Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિક્ષકો સાથે મુખ્યમંત્રીનો 'મોકળા મને' સંવાદ: કહ્યું બાયોમેટ્રિકસ હાજરી શિક્ષકોને પરેશાન કરવા માટે નહિ, નિયમીતતા લાવવાનો પ્રયાસ છે

શિક્ષકો સાથે મુખ્યમંત્રીનો 'મોકળા મને' સંવાદ: કહ્યું બાયોમેટ્રિકસ હાજરી શિક્ષકોને પરેશાન કરવા માટે નહિ, નિયમીતતા લાવવાનો પ્રયાસ છે
, શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (09:53 IST)
બાયોમેટ્રિકસ હાજરી શિક્ષકોને પરેશાન કરવા માટે નહિ, નિયમીતતા લાવવાનો પ્રયાસ છે: વિજય રૂપાણી
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને શરૂ કરેલા ‘મુખ્યમંત્રી સાથે મોકળા મને’ વાતના નવતર પ્રયોગની બીજી શૃંખલામાં શિક્ષક દિને તેમણે રાજ્ય પુરસ્કૃત શિક્ષકોને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીને સંવાદ-ગોષ્ઠિ કરી હતી. વિજય રૂપાણીએ શિક્ષકો સાથે સંવાદ સાધતા કહ્યું કે આ ટૂ-વે કોમ્યુનિકેશન છે એટલે શિક્ષકોના બહોળા અનુભવ અને કારકીર્દીના નિચોડના આધાર ઉપર ભાવિ પેઢીનું ઘડતર શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા થાય તેના મનોમંથન – વિચાર વિનિયોગ માટેનો આ પ્રયોગ છે.
webdunia
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારના અન્ય વિભાગોની કામગીરી લક્ષ્યાંક આધારિત હોય છે પરંતુ શિક્ષણ-વિભાગે તો ભાવિ પેઢીના નિર્માણનું ઉમદા કાર્ય કરવાનું છે. આપણે વિશ્વના પડકારોનો સામનો કરી શકે તેવી સામર્થ્યવાન પેઢી તૈયાર કરવી છે તે જ આપણો લક્ષ્ય હોવો જોઇએ. વિજય રૂપાણીએ રાજ્યના વિવિધ જિલ્લાના શિક્ષકોએ રજૂ કરેલા મંતવ્યોમાં ગુણવત્તાયુકત શિક્ષણ વધારવા તેમજ સેલ્ફ ફાઇનાન્સ ખાનગી શાળાઓ કરતાં સારૂં શિક્ષણ આપીને સરકારી શાળાઓમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી સ્થિતી નિર્માણ કરવાની પહેલને આવકારી હતી.
webdunia
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, શિક્ષણ સુધારણાના નાવિન્યપૂર્ણ પ્રયોગો પ્રવૃત્તિઓ શિક્ષકો જે અલગ-અલગ પધ્ધતિ કે સ્થળે કરે છે તેના એક સંકલિત પ્રેઝન્ટેશન દ્વારા શિક્ષકોની રચનાત્મકતાનો સુઆયોજિત ઉપયોગ અને પરિચય કરવાની નેમ છે. વિજય રૂપાણીએ બાયોમેટ્રિક એટેન્ડસ સહિતની ટેકનોલોજી શિક્ષકોને પરેશાન કરવા માટે નહિ પરંતુ નિયમીતતા લાવવા અને તેમની રોજિંદી કામગીરી સરળ કરવાનો સુગ્રથિત પ્રયાસ છે તેવો સ્પષ્ટ મત પણ સંવાદ દરમ્યાન વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ શિક્ષકોએ નિવૃત્ત એવોર્ડી શિક્ષકોની સેવાઓનો લાભ લેવા તથા સમયાંતરે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવા, બુનિયાદી શિક્ષણની સુવિધાઓ વધારવા સહિતના જે મંતવ્યો રજૂ કર્યા તેને મુકત મને સાંભળ્યા હતા.
 
તેમણે ઉમેર્યુ કે, સરકાર ખૂલ્લા મને શિક્ષણ સુધારણા માટેના સુચારૂ મંતવ્યો આવકારે છે. તેમણે એમ પણ કહ્યું કે, શિક્ષક સમુદાય પોતાના સૂચનો મંતવ્યો પત્ર દ્વારા મુખ્યમંત્રીને મોકલી આપશે તો યોગ્ય જણાયે તે અંગે પણ જરૂરી નિર્ણયો રાજ્ય સરકાર કરવાની દિશામાં આગળ વધશે. મુખ્યમંત્રીએ મોકળા મને વાતનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, ભાવિ પેઢીના ઘડતર અને સક્ષમ રાષ્ટ્રનિર્માણ માટે શિક્ષક સમુદાયના આ વિચારો રાજ્યને વધુ શકિતશાળી બનાવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વરસાદની બીજી ઈનિંગ શરૂ: વાપીમાં ૧૧ ઈંચ, પારડીમાં ૯ ઈંચ, ઉમરગામ-ગણદેવી-ઓલપાડમાં છ ઈંચ વરસાદ