સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ગુજરાતમાં સુરત નજીક સચીન જીઆઈડીસી પાસે પાલી ગામે રહસ્યમય સંજોગોમાં ત્રણ છોકરીઓનાં મૃત્યુ થયાં છે.
સુરત સિવિલ હૉસ્પિટલના રેસિડન્ટ મેડિકલ ઑફિસર (આરએમઓ) કેતન નાયકે મીડિયાને જણાવ્યા મુજબ શનિવારે આ ઘટના બની હતી, જેમાં બાળકોના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
દુર્ગાકુમારી મહંતો (12 વર્ષ), અમિતા મહંતો (14 વર્ષ) અને અનિતાકુમારી મહંતો (8 વર્ષ) નામની બાળકીઓ આ ઘટનામાં મૃત્યુ પામી છે.
કેતન નાયકના જણાવ્યા મુજબ બે છોકરીઓ મૃત્યુ પામી પછી તેમને એક ખાનગી હૉસ્પિટલે લઈ જવાઈ હતી. જ્યારે એક છોકરીને ગંભીર સ્થિતિમાં સિવિલ હૉસ્પિટલે લાવવામાં આવી હતી. તેને બચાવવાના પ્રયાસ કરવા છતાં જીવ બચાવી શકાયો ન હતો.
રેસિડન્ટ મેડિકલ ઑફિસરે કહ્યું કે મૃતક બાળકોના સ્વજનો અલગઅલગ કારણો જણાવી રહ્યાં છે. કેટલાકનું કહેવું છે કે છોકરીઓએ આઈસ્ક્રીમ ખાધાં પછી મૃત્યુ પામી હતી. જ્યારે કેટલાક કહે છે કે છોકરીઓ રમતી હતી ત્યાં આગ લાગી હતી અને ધુમાડો શ્વાસમાં જવાથી તેમનાં મૃત્યુ થયાં છે.
તેમણે કહ્યું કે મૃતકોના પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે અને ત્યાર પછી જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે, "પોલીસ આ ઘટનાની તપાસ કરે છે. જો ફૂડ પૉઇઝનિંગના કારણે બાળકોનાં મોત થયાં હશે તો તે વિસ્તારમાં બીજા લોકોને પણ અસર થઈ હોવી જોઈએ. પરંતુ વાસ્તવિક કારણ ફૂડ પૉઇઝનિંગ પછી જાણી શકાશે."