રાજ્યમાં નબીરાઓ દ્વારા અકસ્માતની ઘટના સતત બની રહી છે. અમદાવાદ ઈસ્કોન બ્રિજ ઘટના બાદ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમા આજે સુરતમાં ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવીને બાઈક ચાલક અને રાહદારીને અડફેટે લીધા છે. કારની અડફેટે આવતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
સુરતના કાપોદ્રામાં ગત રાત્રે નબીરાએ મુદ્રા સોસાયટી પાસે પુરપાટ કાર હંકારીને ત્રણ બાઈક સવાર અને 2 રાહતદરીને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક 20 ફૂટ સુધી ઢસડ્યા હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર સવાર સાજન ઉર્ફે સન્ની પટેલે પુરપાટ ઝડપે કાર ચાલવીને અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં વિવેક, કિશન હીરપરા, ઋષિત અને યશ નામના યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. કારચાલક નશામાં હોવાની શંકા થઈ હતી તેમજ લોકોએ તેને મેથી પાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યો હતો. આરોપીએ BRTS રૂટમાં પુરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો.લોકોના જણાવ્યા પ્રમાણે કારચાલક દારૂના નશામાં હતો. જેથી લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કારચાલકને માર માર્યો હતો. કાપોદ્રા પીઆઇ એમ.બી. વાછાણીએ જણાવ્યું હતું કે, કારચાલક દારૂના નશામાં હોવા અંગે સ્મીમેર હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ ચાલી રહી છે. વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.એક ઈજાગ્રસ્ત કિશન હીરપરાના પિતા અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, મારો દીકરો કિશન એટીએમમાંથી રૂપિયા ઉપાડી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે આ કારચાલકે અડફેટે લીધો હતો. આ કારચાલક દારૂના નશામાં હતો. હાલ મારા દીકરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ત્રણ જેટલાં ઓપરેશન આવે એમ છે. તેના હાથમાં ઇજા થઇ છે. જ્યારે એક પગ ભાંગી ગયો છે. તેની સાથે રહેલા યશ ઘેવરિયાને પણ ઇજા પહોંચી છે.