Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આગામી તા.૩૦ નવેમ્બર થી તા.૨ ડીસેમ્બર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા

આગામી તા.૩૦ નવેમ્બર થી તા.૨ ડીસેમ્બર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
, મંગળવાર, 30 નવેમ્બર 2021 (11:57 IST)
કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યુ છે કે, આગામી તા.૩૦ નવેમ્બર થી તા.૨ ડીસેમ્બર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ આગાહી વચ્ચે રાજ્યના ખેડૂતોએ ખેતીપાકોમાં થનાર સંભવીત નુક્શાનથી બચવા જરૂરી તકેદારી રાખવી આવશ્યક છે.
 
મંત્રીએ ઉમેર્યુ કે, ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ૩૦ નવેમ્બર થી ૨ ડીસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે. જે અંતર્ગત તા. ૩૦ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસવાની આગાહી છે.
 
તે ઉપરાંત તા.૦૧ ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે થી ખુબ ભારે વરસાદની આગાહી તેમજ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, જુનાગઢ, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી અને કચ્છ જિલ્લામાં ઓછો-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે તા.૦૨ ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તથા છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી નવસારી, વલસાડ જિલ્લાઓમાં ઓછો- મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
 
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલમા રાજ્યમાં તા.૨૨-૧૧-૨૦૨૧ની સ્થિતિએ રવી પાકનુ કુલ.૧૫,૧૪,૦૭૮ હેક્ટરમાં વાવેતર થયેલ છે જેમા જીરુ ૬૩,૧૦૦ હેક્ટર, રાઇ ૨,૩૫,૪૦૦ હેક્ટર, બિનપિયત ઘઉ ૧૮,૭૦૦ હેક્ટર તેમજ ચણા, અજમો અને શાકભાજીનો સમાવેશ થાય છે. તેમજ જીરુ અને ઘઉનુ વાવેતર ચાલુમા છે. જેમા ખેડુતોએ કાળજી લેવી જરુરી છે તેમજ કેટલાક ખરીફ પાકો કાપણીના તબક્કે છે.
 
મંત્રીએ કહ્યુ કે, વાદળછાયા વાતાવરણને ધ્યાને લઇ હાલમા ખેતરમાં કપાસ, રાઇ, વરિયાળી, શાકભાજી, દિવેલા જેવા ઉભા પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમા જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. બીટી કપાસ પાકમાં વિણી બાકી હોય તો તુરંત કરી લેવી અને તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. તે ઉપરાંત વરીયાળી, દિવેલા, રાઇ, શાકભાજી જેવા ઊભા પાકોમા પિયત ટાળવુ. ફળ પાકો/શાકભાજી ઉતારીને બજારમા સુરક્ષિત રીતે જ પહોંચાડવા. રાસાયણિક ખાતર કે નવુ ખરીદેલ ઘઉ અને જીરુનુ બિયારણ પલડે નહી તે મુજબ સુરક્ષિત ગોડાઉનમા રાખવુ.
 
મંત્રીએ ઉમેર્યુ કે, વધુ પ્રમાણમા કમોસમી વરસાદ થાય તો નીચાણવાળા ભાગોમાં જીરું, રાઇ તથા ચણા જેવા ઉભા પાકોમાં કે નવુ વાવેતર કરેલ રવિ પાકોના ચાસમા પાણી ભરાયું હોય તો તુરંત તેનો નિકાલ કરવો. ખરીફ ઋતુનો કોઇ પાક કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે ખેતરમાંથી કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા ગોડાઉનમાં ખસેડી લેવા અથવા સુરક્ષિત  જગ્યાએ તાડપત્રી ઢાંકીને ઉંચાણવાળા ભાગમા રાખવા.
 
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, એપીએમસીમા વેપારી મિત્રો તેમજ ખેડુતોએ કાળજી રાખવી અને આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એપીએમસીમા અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાંકીને રાખવા. એપીએમસીમા વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો શક્યત: આ દિવસો દરમિયાન વાતાવરણનુ નિરીક્ષણ કરી ટાળવી. એપીએમસીમા વેચાણ અર્થે લઇ જવાતી ખેતપેદાશો  તાડપત્રી ઢાંકી ને જ લઇ જવી. ખાતર – બિયારણના વિક્રેતાઓએ પણ ઇનપુટ ગોડાઉનમા પલડે નહી તે મુજબ આગોતરુ આયોજન કરીને સુરક્ષિત રાખવા ઉમેર્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આણંદમાં ગાયના પેટમાંથી આઇસક્રીમની વાટકીઓ, ચમચીઓ સહિત 77 કિલો પ્લાસ્ટિક મળ્યું