ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો સહિત સબંધિત સરકારી વિભાગોને આપવામાં આવેલા આદેશમાં એસડીઆરએફ (સ્ટેટ ડિઝસ્ટર રિસ્પોન્સ ફંડ)માંથી સહાય આપવાનું ઠરાવ્યું છે. આદેશની સાથે એક ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું હતું. આ તરફ ગાંધીનગર શહેરી વિસ્તારના કુલ 61 કોરોના સહાય લાભાર્થીઓના નામની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. ઉલ્લખનીય છે કે સુપ્રીમકોર્ટે અગાઉ કોરોના સહાયની પ્રક્રિયાને જટિલ બનાવવા મુદ્દે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકાર દ્વારા સહાય માટેની અરજીઓની ચકાસણી માટે સ્ક્રૂટિની કમિટિની રચના કરવામાં આવી હતી. આ મુદ્દે સુપ્રીમકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. એ પછી રાજ્ય સરકારે સ્ક્રૂટિની કમિટિની રચનાનો આદેશ રદ કર્યો હતો. સહાય માટે જારી કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.