ટેક્નોલોજીના પ્રસાર સાથે ટેક્નોલોજી સંબંધિત પ્રગતિમાં વધારો થયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે વિવિધ ડોમેન્સમાં વધુ વ્યાપક બની ગયું છે. આજના વિશ્વમાં, AI નો ઉપયોગ રચનાત્મક અને હાનિકારક બંને હેતુઓ માટે કરવામાં આવે છે. દેશના વડાપ્રધાને પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને લોકોને જાગ્રત રહેવાની અપીલ કરી છે.
સુરત પોલીસે લોકોના આનો ઉપયોગ કરીને બેસ્ટ કાર્ય શરૂ કર્યુ છે. સુરત પોલીસે લોકોના કલ્યાણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ કર્યો છે. સુરત શહેર પોલીસ કમિશનરે સુરત સાયબર મિત્ર ચેટબોટનું ઉદ્ઘાટન કર્યું, જે જાહેર સેવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
સુરત શહેર પોલીસ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે એક મહત્ત્વની શરૂઆત કરવામાં આવી છે. AIનો ઉપયોગ કરી દેશમાં પહેલીવાર સુરત સાયબર મિત્ર ચેટબોટ શરૂ કરાયું છે. સુરતના નાગરિકો હવે એક ક્લીક પર કોઈપણ પ્રકારની સમસ્યાનું સીધું જ નિરાકરણ મેળવી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી સુરત શહેર પોલીસ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફરિયાદ કરવાથી કોઈપણ સમસ્યાનો ઉકેલ મળશે. બીજા છેડેથી AI રોબોટ નાગરિકોને જવાબ આપશે.
વોટ્સએપ પર AI રોબોટ માર્ગદર્શન આપશે
પોલીસ દ્વારા 93285 23417 નંબર પર સુરત સાયબર મિત્ર ચેટબોટ તૈયાર કરાયું છે. ફરિયાદી મનપસંદ ભાષા સિલેક્ટ કરી તે ભાષામાં ફરિયાદ કરી શકસે. ગણતરીની સેકન્ડોમાં ફરિયાદીને સચોટ માહિતી આપતો જવાબ મળી જશે. આ ચેટબોટ થકી સુરતના નાગરિકો 24 કલાક ગમે તે સમયે તેનો ઉપયોગ કરી સાયબર ફ્રોડથી લઈને કાયદાકીય તમામ માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે.
દેશમાં આ પહેલું સાયબર મિત્ર ચેટ બોટ સુરત પોલીસે લોન્ચ કર્યું છે : અજય તોમર, સુરત શહેર પોલીસ કમિશનર
સાયબર મિત્ર ચેટબોટ અંગે સુરત શહેર પોલીસ કમિશનરે કહ્યું કે AIનો ઉપયોગ કરી રોબોટ સાથેનું ચેટબોટ તૈયાર કરનાર સુરત પોલીસ સમગ્ર દેશમાં પ્રથમ છે. દેશના કોઈ પણ રાજ્ય કે શહેરની પોલીસ દ્વારા હજુ સુધી AI રોબોટનો ઉપયોગ કરાયો નથી. નાગરિકો એક ક્લીક પર કોઈ પણ સમસ્યાનું નિરાકરણ મેળવી શકશે.