Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીજા ધોરણ સુધી ભણેલા કચ્છના ખમીરવંતા અને આત્મનિર્ભર નારી ગોમતીબેન આહિર, ૪૦૦ મહિલાઓને આપે છે રોજગારી

self-sufficient women of Kutch
, શનિવાર, 11 માર્ચ 2023 (12:45 IST)
કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે વાત કરવી છે એવી એક ખમીરવંત અને આત્મનિર્ભર કચ્છી નારીની કે જેમણે કચ્છી એમ્બ્રોઈડરીની વિવિધ વસ્તુની બનાવટનો બિઝનેસ શરૂ કરી ૪૦૦ મહિલાને રોજગારી આપી પગભર બનાવી છે. બે ધોરણ સુધી ભણેલા ગોમતીબેને કોઠાસૂઝથી સ્વરોજગાર શરૂ કર્યો અને આજે તેમની કચ્છી એમ્બ્રોઈડરી કલાના વિદેશમાં પણ ચાહકો છે. તેમના દ્વારા હાથવણાટથી બનાવેલા કુર્તો, ચણિયા ચોલી, વોલપીસ, કુશન કવર, રજાઈ, પર્સ, પીલો કવર સહિતની ચીજોના દેશ-વિદેશમાંથી ઓર્ડરો મળી રહ્યા છે. 
 
સુરત શહેરના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે આયોજિત સરસ મેળામાં કચ્છી એમ્બ્રોઈડરી વર્કથી બનેલી વસ્તુઓના વેચાણ માટે સુરત આવેલા ગોમતીબેન આહિર હસ્તકલાથી શિક્ષિત કે નોકરિયાત વર્ગ કરતા પણ વધુ કમાણી કરે છે. તેઓ અનેક ચીજ વસ્તુ બનાવી કચ્છ જિલ્લાના છેવાડાના ભુજ તાલુકાના જિકડી ગામમાં રહેતા ગોમતીબેન આહિર આજથી ૧૫ વર્ષ પહેલા તેમના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયા હતા. પછાત વિસ્તારમાં વર્ષો પહેલા મહિલાઓને શિક્ષણ માટે કોઈ પ્રોત્સાહન મળતું ન હતું. જેથી ગોમતીબહેન શિક્ષણથી વંચિત રહ્યા હતા. તેઓ પછાત વિસ્તારમાં રહેતા હોવા છતાં કઈક કરી છૂટવાની અને સ્વરોજગારી મેળવવાની નેમ સાથે તેમણે હાથવણાટનું કચ્છી એમ્બ્રોઈડરીનું કામ શરૂ કર્યું અને તેના થકી સારી એવી રોજગારી મળવાની શરૂ થઈ હતી. 
 
ગોમતીબેન કહે છે કે, કચ્છી ભરતકામમાં મારા જેવી અન્ય મહિલાઓ પણ રોજગારી મેળવી પગભર બને તે માટે આજુબાજુના ગામની ૪૦૦ મહિલાઓને પણ કચ્છી એમ્બ્રોઈડરી કલાકારીગરી સાથે જોડી તેમને આ હસ્તકલા શીખવાડી છે. આજે તેઓ સ્વરોજગાર થકી મહિને અંદાજે રૂ.૬ થી ૭ હજાર રોજગારી મેળવતી થઈ છે. હાથવણાટ દ્વારા રંગબેરંગી દોરાઓથી કાપડ પર સુંદર કલા કારીગરીની દેશમાં જ નહીં, પણ પરદેશમાં પણ કદર થવા લાગી છે તેનો આનંદ છે. દેશવિદેશથી આવતા પ્રવાસીઓ કચ્છી એમ્બ્રોઈડરીમાંથી બનાવેલી વસ્તુની ખરીદી કરવા ગામમાં આવે છે. 
 
ગોમતીબહેન કહે છે કે, મેં ૧૦ મહિલાઓ સાથે વ્યવસાયની શરૂઆત કરી હતી. અનેક મુશ્કેલીઓ આવી છતાં હાર્યા વગર આગળ વધ્યા. ધીમે ધીમે અન્ય જરૂરિયાતમંદ મહિલાઓ પણ અમારી સાથે જોડાતી ગઈ અને કુલ આંકડો વધીને ૪૦૦ મહિલાઓ સુધી પહોંચ્યો. રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ મહિલા સ્વસહાય જુથોના ઉત્થાન માટે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ અંતર્ગત યોજાતા વિવિધ મેળાઓ, એક્ઝિબિશનોમાં સ્ટોલ ફાળવણી અને જરૂરી સહાય કરી પ્રોત્સાહન આપવામાં આવે છે. આમ, ગોમતીબેન ભણતરના સ્થાને ગણતરથી પ્રગતિ કરી મહિલાઓને પ્રેરણા આપી રહ્યા છે. તેઓ ભલે શિક્ષિત નથી, પરંતુ તેમની કલા બોલે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

OYO ફાઉંડર રિતેશ અગ્રવાલના પિતાનું 20મા માળેથી પડી જતાં મોત, પુત્રના લગ્ન આ અઠવાડિયે જ થયા હતા