અમદાવાદમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરુ,વિદ્યાર્થીઓ એ કહ્યું,ઘરે ભણવા કરતાં શાળામાં મજા આવશે
બાળકોને માસ્ક, સેનીટાઈઝર, ઓક્સીમીટર, થર્મલ ગન દ્વારા ચેકીંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો
સંમિત ના મળી હોય તેવા બાળકોનું ઓનલાઈન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ જ રાખવામાં આવ્યું
રાજ્યમાં 2020ના માર્ચ મહિનાથી વકરેલા કોરોનાને કારણે માર્ચ 2020થી સ્કૂલો કોલેજ બંધ હતા પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતા તબક્કાવાર સ્કૂલ અને કોલેજ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આજે 11 મહિનાના સમય બાદ પ્રાથમિક સ્કૂલોમાં વર્ગ 6થી 8 માટે પણ સરકાર દ્વારા પરવાનગી મળતા બાળકો સ્કૂલમાં આવ્યા હતા.આજે બાળકોને માસ્ક, સેનીટાઈઝર, ઓક્સીમીટર, થર્મલ ગન દ્વારા ચેકીંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે છેલ્લા 11 મહિનાથી ઘરે ઓનલાઈન ભણતાં હતાં પણ હવે સ્કૂલો શરુ થતાં સ્કૂલમાં ભણવાની મજા આવશે અને મિત્રો સાથે મળીને મજા કરીશું.
ઓનલાઈન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ છે
રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળા કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં અગાઉ વર્ગ 10 અને 12 ને મંજૂરી મળી હતી બાદમાં 9 અને 11 ને મળી અને હવે પ્રાથમિક વિભાગના 6થી 8ના વર્ગોને પણ મંજૂરી આપવામાં આવી છે.બાળકો સ્કૂલે આવે તે ફરજીયાત નથી માટે વાલીઓની સંમિત પણ લેવી ફરજીયાત કરવામાં આવી છે.વાલીની સંમતિ માટે વાલીઓને ફોર્મ પણ આપવામાં આવ્યું હતું. જે ફોર્મ ભરીને વાલી આપે તેમના જ બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.સંમિત ના મળી હોય તેવા બાળકોનું ઓનલાઈન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ જ રાખવામાં આવ્યું છે.
બાળકના આરોગ્ય અંગે શંકા જાય તો તેના વાલીને જાણ કરાશે
અમદાવાદના શાહીબાગમાં આવેલ સેક્રેડ હાર્ટ નામની સ્કૂલમાં આજથી ધોરણ 6 થી 8 ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક વિભાગના બાળકો આવવાના હોવાથી સવારથી સ્કૂલ તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.બાળકો માટે માસ્ક, હાથના મોજા, સેનીટાઈઝર, થર્મલ ગન સહિતની સુવિધાઓ તૈયાર કરવામાં આવી હતી. બાળકો સ્કૂલમાં આવતા જ સૌ પ્રથમ થર્મલ ગનથી ટેમ્પ્રેચર ચેક કરવામાં આવ્યું હતું, બાદમાં હાથ સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા,ઓકસીજન લેવલ ચેક કરવામાં આવ્યું હતું અને બાદમાં ક્લાસ રૂમમાં મોકલવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા રોજ કરવામાં આવશે અને આ પ્રક્રિયામાં બાળકના આરોગ્ય અંગે થોડી પણ શંકા જાય તો તેના વાલીને જાણ કરીને તેને પરત મોકલવામાં આવશે.
40 ની કેપેસીટી વાળા ક્લાસમાં 10 જ બાળકોને બેસાડવામાં આવ્યા
સ્કૂલના પ્રિન્સિપાલ સિમર ચાવલાના જણાવ્યા અનુસાર સ્કૂલમાં 6 થી 8ના બાળકોને આજથી અલગ અલગ કુલ 40 ની કેપેસીટી વાળા ક્લાસમાં 10 જ બાળકોને બેસાડવામાં આવ્યા છે.ઉપરાંત બાળકોને હાથના મોજા અને માસ્ક પણ ફરજીયાત પહેરાવવામાં આવે છે. બાળકોને ભણાવવા આવતા શિક્ષક પણ હાથના મોજા અને માસ્ક પહેરે તેનું ધ્યાન રાખવામાં આવે છે. બાળકો જે વસ્તુ પોતાની સાથે લાવે તેની પણ નોંધણી કરવામાં આવે છે. પાણીની બોટલ પણ ઘરેથી લઈને આવે તે માટે સૂચના આપવામાં આવે છે.એક બાળક અન્ય બાળક સાથે ના બેસે અને સોશીયલ ડિસ્ટન્સ નું પૂરું પાલન કરે તેની તકેદારી રાખવામાં આવે છે.
મોટા ભાગની સ્કૂલોમાં હજુ સંમિત પાત્ર આવવાના ચાલુ જ છે
માધ્યમિક વિભાગના બાળકો થોડાક સમજદાર હોય છે પરંતુ પ્રાથમિક વર્ગના બાળકો નાદાન હોય છે જેથી તેમને વારંવાર સમજવામાં આવે છે અને રિસેષ ટાઈમમાં પણ હાથ સેનીટાઈઝ,માસ્ક પહેરી રાખવું અને એક બીજા સાથે અંતર જાળવવાની સૂચના આપવામાં આવે છે.રોજ 10 બાળકોની બેચને જ બોલાવવામાં આવે છે જેથી અન્ય બાળકનું ભણતર ના બગડે. અન્ય સ્કૂલોમાં તપાસ કરતા જાણવા મળ્યું કે મોટા ભાગની સ્કૂલોમાં હજુ સંમિત પાત્ર આવવાના ચાલુ જ છે માટે આગામી સોમવારથી સ્કૂલો ચાલુ થશે જ્યારે CBSE ની સ્કૂલોમાં ફેબ્રુઆરી મહિનામાં સત્ર જ પૂરું થયું હોવાથી બાળકો ઓનલાઇન જ ભણ્યા છે અને માત્ર 10-15 દિવસ જ બાકી હોવાથી સ્કૂલે આવ્યા નથી.