સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ વડોદરામાં ફતેપુરામાં રામનવમીની યાત્રામાં પથ્થરમારો કરવાના કેસમાં ઓછામાં ઓછા 22 લોકોને પકડવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે રામનવમીની યાત્રા નીકળી હતી તેમાં પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
વડોદરામાં આ જ દિવસે કુંભારવાડા વિસ્તારમાં એક બીજી યાત્રામાં પણ પથ્થરમારો કરાયો હતો. આમ ફતેપુરામાં થયેલી પથ્થરમારાની એ બીજી ઘટના છે.
વડોદરા શહેરના જૉઇન્ટ કમિશનર મનોજ નિનામાએ કહ્યું, “વિસ્તારમાં કૉમ્બિંગ ચાલુ છે. 200 પોલીસકર્મી ખડકી દેવાયા છે. અત્યાર સુધી 22ને કેસમાં પકડવામાં આવ્યા છે.”
મીડિયા સાથેની વાતચીતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું,“રામનવમીની યાત્રામાં પથ્થરમારો કરાયો હતો.15-17 લોકોને પડક્યા છે. સીસીટીવીની મદદથી આરોપીઓની ઓળખ થઈ છે. વડોદરા વધારાની ફૉર્સ મોકલવામાં આવી છે. પથ્થરમારો કરાનારાઓ સામે કડક પગલાં લેવાશે.”
વડોદરા શહેરના પોલીસ કમિશનર શમશેરસિંહે કહ્યું, “કેટલાંક અસામાજિક તત્ત્વોએ રામનવમીની યાત્રામાં પથ્થરમારો કર્યો હતો પણ પોલીસે કાર્યવાહી કરી છે. તમામ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે.”
વડોદરામાં ‘રામનવમી શોભાયાત્રા’ સમયે પથ્થરમારાની ઘટનાઓ બની હતી.