રાજકોટ ભાવનગર હાઇવે પર હલેન્ડા ગામ પાસે બંધ ટ્રક પાછળ ઇકો કાર ધૂસી જતા ચલાલા પંથકના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ પરિવારજનો સહિત અમરેલી અખબાર લઈને જતા કાર ચાલકને ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માતા-પિતાની નજર સામે જ માસુમ બાળક કાળનો કોળિયો બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ ગત મોડી રાત્રીના 3 વાગ્યા આસપાસ રાજકોટ ભાવનગર હાઇવે પર હલેન્ડા ગામ પાસે બંધ ટ્રેક પાછળ ઇકો કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારના ચાલક સંજયભાઈ વજુભાઈ તેરૈયા (ઉ.વ.43) ઘવાયા હતા. જ્યારે તેમની કારમાં બેઠેલા ચલાલા પંથકના મીઠાપુર ગામના પ્રવીણભાઈ બચુભાઈ ચૌહાણ (ઉ.વ.40), તેમના પત્ની રંજનબેન પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ.38), તેમના પુત્ર યશ ચૌહાણ (ઉ.વ.15) અને હર્ષિલ ચૌહાણ (ઉ.વ.11) ઘવાયા હતા.છતાં આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં માસુમ બાળક હર્ષિલ ચૌહાણનું માતા-પિતાની હાજરીમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે બાળકના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અન્ય પરિવારજનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પ્રવીણભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે રાજકોટ આજીડેમ ચોકડી પાસે કાજલબેન પ્રવીણભાઈ જેઠવાના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂરો કરી પરત ચલાલા ડુંગર મીઠાપુર ગામે જઈ રહ્યા હતા. જે સમયે સંજયભાઈ પોતાની ઈકોમાં અખબાર લઈ અમરેલી તરફ જતા હતા જેથી મીઠાપુરનો પરિવાર તેમાં બેસી ગયો હતો.ઇકોમા નીકળેલા પ્રવીણભાઈ ચૌહાણ સહિતનો પરિવાર કારમાં બેઠો હતો હતો ત્યારે રાજકોટના હલેન્ડા ગામ નજીક બંધ ટ્રક પાછળ કાર ધૂસી ગઇ હતી અને હર્ષિલ ચૌહાણ નામના બાળકનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક માસુમ બાળક હર્ષિલ ચૌહાણ ધોરણ 6માં અભ્યાસ કરતો હતો અને ઇજાગ્રસ્ત યશ ચૌહાણે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માતા-પિતાની નજર સામે જ માસુમ બાળકને કાળ આંબી જતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.