છેલ્લા કેટલાક વર્ષોથી એસટી નિગમ દ્વારા એસટી બસ બનાવવા માટેનો કોન્ટ્રાકટ ખાનગી કંપનીઓને આપી દેવામાં આવતો હતો. જો કે ખાનગી કંપની દ્વારા તૈયાર કરાયેલી બસોની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા હતા. કરોડોનો કોન્ટ્રાક્ટ આપ્યા પછી પણ આવી બસોને કારણે મુસાફરોને સલામતની ગેરંટી મળતી નથી, ત્યારે એસટી નિગમે પોતાના જ વર્કશોપમાં નવી બસ બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. નવી બસો સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. નવી બનનારી બસોમાં બેટરી બૉક્સ, મેઇન વાયરીંગ, રીયર ડેકી, રૂફ સ્ટીક ડિઝાઈન, ગસેટ, વિન્ડો, વિન્ડ સ્ક્રીન ગ્લાસ ફ્રેમ માઉન્ટીંગ, સ્ટ્રક્ચર માઉન્ટીંગ, મેઈન્ટેનસ સર્વિસ કટ આઉટ, ટૂલ બોક્સ, અપર સાઈડ પેનલીંગ, ફ્રન્ટ અને રિયર શો, સીટીંગ એરજમેન્ટ વગેરેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
એસટી બસમાં આગ ના લાગે તે માટે કંડક્ટરની બાજુમાં એક અલગ બૉક્સ બનાવવામાં આવ્યું છે. તો શૉટ શર્કિટની સમસ્યાને પહોંચી વળવા માટે ચેસિસ સાથે ક્લેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસ સેન્ટ્રલ મોટર વ્હિકલનાં નિયમ પ્રમાણે તૈયાર કરવામાં આવશે. તો આ નવી બસો બનાવવાનો ખર્ચો પણ ઓછો થશે. કૉન્ટ્રાક્ટ કંપની પાસે એક બસ બનાવવાનો ખર્ચ 21 લાખ 30 હજાર થતો હતો, જ્યારે આ નવી બસ 20 લાખ રૂપિયામાં તૈયાર કરાશે. વર્કશૉપમાં 15થી 17 દિવસની અંદર એક બસ તૈયાર થાય છે. જૂન મહિનાનાં અંત સુધીમાં 125 બસ રોડ પર દોડતી કરવામાં આવશે.