ બાળકોને શિક્ષિત કરવાનું બીડું ઉપાડયું છે. શિક્ષણના ભેખધારી નીતિનકુમારે સમાજમાં છેવાડાના અને પછાત વિસ્તારોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણની સેવા આપી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. અંગ્રેજીની સાથે સાથે હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ શીખવાડવાના પોતાના વ્યવસાયિક કાર્યોની સાથે સાથે તેઓ માનવ અને સમાજ સેવાને પણ વરેલા છે.
 
પછાત ગ્રામ્ય વિસ્તાર અને ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી આવા બાળકો માટે તેઓ વિવિધ વિસ્તારોમાં આધુનિક શાળાઓની ભૌતિક સુવિધાઓ વિના પ્રાકૃતિક વાતાવરણમાં ઓપન સ્કુલ ચલાવે છે.તેમજ નાની-મોટી સંસ્થાઓમાં તેમની અનુકૂળતા મુજબ સેવા આપતા રહ્યા છે અને આર્યુવેદિક કેમ્પનું પણ આયોજન કરે છે. તેમની ઉચ્ચ સેવાની કદર કરી ઘણી બધી સંસ્થાઓએ પ્રમાણપત્ર આપી નવાજ્યા છે. મહિનાના દર રવિવારે એક-એક કલાક માટે શહેરના અલગ-અલગ ચાર વિસ્તારમાં તેઓ બાળકોને શિક્ષણ થકી શિક્ષણ યજ્ઞમાં જોડે છે.
 
શિક્ષકે પ્રજ્ઞાચક્ષુ છાત્રો માટે ફ્લેશ કાર્ડ પણ બનાવ્યા છે. શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચિ વધારવા માટે ભાર વિનાનું ભણતર અને ગમ્મત સાથે જ્ઞાન ની અનોખી સર્જનાત્મકતા ધરાવતા નીતિનકુમારે શિક્ષણ પધ્ધતિમાં નવતર પ્રયોગો હાથ ધર્યા છે. બાળકો સહજ રીતે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાનું અક્ષરજ્ઞાન મેળવી શકે તે માટે ૩૫૧ પેજમાં હાથથી ૧૦૦૮ આકૃતિઓ તૈયાર કરી છે. સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ બાળકો વિવિધ ભાષાઓ શીખી શકે તે માટે બ્રેઈલ લીપીની મદદથી ફલેશ કાર્ડસ અને ડ્રોઈંગ બનાવ્યા છે અને તેના માધ્યમથી મંદબુધ્ધિના બાળકોને સરળતાથી અક્ષરજ્ઞાન મળી રહે છે. આવનાર સમયમાં અલગ-અલગ  ભાષાઓ શીખી શકાય તેની ઉપર કામ કરશે તેમ નીતિનભાઈ પ્રજાપતિએ માહિતી ખાતાની ટીમને એક મુલાકાતમાં જણાવ્યું હતું.
 
આજની મુલાકાતમાં નીતિનભાઈ પ્રજાપતિએ વધુમાં ઉમેર્યુ હતું કે સવારના સમયે ૧૦-૩૦ થી ૧૨-૩૦ સુધી સવારના બે કલાક પાતોડપુરા હાડગુડ તાબે અને ચિખોદરા ખાતે, ત્યારબાદ  બપોર પછી ગણેશ બ્રીજ પાસે અને ગામડી ખાતે સાંજે ૪-૦૦ થી ૭-૦૦ ના સમય દરમિયાન બાળકોને ભણાવી રહ્યા છે. 
 
હાલ ચોમાસા દરમિયાન તેઓ અઠવાડીયામાં એક દિવસ દર શનિવારે ભણાવે છે, જ્યારે ઉનાળા દરમિયાન શનિ અને રવિવારે બે દિવસ ભણાવે છે. હાલમાં તેમની પાસે ધોરણ ૧ થી ૭ સુધીના ૩૨૫ જેટલા ભૂલકાઓ ભણવા માટે આવે છે. આ ભૂલકાઓ ખેત મજૂર અથવા છૂટક મજૂરી કરતા લોકોના બાળકો ભણવા માટે આવે છે તેમ તેમણે જણાવ્યું હતં.
 
નીતિનભાઈ પ્રજાપતિ તેમની સાથે બ્લેકબોર્ડ, અલ્પાહાર બધું જ પોતાની સાયકલ પર લઈને જાય છે. તેમણે જાતે જે સાયકલ બનાવી છે તે પેન્ડલ થી પણ ચાલે છે અને બેટરીથી પણ ચાલે છે. આ સાયકલને એક વખત ચાર્જ કર્યા પછી ૨૫ કિલોમીટર સુધી ચાલે છે. ચાર્જિંગ નો ખર્ચ માત્ર રૂપિયા ચાર થી પાંચ જ આવે છે. શ્રી નીતિનભાઈ પ્રજાપતિ તેમની પાસે ભણવા આવતા બાળકોને પોતાના ખર્ચે અલ્પાહાર પણ આપે છે. આમ, તેમના આ લાંબા ૨૦ વર્ષના જ્ઞાનયજ્ઞ દરમિયાન ઘણી સંસ્થાઓએ તેમના આ કામની કદર કરીને તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કર્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ અબ લૌટ ચલે...સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ શરૂ થતાં જ ૭૫ છાત્રો ખાનગી શાળા છોડી ફરી દાખલ થયા