Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા

Saurastra earthquake
, ગુરુવાર, 16 જુલાઈ 2020 (13:07 IST)
સૌરાષ્ટ્રના ગોંડલ, રાજકોટ, જસદણ, જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી. રાજકોટમાં સવારનાં 7.38 કલાકે આશરે ત્રણથી ચાર સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. દહેશતના માર્યા લોકો ઘર તેમજ પોતાની દુકાનોની બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 18 કિલોમીટર દૂર ભાયાસર ગામે નોંધાયું છે. હજી સુધી આ ભૂકંપને કારણે કોઇ જાનહાનિ કે નુકસાની ન થઈ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. આજે વહેલી સવારે આવેલા ભૂકંપે 2001માં આવેલા ભૂકંપની દહેશતપૂર્ણ યાદ તાજી કરાવી દીધી હતી. આજથી 19 વર્ષ પહેલા 26મી જાન્યુઆરી 2001ના રોજ બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને આજે પણ વહેલી સવારે 7.38 કલાકે એક ચોક્કસ પ્રકારના ઘરેરાટીવાળા અવાજ સાથે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. બીજી તરફ જસદણમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. એ જ રીતે જૂનાગઢ, જેતપુર તથા વીરપુરમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે હજુ સુધી ક્યાંયથી પણ જાનહાનિ કે કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલા 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનાં જિલ્લા કલેક્ટરો પાસેથી ટેલિફોનીક વાતચીત કરીને મેળવી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપના આંચકાઓને કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની સૂચનાઓ કલેક્ટરોને આપી હતી.  
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રાવણમાં સુમસામ બનશે ગુજરાતના પ્રસિદ્ધ મંદિર, ભક્તો નહી કરી શકે દર્શન