આ છે ગુજરાતનો વિકાસ, ગર્ભવતી મહિલાની ઉંચકીને 4 કિ.મી દૂર ચાલીને લઈ જવી પડી
, મંગળવાર, 4 એપ્રિલ 2017 (12:01 IST)
રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામોમાં પ્રાથમિક સુવિધાઓ માટે જુદી જુદી ગ્રાન્ટ ફાળવે છે પરંતુ અમીરગઢના ખાટીચીતરા અને ઉપલાખાપા ગામ અને આસપાસના વિસ્તારમાં રહેતા પરિવારોની કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે તેને સારવાર માટે લઈ જવા વાહન તો ઠીક રસ્તાની પણ સુવિધા મળતી નથી. પ્રસૂતા મહિલાને કપડામાં લાકડાનું ઘોડિયું બનાવીને ૪ કિ.મી.સુધી પરિવારના સભ્યો ઊંચકીને જ લાવે છે, ત્યારબાદ કોઈ વાહન મળી જાય તો સમયસર દવાખાને પહોંચાડવામાં આવે છે.
તાજેતરમાં જ ઉપલાખાપાની કમલીબહેન નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા દવાખાને લઈ જવાની ફરજ પડી હતી પરંતુ સુવિધાના અભાવે પરિવારજનોએ કપડામાં લાકડાનું ઘોડિયું બનાવીને ઊંચકીને ચાર કિ.મી.નું અંતર કાપવું પડયું હતંુ અને મેઈન રોડ પર લાવ્યા બાદ દવાખાને ખસેડવામાં આવી હતી. ઘણીવાર બીમારી વખતે લોકોને આ રીતે જ કિલોમીટરો સુધી ઊંચકીને જ સારવાર અર્થે લઈ જવાની ફરજ પડે છે. અમીરગઢ તાલુકામાં હજુ પણ એવા કેટલાક વિસ્તારો છે, જ્યાં લોકો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. અહીં કોઈ નેતા કે સેવકો સારસંભાળ કે ખબર-અંતર પૂછવા માટે પણ ફરકતા નથી. આ વિસ્તારના લોકોને સમયસર સારવાર ન મળવાને કારણે જીવ ખોવાનો વારો આવે છે. આ તાલુકાના ખાટીચીતરા અને ઉપલાખાપા ગામ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માત્ર વાયદા સમાન છે. કિલોમીટરો સુધી રસ્તાની કે વાહનની વ્યવસ્થા નથી.
આગળનો લેખ