નાણાબંધીની અસર હજુ બજાર પર વર્તાઇ રહી છે. અમદાવાદ શહેરમાં હીરાબજારમાં ૭૦ ટકા કારખાનાઓ હજુ પણ બંધ અવસ્થામાં છે. ૫૦ હજાર હીરાની ઘંટીઓમાંથી માત્ર ૧૦ હજાર જેટલી જ ઘંટીઓમાં કામ ચાલી રહ્યું છે. મોટાભાગે કમિશન બેઝ પર ચાલતા આ કારખાનાઓમાં સુરત અને મુંબઇથી પેમેન્ટ ચેકથી આવતા હોય છે. તેમાંય ૨૪ હજારની ઉપાડ મર્યાદા વચ્ચે કારીગરોને પગાર કરવાના પણ ફાંફા થઇ ગયા છે. જેને પગલે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાંથી આવેલા રત્નકલાકારો વતનમાં પરત ફરી ગયા છે.
અમદાવાદમાં ૫૦ હજાર કારખાનાઓમાં ૨ લાખ રત્નકલાકોરો રોજીરોટી મેળવતા હતા. તેમાંય દિવાળી બાદ મંદી અને નાણાબંધીની અસરોને કારણે આ ઉધોગ હાલમાં મરણપથારીએ પડી ગયો છે. ઉત્પાદન ૭૦ ટકા જેટલું ઘટી ગયું છે. શહેરમાં ૪૦ હજાર જેટલા હીરાના કારખાનાઓ બંધ પડયા છે.
આ અંગે વિવેકાનંદ ડાયમંડ એશોશિયેશનના પ્રમુખ નરસિંહ પટેલના જણાવ્યા મુજબ કેશલેસ સિસ્ટમ તરફ લઇ જવાના સરકારના અભિગમ અને તેમાંય અપુરતી તૈયારીઓના કારણે હાલમાં અમદાવાદમાં ૨ લાખ કારીગરોમાંથી માત્ર ૩૩ હજાર જેટલા જ કારીગરોના બેન્કમાં ખાતાઓ ખૂલી શક્યા છે. હાથ પર કેશ ન હોવાના કારણે ખાતા વગરના કારીગરોના પગાર કરવાની સમસ્યા સર્જાઇ છે. વળી ૨૪ હજારની ઉપાડ મર્યાદાના કારણે પણ બેન્કોમાંથી રોકડ ઉપાડીને પગાર કરવાનું શક્ય નથી.
કેશલેસ સિસ્ટમ માટેના તાલીમ વર્ગો યોજાયા તેમ છતાંય બેન્કો એક માસમાં માત્ર ૧૦૦થી ૧૫૦ જ ખાતાઓ ખોલે છે. આ અંગે રજૂઆત બાદ બેન્કોના મેનજરો જણાવી રહ્યા છે કે બેન્કો રૃટીન કામ પહેલા કરશે અને ખાતાઓ બાદમાં ખોલશે. જેને લઇને પગાર કરવાની ગંભીર સમસ્યા સર્જાઇ છે.
હીરાઉધોગ થકી રાજ્યમાં ૧૫ લાખ રત્નકલાકારો રોજીરોટી મેળવી રહ્યા છે. તેમ છતાંય તેને ગૃહઉધોગનો દરજ્જો અપાયો નથી. આગામી બજેટમાં આ માંગ સંતોષવાની માંગ ઉઠવા પામી છે. હીરાના કારખાનાઓમાં ઇલેક્ટ્રીસીટીમાં ૨૨ ટકા સરચાર્જ માફ કરવા અને રત્નકલાકારોને અકસ્માત સહીતના વીમા યોજનાના લાભો આપવાની પણ માંગ ઉઠી છે.
૨૦૦૮માં રાજ્ય સરકારે હીરા ઉધોગ માટે ૧,૨૦૦ કરોડની કૌશલ્ય યોજનાની જાહેરાત કરી હતી તે પણ હાલમાં કાગળ પર જ રહી જવા પામી છે. અમદાવાદમાં સરકાર માન્ય ટ્રેનિંગ સેન્ટરો પણ બંધ કરી દેવાયા છે. આગામી સમયમાં રત્નકલાકારો આંદોલન કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારાઇ રહી છે.