રાજકોટમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વહેલી સવારે નવા 150 ફૂટ રિંગ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા કોલેજની એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી વિદ્યાર્થિની ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ શબવાહીની 3 કલાકે આવતા સાથી છાત્રો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં તેને સકંજામાં લીધો હોવાનું જાણવા મળ્યું છે. સવારે 7:45 વાગ્યે અમે કોલેજે જઈ રહ્યા હતા. ત્યારે મારા આગળનાં બાઈકમાં હેતવી ગોરવાડિયા અને જીનીષા વસાણી જઈ રહ્યા હતા. પરસાણા વે-બ્રિજ નજીક પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકચાલકે તે બાઈકને અડફેટે લીધુ હતું અને તેમના બાઈક પર ટ્રક ફરી વળતા હેતવીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે જીનીષા ઘાયલ થતા તેને સારવારમાં ખસેડવામાં આવી હતી.જોકે, સમગ્ર મામલે તંત્રને ઘટના બનતાની સાથે પોણા આઠ વાગ્યે ફોન કર્યો હતો. દોઢ કલાક બાદ સાડા નવે 108 આવી અને તેણે હેતવીનું મોત જાહેર કર્યું.તેમજ પોસ્ટમોર્ટમ માટે ખસેડવા કહ્યું હતું. તંત્રએ અંદારોઅંદર રિપોર્ટિંગ કર્યું તેમાં બીજી દોઢ કલાક પસાર થઈ હતી. ત્યારબાદ પોલીસ આવી હતી. જેનાં થોડા સમય બાદ શબવાહીની આવી હતી. સમગ્ર પ્રક્રિયામાં ત્રણેક કલાક જેટલો સમય પસાર થઈ ગયો હતો. જે ખરેખર યોગ્ય નથી.