Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડ્રગ્સ તથા અન્ય માદક પદાર્થોની બાતમી આપનારને જપ્ત પદાર્થના 20 ટકા કે 2 લાખ સુધીની મર્યાદામાં ઈનામ અપાશે

ગુજરાતમાં નાર્કો રિવોર્ડ પોલિસી અમલી

webdunia
બુધવાર, 13 ઑક્ટોબર 2021 (20:06 IST)
-રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને પેડલરોને નેસ્તનાબુદ કરવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર: મંત્રી હર્ષ સંઘવી
-રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય
 
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર બેફામ બની રહ્યો છે. તાજેતરમાં મુંદ્રા-અદાણી પોર્ટ પરથી અફઘાનિસ્તાથી તાલિબાને મોકલેલું રૂ. 21,000 કરોડની કિમતનું 3000 કિલો ડ્રગ્સ ઝડપાવાથી સમગ્ર દેશમાં ચકચાર મચ્યો હતો. સાથે મુંબઈમાં પણ બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પકડાયો છે. આ વચ્ચે ગુજરાતના યુવાધનને માદક દ્રવ્યોના નશાના ચુંગાલમાંથી બચાવવા સરકાર દ્વારા ખાસ નાર્કો રિવોર્ડ પોલિસીનો અમલ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ડ્રગ્સ તથા અન્ય માદક પદાર્થોની બાતમી આપનારને ઈનામ આપવામાં આવશે. 
 
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નશાબંધીને લગતા ગુનાઓને નેસ્તનાબુદ કરવા એ રાજ્ય સરકારની પ્રાથમિક અગ્રિમતા છે. રાજયનું યુવાધન માદક દ્રવ્યોના નશાની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવી પ્રવૃતિઓને અટકાવવા માટે પોલીસ તરફથી થતા પ્રયત્નોમાં જોડાયેલા કર્મચારી/અધિકારીશ્રીઓ તેમજ આ કેફી દ્રવ્યો અંગેની માહિતી આપનાર બાતમીદારના જોખમને ધ્યાને લેતાં તેઓને ઇનામ તરીકે આકર્ષક રકમ આપવામાં આવે તો તેઓનો ઉત્સાહ જળવાઈ રહે અને ખંતથી કામ કરે. તેમજ આ પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સરકારની યોજના સફળ થઈ શકે. તે આશયથી રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 
 
કયા આધારે વ્યક્તિને ઈનામ અપાશે?
મંત્રી સંઘવીએ આ નવી રિવોર્ડ પોલીસીની વિગતો આપતા કહ્યું કે, આ રિવોર્ડ સંપૂર્ણપણે ઇનામ તરીકે ચુકવાશે અને સક્ષમ સત્તાતંત્ર આવા રિવોર્ડને મંજુર કરી શકશે. બાતમીદારે આપેલ બાતમીના આધારે કરવામાં આવેલ જપ્તીના સંદર્ભમાં માહિતીની વિશિષ્ટતા અને ચોકસાઇ, લેવામાં આવેલ જોખમ, તકલીફો, બાતમીદારે કરેલ મદદ અને તેનું પ્રમાણ, માહિતી/બાતમી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના પદાર્થોની હેરાફેરીમાં સંકળાયેલ વ્યક્તિઓ અને ટોળકીઓની કડી આપે છે કે કેમ? વિગેરે બાબતો પણ રિવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાને લેવાની રહેશે. સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા કાર્યવાહી આવી હોય એવા કિસ્સામાં સફળ જપ્તી થઇ હોય તેવા કિસ્સાઓમાં અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા કરાયેલા ખાસ પ્રયત્નો, કામગીરીમાં લીધેલું જોખમ, કર્મચારીઓ/અધિકારીઓની સતર્કતા, દર્શાવેલી ચતુરાઈ વિગેરે ધ્યાને લેવાના રહેશે. માલિકો/આયોજકો/નાણાં પૂરાં પાડનારાઓ/કાવતરાખોરો તેમજ હેરફેર કરનારાઓની ધરપકડ થઈ છે કે કેમ? તે ધ્યાને લેવાનું રહેશે. 
 
બાતમી આપનારને કેટલા રૂપિયા ઈનામ મળશે?
મંત્રીએ ઉમેર્યુ કે, જે અધિકારી/કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગ રૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રિવોર્ડ આપવામાં આવશે નહીં. એન.ડી.પી.એસ. અધિનિયમ-1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની હાલની ગેરકાયદેસર કિંમતના 20% સુધીના રિવોર્ડને પાત્ર રહેશે. સરકારી કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રૂ.20 લાખથી વધુ નહીં એટલી કુલ રકમનો રિવોર્ડની મંજૂરી/ચુકવણી માટે પાત્ર રહેશે, એક જ કેસમાં રિવોર્ડની બાબતમાં વ્યક્તિગત કર્મચારીઓ/અધિકારીઓને કુલ રૂ. 2 લાખથી વધુ રકમનો રિવોર્ડ મંજૂર કરી શકાશે નહીં. 
 
 
તેમણે ઉમેર્યુ કે, સરકારી અધિકારીઓ/કર્મચારીઓના કેવળ નાના જૂથને જ રીવોર્ડ આપવામાં ન આવે તેની ખાતરી કરવા સરકારી અધિકારીઓ/કર્મચારીઓના વધુ મોટા જૂથને જપ્તી, તપાસ તેમજ કોર્ટ કાર્યવાહીની કામગીરીમાં કામ કરવાની તક આપવામાં આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. સરકારી અધિકારી/કર્મચારી જો બાતમીદારની ભૂમિકામાં હોય તો મળવા પાત્ર રકમના પ્રમાણમાં રિવોર્ડની રકમથી સ્વતંત્ર રિવોર્ડ રકમ મેળવવા હકદાર રહેશે.
 
મંત્રી સંઘવીએ રાજ્યના યુવા ધનને આવા કેફી પદાર્થોના નશાથી દૂર રહેવા અપિલ કરતા કહ્યું કે, અત્યારના યુગમાં આ કેફી પદાર્થ આપને પેશન લાગશે, પરંતુ કાયમી ધોરણે જીવનભર દાગ લાગશે એટલું જ નહીં શરીરને નુકસાન પહોંચાડે છે. ત્યારે આપ સૌએ આવા પદાર્થોથી દૂર રહેવું અને આપને આપના વિસ્તારમાં જ્યાંય પણ આવા કેફી પદાર્થોનું વેચાણ થતું હોય તો સ્થાનિક પોલીસ તંત્ર, પોલીસ અધિક્ષકશ્રી કે મારી કચેરીએ જાણ કરવા વિનંતી તેમણે કરી હતી.

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબિયત બગડી, AIIMSમાં દાખલ કરાયા