Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

73 જળાશયોમાં પાણીનો જથ્થો આરક્ષીત રખાશે, વધારાનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે

Sujalam Suflam Water Reservoir Campaign
ગાંધીનગરઃ , ગુરુવાર, 1 જૂન 2023 (06:26 IST)
Sujalam Suflam Water Reservoir Campaign
અગાઉના પાંચ તબક્કામાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74510 કામો પૂર્ણ થયા
 
રાજ્યના 33 જિલ્લાઓમાં 26981 તળાવો ઉંડા કરવામાં આવ્યા 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું છઠ્ઠુ ચરણ આજે 31 મે ના રોજ પૂર્ણ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર થી શરૂ થયેલ આ અભિયાનમાં કુલ 24,153 કામોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 104 દિવસના અંતે તા. 31 મી મે સુધીમાં 23,860 કાર્યો પૂર્ણ થયા છે. 104 દિવસના આ મહાઅભિયાન કુલ 12,70,000 જેટલા માનવદિનની રોજગારી મળી છે.
 
વધારાનું પાણી ખેડૂતોની માંગણી આધારીત અપાશે
રાજ્ય સરકાર અને સેવાકીય સંસ્થાઓની સહભાગીદારિતા હેઠળની ચેકડેમ રીપેરીંગ 80:20ની યોજના હેઠળ કુલ 161 ચેકડેમના કામો પ્રગતિ હેઠળ છે જે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. તેમણે વધુમાં કહ્યું કે 31-5-2023 પછી નવા કોઇપણ ચેકડેમ રીપેરીંગના કામો શરૂ કરવામાં આવશે નહીં. રાજ્યના નર્મદા યોજના સિવાયના મહત્વના 206 જળાશયોમાં તા. 26-5-2023 સુધીમાં આશરે 2 લાખ મિલીયન ઘનફુટ ઉપરાંત જથ્થો સંગ્રહિત થયો છે. જે પૈકી પીવાના પાણીનો વપરાશ ધરાવતા 73 જળાશયોમાં 31 મી મે સુધીમાં 10,500 મિલીયન ઘનફુટ પાણીનો જથ્થો આરક્ષીત રાખ્યા બાદ જળાશયનું વધારાનું પાણી ખેડૂતોની માંગણી આધારીત પ્રિ-ખરીફ સિંચાઇ માટે આપવામાં આવશે.
 
જળસંગ્રહ માટેના 74510 કામો પૂર્ણ થયા 
અગાઉના પાંચ તબક્કામાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74510 કામો પૂર્ણ થયા છે. જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં 86199 લાખ ઘનફુટ વધારો થયો હતો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26981 તળાવો ઉંડા કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના 3 સીનિયર IPS અધિકારીઓની બદલી, અમદાવાદ સેન્ટ્રલ જેલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે શ્વેતા શ્રીમાળી